મહારાષ્ટ્રના લોકોએ સીએમની અપીલ પર ખેડૂતોને ૪૦૦ કરોડનું દાન આપ્યું

મુંબઈઃ કેટલાંય વર્ષોથી દુષ્કાળનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના ખેડૂતોની વહારે હવે આ રાજ્યના લોકો આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અપીલ પર મહારાષ્ટ્રના લોકોએ દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને રૂ. ૪૦૦ કરોડનું ડોનેશન આપ્યું છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જુલાઈ મહિનાના પોતાના બર્થડે પર લોકોને અપીલ કરી હતી કે તેઓ ખેડૂતોને મદદ કરે.

 મુખ્યપ્રધાનના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના લોકો ખેડૂતો માટે રૂ. ૪૦૦ કરોડ જમા કરાવી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડ વિસ્તારમાં દુષ્કાળના કારણે હજારો ખેડૂતો અત્યાર સુધીમાં આત્મહત્યા કરી ચૂક્યા છે. 

દેવેન્દ્ર ફડણવીસની અપીલ પર ગામડાના લોકોથી લઈને સરકારી અધિકારીઓ, બોલિવૂડ અભિનેતાઓ અને ક્રિકેટરોએ ભરપૂર દાન આપ્યું છે. ડોનેશન આપનારી હસ્તીઓમાં બોલિવૂડના સ્ટાર અક્ષયકુમાર, ક્રિકેટર અજિંકય રહાણે, આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે જલયુક્ત શિવર અભિયાન નામની યોજના શરૂ કરી છે. આ યોજનામાં ૨૫,૦૦૦ ગામોને આવરી લેવાયા છે. જેઓ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે.

You might also like