મક્કા દુર્ઘટનામાં મૃતકોના પરિવારને રૂ.૧.૭ કરોડના વળતરની જાહેરાત

મક્કાઃ સાઉદી અરેબિયાના કિંગ સલમાને ગત સપ્તાહે મક્કામાં થયેલી દુર્ઘટનામાં મૃતકો અને ગંભીર રીતે ઘવાયેલા લોકોના પરિવારજનોને રૂ.૧.૭ કરોડ અને નજીવી ઇજા પામેલાઓને રૂ.૮૮ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. ૧૧ સપ્ટેમ્બરે પવિત્ર શહેર મક્કાની અલ હરમ મસ્જિદમાં ક્રેઇન તૂટી પડવાથી ઓછામાં ઓછા ૧૧૧ લોકો માર્યા ગયા હતા અને ૪૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ૧૧ ભારતીયોનો પણ સમાવેશ થતો હતો.

કિંગ સલમાને એવું પણ જણાવ્યું છે કે સાઉદી સરકાર ક્રેઇન દુર્ઘટનાના મૃતકોના પરિવારમાંથી બે બે સભ્યને આગામી વર્ષે માત્ર મહેમાનનો દરજ્જો જ નહીં આપે, પરંતુ તેમની હજનો સમગ્ર ખર્ચ પણ ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જે ક્રેઇનથી આટલી મોટી દુર્ઘટના સર્જાઇ હતી તે ત્રાસવાદી ઓસામા બિન લાદેનના પરિવારની કન્સ્ટ્રકશન કંપની સાઉદી બિન લાદેન ગ્રૂપ (એસબીજી) ઓપરેટ કરી રહી હતી. સાઉદીની શાહી કોર્ટે એસબીજીને સસ્પેન્ડ કરી દીધી છે.

એસબીજીને અલ હરમ મસ્જિદના વિસ્તરણની જવાબદારી સોંપવામાં આવી હતી. દુર્ઘટનાની તપાસ કરનાર સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ક્રેઇનને ખોટી દિશામાં લગાવવામાં આવી હતી અને કંપની દ્વારા ક્રેઇનને લગતા માપદંડોનું પાલન કરવામાં આવ્યું નહોતું.

 

You might also like