મંત્રીઓની સમિતિએ એસપીજી અને બ્રહ્મસમાજને મંત્રણા માટે આમંત્રણ આપ્યું

ગાંધીનગર: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા અનામત સંદર્ભે ગઇકાલે રચાયેલી સાત મંત્રીઓની ઉચ્ચ સ્તરીય સમિતિ આ સંવેદનશીલ મુદ્દે તત્કાળ હરકતમાં આવી છે. મંત્રીઓની સમિતિ દ્વારા સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી) અને બ્રહ્મસમાજને મંત્રણા માટે આમંત્રણ અપાયું છે. આમ ગુજરાતને વર્ગ વિગ્રહમાં ધકેલી શકે તેવો ગંભીર મામલો ઉકેલવા માટેના ચક્ર ગતિમાન થઇ ચુક્યા છે.રાજ્યના આરોગ્યમંત્રી નીતીન પટેલની અધ્યક્ષતાવાળી અને કેબિનેટ મંત્રી રમણલાલ વોરા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુ બોખિરિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી વસુબહેન ત્રિવેદી, નાનુભાઇ વાનાણીનો સમાવેશ ધરાવતી સાત મંત્રીઓની ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં અનામતનું કોકડું ઉકેલવા ચર્ચા વિમર્શ કરાયો હતો. જેમાં અનામતની માગણી કરતા પાટીદાર સમાજને આમંત્રણ આપવાનો નિર્ણય લેવાયો હતો.પાટીદારોની ઓબીસી અનામતની માગણીએ રાજ્યભરમાં ઉગ્ર સ્વરૂપ લેતાં આંદોલનકારીઓને મંત્રણા માટે રાજ્ય સરકાર દ્વારા આજે લેખિતમાં આમંત્રણ અપાઇ ગયું છે.અનામત અંગેની મંત્રીઓની ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ નીતીન પટેલએ જનસત્તા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમિતિ દ્વારા સોમવારે બપોરે બે વાગ્યે મંત્રણા માટેનું એસપીજીને લેખિતમાં અપાયું છે. જોકે મંત્રણાનું સ્થળ હજુ નક્કી કરાયું નથી.દરમ્યાન પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જનસત્તા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મને મંત્રણા માટે બોલાવ્યો જ નથી તો પછી હું કેવી રીતે જઉં? પાટીદાર સમાજના અલગ અલગ સંગઠનને બોલાવીને રાજ્ય સરકાર દ્વારા આંદોલનમાં ભેદ કરવામાં આવી રહ્યો છે, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
 

You might also like