મયંક અને ઉન્મુક્તના શાનદાર પ્રદર્શનથી દ. આફ્રિકા-'એ' સામે ભારત-'એ'ની જીત

ચેન્નઈઃ ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલના શતક અને કપ્તાન ઉન્મુક્ત ચંદ સાથેની બેવડી શતકીય ભાગીદારીથી ભારત-‘એ’ એ અહીંયા દક્ષિણ આફ્રિકા-એને ૭૪ બોલ બાકી રહેતા આઠ વિકેટે સજ્જડ હાર આપી ટ્રાઈ સિરીઝમાં બોનસ પોઈન્ટ મેળવ્યાં છે. ભારત-‘એ’ના કોચ બનેલ રાહુલ દ્રવિડે એક કોચના રૂપમાં પહેલી જીત મેળવી છે.

મયંકે ૧૨૨ બોલમાં ૧૬ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૩૦ રન બનાવ્યા અને કપ્તાન ઉન્મુક્ત ૯૪ બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૯૦ સાથે પહેલી વિકેટમાં ૨૨૯ રનની ભાગીદારી કરી હતી. જેના કારણે ભારતને આફ્રિકાનો સ્કોર ઓછો જણાયો હતો.

દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલા બેટિંગ કરતાં ઓપનિંગ બેટ્સમેન ક્વિંટન ડિકોકના શતકીય ૧૦૮ અને વિકેટકીપર ડેન વિલાસના ૫૦ રનની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૪૪ રન બનાવી ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી મિડિયમ પેસર બોલર રિષિ ધવને ૩૯ રનમાં ચાર અને સંદીપ શર્માએ ૪૬ રનમાં બે વિકેટ ઝડપી હતી.

જેના જવાબમાં ભારત-‘એ’ એ માત્ર ૩૭.૪ ઓવરમાં બે વિકેટે ૨૪૭ રન બનાવી આસાન જીત મેળવી અને બોનસ પોઈન્ટ પણ મેળવ્યા હતા.આ ભારત-‘એ’ની ટૂર્નામેન્ટમાં પહેલી જીત છે. આ રીતે તેના બે મેચોમાં પાંચ અંક થયા છે. ઓસ્ટ્રેલિયા એટલી જ મેચોમાં દસ પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. દક્ષિણ આફ્રિકાને બન્ને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

 

You might also like