મજૂરો ફરી અકસ્માતનો ભોગ બન્યા

ભરૂચ : ભરૂચ જિલ્લાના વાલિયા નજીક આવેલ વટારિયા ગામ પાસે તા. ૧૧મીની સાંજે ૬ કલાકની આસપાસ ટ્રેઇલરને ઓવરટેઇક કરવા જતી તુફાન ગાડી સામેથી આવતી અન્ય ટ્રક સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સ્થળ પર ચીસાચીસ અને બૂમરાણ મચવા પામી હતી.ઘટનાસ્થળે જ એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

જયારે અન્ય એક મહિલાનું ભરૂચ જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને અકસ્માતમાં ઘાયલ ૨૫થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ભરૂચ જનરલ હોસ્પિટલમાં લવાયા હતાં. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા નજીક તુફાન ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં તુફાન ગાડી આગળ ચાલતી કન્ટેનરને ઓવરટેઇક કરવા જતાં સામેથી આવતી અન્ય એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ પડી હતી.

તુફાન ગાડીમાં મહારાષ્ટ્રના શહદા ગામથી કેટલાક ખેત મજૂરો મજુરીઅર્થે સૌરાષ્ટ્રના કરેલી ગામ ખાતે જતા હતાં.દરમિયાન વાટરિયા ગામ પાસે અકસ્માતમાં બે મહિલાઓના મોત નીપજયા હતાં જયારે ૨૫થી વધુ ઇજાગ્રસ્તોને ભરૂચ જનરલ હોસ્પિટલ, જયાબેન મોદી હોસ્પિટલ તથા વાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવારઅર્થે ખસેડાયા હતાં.

અકસ્માતમાં મરણ જનાર જરીબાઇ સુદામ શેવાડે (ઉ.વ. ૫૦), સતીબાઇ ઝરીયાભાઇ નવલે (ઉ.વ. ૫૫) અને ઇજાગ્રસ્તોમાં ભીલાભાઇ જલારાજ કરંકી-ડ્રાઇવર, દાદુ રામસીંગ પવારે, આશા રામસીંગ પવારે, સરીબાઇ વારિયાભાઇ પવારે અંબરસીંગ ઇશ્વર સેવાડે, આશાબેન રામસીંગ ઠાકરે, ગુલેભાઇ ગનેભાઇ ઠાકરે, જાનુબાઇ પરવરભાઇ બેલ, કલીબાઇ ગુણેભાઇ ઠાકરે, રમેશ રામા આદિવાસી, જાગૃતિ વિઠ્ઠલભાઇ, સપના સખાભાઇ નવલે, સંગીતા ઇથોબા નવલે, શીતલ રામસીંગ પવાર, અનીતા શ્રવણ ઠાકરે, ગણેશ મંગલ ઠાકરે, ભગીબેન ઠાકરે તેમજ પાંચથી વધુ ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં અને ૩ થી ૪ ઇજાગ્રસ્તો વાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ રખાયાના અહેવાલ સાંપડી રહ્યાં છે.

You might also like