મહારાષ્ટ્રના પ્રધાને પોતાના જ પુત્ર પાસે રૂ. ૧,૦૦૦નો દંડ ભરાવ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પરિવહન પ્રધાને એક પોલીસ અધિકારી સાથે ચર્ચામાં ઊતરવા બદલ પોતાના જ પુત્રને રૂપિયા ૧૦૦૦નો દંડ ભરવા આદેશ આપ્યો હતો. પરિવહન પ્રધાન દિવાકર રાવતે જણાવ્યું હતું કે તેમના ૩૮ વર્ષના પુત્ર ઉન્મેષે પોલીસ દ્વારા રોકવામાં આવતાં પોલીસ સાથે ચર્ચા અને તકરાર શરૂ કરી દીધી હતી. એક અન્ય ઈન્સ્પેક્ટરની દરમિયાનગીરીથી ઉન્મેષ અને પોલીસકર્મીઓ વચ્ચેનો મામલો શાંત પડ્યો હતો.

બીજે દિવસે સવારે ઉન્મેષના પિતા અને રાજ્યના પરિવહન પ્રધાન  દિવાકર રાવતને આની ખબર પડતાં તેમણે પોતાના જ પુત્રને ફરજ પરના સરકારી કર્મચારીની કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ પોલીસ પાસે જઈને દંડ ભરવા આદેશ કર્યો હતો.

રાવતે જણાવ્યું હતું કે પોલીસ પોતાનું કામ કરી રહી હતી. પોલીસની કામગીરીમાં જો કોઈ અવરોધ કરે તો તેણે નિયમ મુજબ દંડ કરવો પડે પછી તે ભલે પ્રધાનનો પુત્ર કેમ ન હોય? આવી જ એક ઘટનામાં અગાઉ રાવતે હેલ્મેટ વગર બાઈક ચલાવનાર પોલીસ કોન્સ્ટેબલને પણ દંડ ભરાવ્યો હતો.

You might also like