મને ફિલ્મો બનાવવાનો શોખ છે, હું સ્ટારડમમાં માનતો નથીઃ ઈમરાન ખાન

‘કયામત સે કયામત તક’માં બાળ ભૂમિકા ભજવનાર અને ર૦૦૮માં ‘જાને તૂ યા જાને ના’ ફિલ્મથી બોલીવૂડમાં મુખ્ય રોલ નિભાવનાર ઈમરાન ખાન ઘણી સારી ફિલ્મો કરી ચૂક્યો છે. હવે બે વર્ષના વિરામ બાદ તેની આગામી ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’ સાથે આવી રહ્યો છે ત્યારે તેની સાથેની ખાસ વાતચીત…

‘કટ્ટી બટ્ટી’ની વાર્તામાં ખાસ શું છે?‘કટ્ટી બટ્ટી’માં સાત વર્ષ સુધી લીવ-ઈન રિલેશનમાં રહ્યાં બાદ લડાઈ શરૂ થઈ જાય એવા બે વ્યક્તિઓની વાત છે. આખરે તેમનું બ્રેક-અપ થઈ જાય છે. આ ફિલ્મમાં શરૂઆતમાં જ બ્રેક-અપ બતાવાયું છે, છતાં બંને એક-બીજાને ચાહે છે. જોકે અસલી પ્રેમ અને સ્ક્રીન પરનો પ્રેમ તદ્દન જુદી વાત છે. લડાઈ-ઝઘડા બાદ પણ વ્યક્તિ વગર રહી ન શકો તે સાચી ચાહત છે.

તારી પત્ની અવંતિકા સાથે લગ્ન પહેલાં લીવ-ઈન રિલેશનમાં રહી ચૂક્યો છે, ત્યારે લાગે છે કે લીવ-ઈનથી સંબંધ વધારે મજબૂત થાય છે?મને લાગે છે કે, લગ્ન પહેલાં તમને એકબીજાની હકીકત ઝડપથી નજરે પડે છે. સંબંધ મજબૂત બને છે કે નહીં તે ખબર નથી. લગ્ન એ પણ લીવ-ઈન રિલેશનનો પ્રકાર જ છે, તેમાં માત્ર સાથે રહેવાની મંજૂરી મળી જાય છે. જોકે હું આવી બાબતોમાં વિશ્વાસ નથી કરતો. ઘણી વાર લગ્ન પછી પણ બાહ્ય સંબંધો ચાલુ રહે છે, લગ્ન કર્યા અંગેનો કોઈ ફેર નથી પડતો.

તારી પત્ની સાથે ‘કટ્ટી બટ્ટી’ થાય છે? કોણ કોને મનાવે છે?લગ્ન પહેલાં પણ અમારી વચ્ચે ‘કટ્ટી બટ્ટી’ થતી અને હાલ પણ થાય છે, પરંતુ જેની ભૂલ હોય તે જ માફી માગે. દરેક વખતે મારે જ માફી માગવી પડે તે સાચો પ્રેમ ન કહેવાય. જોકે અમારા બંનેમાંથી હું જીદ્દી અને અવંતિકા શોર્ટ ટેમ્પર્ડ છે. હું ઝડપથી નારાજ નથી થતો, પરંતુ કોઈ એક બાબત પકડી રાખું પછી ઝટ માનતો પણ નથી.

બાપ બની ચૂક્યો છે, ત્યારે નવી જવાબદારીઓ આવી છે?શરૂઆતમાં થોડાક મહિના સુધી ઘણી તકલીફ પડી હતી. પિતા બનવામાં કે સારા પતિ બનવામાં કોની તરફ વધુ ધ્યાન આપું તેની મૂંઝવણ હતી. બંને જવાબદારીઓ નિભાવવી મુશ્કેલ હતી.

તારી પુત્રી કોના પર ગઈ છે?પર્સનાલિટી મુજબ મારી પુત્રી અવંતિકા પર ગઈ છે. હા, તેને પ્રાણીઓ સાથે લગાવ હોવાથી, આ ગુણમાં તે મારા પર ગઈ છે, કારણ કે મને અને મારા પરિવારને જાનવરો સાથે લગાવ છે. મારી પાસે છ બિલાડીઓ છે અને મારી પુત્રી બિલાડીઓ સાથે જ રમે છે.

‘કટ્ટી બટ્ટી’ જોઈને તારા મામા (આમિર ખાન) રડી પડ્યા હતા?આ એક સામાન્ય રોમેન્ટિક નહીં, પરંતુ ઈમોશનલ ફિલ્મ છે. ફિલ્મના સેકન્ડ હાફ વખતે હું પણ રડી પડ્યો હતો. હું કે મામા સામાન્ય દર્શકની જેમ જ ફિલ્મ જોઈએ છીએ અને દિલ ખોલીને હસીએ કે રડીએ છીએ. મને એ નથી સમજાતું કે, લોકો ચૂપ બેસીને ફિલ્મ કેવી રીતે જોઈ શકે છે. ફિલ્મ મનોરંજન માટે હોય છે એટલે તેને જોતી વખતે મનોરંજન થવું જ જોઈએ.

