મધ્ય પ્રદેશના એક ગામમાં દાળનો વઘાર કરવા પર મુકાયો પ્રતિબંધ 

ભોપાલઃ મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાં એક પંચાયતે વિચિત્ર ફરમાન જારી કર્યું છે. ગામના લોકોને એવું કહેવાયું છે કે દાળમાં વઘાર કરવામાં ન અાવે. અા ફરમાનને ન માનનારા લોકોને દંડ કરવામાં અાવશે. પંચાયતે તેનું કારણ જણાવતાં કહ્યું છે કે દાળમાં વઘાર કરવાથી અને માછલી, મરઘાં પકાવવાથી પાલતું પ્રાણીઅો મરી શકે છે. તેમને જીવતાં રાખવા માટે વઘાર પર પ્રતિબંધ મુકાયો છે. 

પંચાયતના ફરમાન છતાં પણ કેટલાક શોખીનોઅે માછલી પકવી તો તેમની પાસે દંડ વસૂલાયો. અા વાત બૈતુલથી ૨૫ કિલોમીટર દૂર ઘોડાડોગરી બ્લોકના મેઢા પાણી ગામનો છે. તેની વસ્તી લગભગ એક હજાર જેટલી છે. 

ગામમાં એક પછી એક પાલતું પ્રાણી મૃત્યુ પામ્યાં તો તેનાથી ચિંતિત ગ્રામ્યજનોમાં જાતજાતની ચર્ચાઅો થવા લાગી અને અંધવિશ્વાસ વધવા લાગ્યો. વાત વધી ગઈ તો નજીકના સિલ્લોટ ગામના એક તાંત્રિકને બોલાવાયા. તાંત્રિકે ગ્રામ્યજનોને કહ્યું કે સવા મહિના સુધી મટન, માછલી અને ઇંડા બનાવવાના બંધ કરાવો અને દાળમાં વઘાર ન કરો.  નાળિયેર પણ ન ફોડો અને ધૂપ પણ ન સળગાવો. 

તાંત્રિકની સલાહ બાદ વેઢા પાણી ગ્રામપંચાયત ચોપાલે અાદેશ અાપ્યો કે સવા મહિના સુધી કોઈ માંસાહારી ખાવાનું બનાવવામાં નહીં અાવે. સાથે સાથે દાળ-શાકનો વઘાર પણ નહીં થાય. પંચાયતના અાદેશની અવગણના કરનારને ૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ કરવાની વ્યવસ્થા કરાઈ. વેઢા પાણીના સરપંચ રાજેશ ધુર્વેઅે જણાવ્યું કે ગામના યુવાનો અને વૃદ્ધો બધાયે મળીને અા નિર્ણય લીધો હતો. 

અમને કેટલાક ઘરમાં માછલી રાંધવાના સમાચાર મળ્યા તો અમે કડક અાદેશ જારી કરી દંડ ફટકારવાનું શરૂ કર્યું. તેમણે એમ પણ જણાવ્યું કે ગામમાં ઉપરાઉપરી કેટલાયે પશુઅો મૃત્યુ પામી રહ્યાં હતાં. તેનું કારણ સમજાતું ન હતું. પશુઅો મરવાના એક અઠવાડિયાં પહેલાં ખાવાનું છોડી દેતા હતા. તેથી પંચાયતે ભગતની સલાહ લીધી અને તેની પર અમલ કરવાનું નક્કી કર્યું. તેની અસર અે થઈ કે પશુઅોના મૃત્યુનો સિલસિલો બંધ થયો.

 

You might also like