મનોહરનું BCCI અધ્યક્ષ બનવું લગભગ નક્કી

નવી દિલ્હીઃ શશાંક મનોહરનું ફરીથી બીસીસીઆઇના અધ્યક્ષ બનવું લગભગ નક્કી થઈ ગયું છે. તેમને અનુરાગ ઠાકુર અને શરદ પવાર જૂથનું સમર્થન મળી ચૂ્યું છે અને જગમોહન દાલમિયાના નિધન બાદ ખાલી પડેલા અધ્યક્ષપદ માટે આ બંને જૂથના પસંદગીના ઉમેદવાર બની ચૂક્યા છે. 

વિદર્ભના ૫૭ વર્ષીય વકીલ મનોહર ૨૦૦૮થી ૨૦૧૧ સુધી બીસીસીઆઇના પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યાર બાદ એન. શ્રીનિવાસન અધ્યક્ષ બન્યા હતા. પોતાની ચોખ્ખી છબિ અને રમતમાં ભ્રષ્ટાચારના મામલામાં કડક વલણ અખત્યાર અપનાવનાર મનોહર હવે પવાર અને ઠાકુર બંને જૂથના સ્વીકાર્ય ઉમેદવાર બનીને ઊભર્યા છે.

બીસીસીઆઇના એક સિનિયર અધિકારીએ કહ્યું કેન્દ્રીય નાણાપ્રધાન જેટલી અને અનુરાગ ઠાકુરના મનાવ્યા બાદ મનોહર ફરીથી અધ્યક્ષપદ સંભાળવા રાજી થયા છે. ઠાકુર અને પવાર જૂથના સમર્થનથી મનોહરને હવે ૨૯માંથી ૧૫ વોટ મળવા નક્કી છે, જે અધ્યક્ષ બનવા માટે જરૂરી છે.

આ સાથે જ તામિલનાડુના દિગ્ગજ શ્રીનિવાસનની પોતાની પસંદગીના ઉમેદવારને અધ્યક્ષ બનાવવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. મનોહર આઇપીએલ સ્પોટ ફિક્સિંગ બાદ શ્રીનિવાસનના આકરા ટીકાકાર બન્યા હતા. તેઓ શ્રીનિવાસન અને પવાર વચ્ચે કરારની અટકળોને સંપૂર્ણપણે વિરુદ્ધ છે. 

You might also like