મનપ્રીતે ૧૮ વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકર્ડ તોડ્યો

કોલકાતાઃ રેલવેની શોટપૂટર મનપ્રીત કૌરે ગઈ કાલે 55મી નેશનલ ઓપન એથલેટિક ચેમ્પિયનશિપમાં ૧૮ વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકર્ડ તોડીને આગામી વર્ષે યોજાનાર રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. મનપ્રીતે પોતાના બીજા જ પ્રયાસમાં ૧૭.૯૬ મીટર દૂર શોટપૂટ ફેંકીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવી લીધો હતો. ૧૭.૪૩ મીટરનો ગત રેકર્ડ હરબંસ કૌરના નામે નોંધાયેલો હતો, જે તેણે ૧૯૯૭માં બનાવ્યો હતો. મનપ્રીતની આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની આ હેટ્રિક છે. મનપ્રીતનનું પાછલું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૬.૩૯ મીટરનું હતું, જે તેણે ગત વર્ષે દિલ્હી નેશનલ ઓપનમાં કર્યું હતું.ગોલ્ડ મેલ જીત્યા બાદ પટિયાલાની ૨૫ વર્ષીય મનપ્રીતે કહ્યું કે તે રિયો ઓલિમ્પિક પહેલાં ૧૯ મીટરના લક્ષ્ય સુધી પહોંચવાને લઈને આશ્વસ્ત છે. પ્રેક્ટિસને જો પ્રદર્શનમાં બદલી શકાય તો તેને હાંસલ કરવું મુશ્કેલ નહીં હોય. ૫૦૦ મીટર દોડમાં રેલવેએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ પર કબજો જમાવી દીધો હતો. ઓપી જૈશાએ ૧૫.૩૧ મિનિટમાં ગોલ્ડ મેડલ જીત્યો, જે આ ટૂર્નામેન્ટનો નવો રેકર્ડ છે, જ્યારે એલ સૂર્યા બીજા અને સ્વાતિ ગાવડે (૧૬.૧૧ મિનિટ) ત્રીજા સ્થાન પર રહી. મહિલાઓના હેમર થ્રોમાં રેલવેની સરિતા પી. સિંહે ૫૮.૯૭ મીટરનું અંતર સાધીને ગોલ્ડ મેડલ જીત્યો. એલઆઇસીની સોનમ ૫૮.૧૬ મીટર સાથે બીજા સ્થાને અને રેલવેની ગુંજન સિંહ ૫૪.૪૩ મીટર સાથે ત્રીજા સ્થાને રહી હતી.
You might also like