‘મને રોટલી બનાવતાં પણ આવડે છે’

મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટીનો ચેરમેન અને એક જમાનાનો આક્રમક બેટ્સમેન સંદીપ પાટીલને જાતે રસોઈ બનાવવો બહુ જ શોખ છે. પોતાના ખોરાક પ્રત્યે બહુ જ સજાગ એવો સંદીપ પાટીલ ખુદ માર્કેટમાં જઈને શાકભાજી-મટનની ખરીદી કરે છે. મુંબઈના દાદરના સિટીલાઇટ માર્કેટમાં ફેરિયાઓને કાળાં ચશ્માં, હાથમાં બગલ થેલો લઈને શાકભાજી-મટન-મચ્છીની ખરીદી કરવા આવતા સંદીપને જોઈને જરા પણ આશ્ચર્ય થતું નથી. ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટીનો ચેરમેન સંદીપ પાટીલ જે રીતે દેશના ખેલાડીઓને પસંદ કરે છે એટલી જ ચીવટથી શાકભાજી-મટન અને અન્ય તમામ વસ્તુઓની ખરીદી કરે છે. સંદીપે કહ્યું, ”હું મારા ખોરાકને લઈને બહુ જ સજાગ છું. મને જે કંઈ જોઈએ તે હું જાતે જ પસંદ કરું છું. મને કૂકિંગનો ઘણો શોખ છે. મુંબઈમાં હોઉં ત્યારે દરરોજ હું જ કૂકિંગ કરું છું. મને રોટલી બનાવતાં પણ આવડે છે.”જોકે સંદીપ પાટીલે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે તેની પત્ની આ કામ મારાં કરતાં ઘણું સારું કરે છે. સંદીપ જ્યારે પણ મુંબઈમાં હોય તેના પુત્રો ચિરાગ અને પ્રતીકને શું ખાવું છે એ અવશ્ય પૂછે છે. કૂકિંગની આ સમગ્ર પ્રક્રિયા તેને ક્રિકેટ અને અન્ય કામોમાંથી ઘણી રાહત આપે છે.  દાદરના સિટીલાઇટ માર્કેટમાં બેસતી માછલી વેચતી મહિલાઓ સંદીપને જોઈને ‘દાદા…દાદા’ એવી બૂમો પાડે છે.  સંદીપે કહ્યું કે, ”હું અહીં છેલ્લાં ૪૦ વર્ષથી આવું છું. આ મહિલાઓ સાથે હું કોઈ ભાવતાલ કરતો નથી એ વાત આ મહિલાઓને પસંદ છે. મને જે કંઈ ગમે – બોમ્બિલ, ઝિંગા, સુરમઈ અથવા હલવા – હું તે ખરીદું છું.”શાકમાર્કેટમાંથી ખરીદી કરી લીધા પછી સંદીપ પાટીલ ઘેર જઈ તમામ શાકભાજી, માછલી તથા મટનને સાફ કરવાનું કામ પણ કરે છે. ચોખાનો રોટલો અને મટન તેની ફેવરિટ ડિશ છે.  સંદીપ કહે છે, ”મારી બનાવેલી રસોઈ મારા મિત્રોને ખૂબ જ પસંદ પડે છે. મારી રુટિન લાઇફ સામે મને કોઈ ફરિયાદ નથી. હું આ રીતે જ સામાન્ય જીવન જીવું છું. મેં કોઈ મોટી ધાડ નથી મારી, પરંતુ મને ગમે છે એ હું કરું છું.”
You might also like