તારી છેલ્લી કેટલીક ફિલ્મો ન ચાલી તો દુઃખ નથી થતું?દરેક એક્ટરની બે-ત્રણ ફિલ્મો ફ્લોપ થઈ જ હશે. કેટલાકની તો ૧૦-૧ર ફિલ્મો ફ્લોપ ગઈ હશે. આવું થતું રહે છે. મારી ફ્લોપ થવા અંગે મને આશ્ચર્ય નથી થતું, કારણ મને ફિલ્મ જોતાં જ ખ્યાલ આવી જાય છે કે તે હિટ જશે કે ફ્લોપ, જ્યારે અમે ફિલ્મ બનાવીએ અને જ્યારે તે તૈયાર થઈ જાય એ બંનેમાં તફાવત હોય છે.

બે વર્ષ સુધી ફિલ્મો ન કરી તે સમય કેવો હતો? સાઇડ આઉટ થઈ જવાનો ભય નહોતો?મારા માટે તે સમય ખૂબ જ સારો હતો. મને ફિલ્મો જોવાનો, તેમાં કામ કરવાનો અને ફિલ્મો બનાવવાનો શોખ છે. હું સ્ટારડમમાં માનતો નથી. ઘણાં લોકો ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટાર કે ફેમસ બનવા આવે છે, મારું એવું નથી. હું ઇચ્છું છું કે, હું મારી પુત્રી અને પરિવાર સાથે વધુમાં વધુ સમય વિતાવું. જો હું કોઈ ફિલ્મ કરી રહ્યો હોઉ કે પરિવારથી દૂર કોઈ કામ કરવા જઈ રહ્યો હોઉ તો તે કામ કે ફિલ્મ ખાસ હોવી જોઈએ, પછી તે ચાલે કે ન ચાલે. હું જેને પસંદ કરું છું અને જેની ઈજ્જત કરું છું એવા લોકો સાથે કામ કરવા ઇચ્છું છું. એક ફિલ્મ પાછળ પાંચથી આઠ મહિના આપ્યા બાદ તમે ખુશ નથી તો સમજો કે તમે સમય બરબાદ કરી રહ્યા છો. હું આમ કરવા નથી ઇચ્છતો.

તારી દરેક ફિલ્મમાં શું નવું કરે છે?મેં હજુ સુધી ૧ર ફિલ્મો કરી છે, જેમાંથી ચાર-પાંચ ફિલ્મો પર મને ગર્વ છે, ‘કટ્ટી બટ્ટી’ તેમાંની એક છે. હું મારી દરેક ફિલ્મમાં તક મળે ત્યારે પ્રામાણિકતાથી કંઈક નવું અને સુંદર કરવાનો પ્રયાસ કરું છું. જોકે કેટલીક વાર સ્ક્રિપ્ટ સાથ ન આપે તો કેટલીક વાર દિગ્દર્શક.

મામા આમિર ખાન તારા માટે લકી છે? તેની સાથે બીજી વાર કામ કરીશ?જરૂરથી કંઈક કરીશું, જોકે હાલ કોઈ પ્લાનિંગ નથી. મારું માનવું છે કે, તમે દિલથી કામ કરો તો ચોક્કસ સફળ થવાય, પરંતુ ફિલ્મની વચ્ચે કોઈ પ્રાસંગિક સીન ઉમેરવાનો થાય ત્યારે તે ખૂબ જ બેહૂદું લાગે છે. ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી તે પ્રસંગ જતો રહ્યો હોય એટલે તેનો કોઈ અર્થ રહેતો નથી. મેં ઘણી સ્ક્રિપ્ટ વાંચીને પસંદ કરેલી, પરંતુ ફિલ્મ બનતાં બનતાં ઘણા બદલાવ થઈ જાય છે. ઘણી વાર લોજિસ્ટિક કે બજેટની પણ સમસ્યાથી જોઈએ તેવી ફિલ્મ બની શકતી નથી.

કંગના સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?કંગના કમાલની એક્ટ્રેસ છે અને તે નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. એક હીરો તરીકે હું સૌથી સુંદર કામ કરવાનો પ્રયત્ન કરું છું, જ્યારે તમે સારા લોકો સાથે કામ કરો છો ત્યારે તમને ચોક્કસ ફાયદો થાય છે, પરંતુ તમારી નિયત સાફ હોવી જોઈએ. જેમ સ્પોટ્ર્સમાં તંદુરસ્ત હરીફાઈ માટે બંને પ્લેયર્સ કાબેલ હોવા જોઈએ તેવું જ ફિલ્મોમાં પણ છે.

હિના કુમાવત

You might also like