મહારાષ્ટ્રના માઉન્ટેનમેને સાત પહાડ ચીરીને ૪૦ કિલોમીટરનો રોડ બનાવ્યો છે

નવી દિલ્હીઃ બિહારના માઉન્ટેનમેન દશરથ માંઝી જેવો જ એક માઉન્ટનમેને મહારાષ્ટ્રમાં પણ છે જેણે છેલ્લા ૫૭ વર્ષમાં સાત પહાડને કાપીને ૪૦ કિલોમીટરનો રોડ બનાવ્યો છે. અહમદનગર જિલ્લાના ગુડગાંવમાં રહેતા ૮૪ વર્ના રાજારામ ભાપકરે ૫૭ વર્ષ સુધી અા કામ ચલાવ્યું હતું. નિવૃત્ત શિક્ષક રાજારામ ભાપકર અે વિસ્તારમાં ભાપકર ગુરુજીના નામે પ્રસિદ્ધ છે. રાજારામનું કહેવું છે કે અાઝાદીના સમયમાં ગુડેગાંવની અાસપાસનાં ગામોમાં જવા માટે કોઈ રોડ નહોતો.૧૯૫૭થી ૧૯૯૧ સુધી ભાપકર જિલ્લા પરિષદની સ્કૂલમાં શિક્ષક હતા. તેમની સ્કૂલ કોલેગાંવમાં હતી જ્યાં જવા માટે ત્રણ ગામ પાર કરીને જવું પડતું. ભાપકરે પહેલાં તો વિભિન્ન સરકારી વિભાગો પાસે ૭૦૦ મીટર ઊંચા પહાડની વચ્ચેથી રસ્તો કાઢવા માટે રજૂઅાત કરેલી. જો કે કોઈ મદદ ન મળી અેટલે તેમણે જાતે જ રસ્તો બનાવવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. ૫૭ વર્ષ સુધી મજૂરોને રાખીને તેમણે જાતે અાસપાસનાં ગામોને જોડતો ૪૦ કિલોમીટરનો રસ્તો બનાવ્યો છે. અા માટે તેઅો મજૂરી પોતાના ખિસ્સામાંથી અાપતા હતા અને જાતે પણ મદદ કરતા હતા. રાજારામનું કહેવું છે કે અા રસ્તો બનાવવા માટેનો એક રૂપિયો પણ સરકારી નથી. ૧૯૬૮ની સાલમાં જ્યાં એક સાઈકલ પણ ન જઈ શકે એવી કેડીઅો હતી ત્યાં હવે મોટી ગાડીઅો અાવી જઇ શકે છે. અા કામ ૧૯૯૭માં પૂરું થયેલું.
You might also like