મને ટિકિટ નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશઃ રાજદના વિધાનસભ્ય

પટણાઃ બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ નહીં મળવાના મીડિયામાં આવી રહેલા સમાચારો વચ્ચે રાજદના વિધાનસભ્ય દિનેશસિંહે પટણામાં પક્ષના કાર્યાલય સામે ધરણાં પર બેસીને એવી ધમકી આપી છે કે જો મને ટિકિટ નહીં આપવામાં આવે તો હું આત્મહત્યા કરી લઈશ.

ભોજપુર જિલ્લાના જગદીશપુરના વિધાનસભ્ય દિનેશસિંહ હાથમાં એક તખ્તી લઈને ધરણાં ઉપર બેસી ગયા છે, જેના પર તેમણે લખ્યું છે કે રાજદના સુપ્રીમો એ બાબતે સ્પષ્ટતા કરે કે મને ટિકિટ મળવાની નથી એવા સમાચાર સાચા છે કે ખોટા અને તેની પાછળનાં કારણો મને જણાવવામાં આવે.

દિનેશસિંહે જણાવ્યું છે કે લાલુપ્રસાદને એટલો આગ્રહ કરું છું કે તેઓ મારા અંગે વહેતી થયેલી અફવાઓમાં સ્પષ્ટતા કરે. તેમણે જણાવ્યું છે કે જો શનિવાર સુધીમાં મને સંતોષકારક જવાબ નહીં મળે તો હું આમરણાંત અનશન ચાલુ કરી દઈશ અને રવિવારે રાજદના કાર્યાલય સામે આત્મહત્યા કરીને મારો જીવ આપી દઈશ.

દરમિયાન નીતીશકુમારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે મહાગઠબંધને તમામ ઘટક પક્ષની યાદીને આખરી આેપ આપી દીધો છે અને ૧૯ સપ્ટેમ્બરે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ધરણાં પર બેઠેલા વિધાનસભ્ય યાદવ જાતિના સભ્ય છે અને રાજ્ય વિધાનસભામાં ખેડૂતોના મામલે ખૂબ સક્રિય છે.

You might also like