ભારત-શ્રીલંકા ટેસ્ટઃ આજે જીત અપાવવાની જવાબદારી બોલર્સ પર

કોલંબોઃ ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટના ચોથા દિવસે અજિંક્ય રહાણે (૧૨૬)ની શાનદાર ઇનિંગ્સની મદદથી બીજી ઇનિંગ્સ આઠ વિકેટે ૩૨૫ રન બનાવી ડિકલેર કરી. ભારતે ત્યાર બાદ પહેલી ઇનિંગ્સમાં મળેલી ૮૭ રનની સરસાઈને જોડતાં યજમાન ટીમ સામે જીતવા માટે ૪૧૩ રનનું વિશાળ લક્ષ્ય મૂક્યું. કેપ્ટન વિરાટ કોહલી દ્વારા ઇનિંગ્સ મોડી ડિકલેર કરવાની રણનીતિ સામે આંગળી ઊઠે એ પહેલાં સ્પિનર આર. અશ્વિને બે વિકેટ ઝડપીને ટીમ ઇન્ડિયાને જીત હાંસલ કરવા તરફ ધકેલી દીધી છે. ગઈ કાલે ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે શ્રીલંકાનો સ્કોર બે વિકેટે ૭૨ રન હતો.

ગઈ કાલે સાહાને સ્નાયુ ખેંચાઈ જવાને કારણે મેદાન છોડવું પડ્યું હતું. ત્યાર બાદ સ્ટુઅર્ટ બિન્ની પણ સસ્તા (૧૭ રન)માં આઉટ થઈ ગયો હતો. ભારત પાસે પૂરતો સ્કોર હતો ત્યારે એવું લાગતું હતું કે વિરાટ કોહલી દાવ ડિકલેર કરી દેશે, પરંતુ તેણે એવું કર્યું નહીં. ત્યાર બાદ અશ્વિન (૧૯) અને અમિત મિશ્રા (૧૦) પણ પેવેલિયનમાં પાછા ફર્યા હતા અને રિદ્ધિમાન સાહા ફરીથી પેડ બાંધીને મેદાનમાં આવ્યો હતો, પરંતુ થોડી વાર બાદ જ કેપ્ટન વિરાટે દાવ ડિકલેર કરી દીધો હતો.

હવે આજે મેચનો પાંચમો અને અંતિમ દિવસ છે. બેટ્સમેનોએ તો તેમનું કામ કરી દીધું છે, આજે ભારતને જીત અપાવવાની જવાબદારી ભારતીય બોલર્સ પર છે. એમાંય ખાસ કરીને ભારતીય સ્પિનર્સ અશ્વિન અને અમિત મિશ્રાએ પાંચમા દિવસે તૂટી રહેલી પીચનો ફાયદો ઉઠાવીને શ્રીલંકન બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલવાનું કામ કરવું રહ્યું. વર્તમાન શ્રેણીમાં ૧-૦થી પાછળ રહેલી ટીમ ઇન્ડિયાને ભારતીય સ્પિનર્સ જ ૧-૧ની બરોબરી પર લાવી શકશે.

મુરલી-સાહાના સ્થાને નમન અને કરુણનો ટીમમાં સમાવેશ

મધ્ય પ્રદેશની રણજી ટીમના વિકેટકીપર નમન ઓઝા અને કર્ણાટકનાે બેટ્સમેન કરુણ નાયર શ્રીલંકા વિરુદ્ધ ચાલી રહેલી શ્રેણીમાં હવે પછીની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનો હિસ્સો બનશે. બીસીસીઆઇએ આ અંગેની જાહેરાત કરી દીધી છે. ઓઝા અને નાયરને બીજી ટેસ્ટ રમી રહેલા મુરલી વિજય અને રિદ્ધિમાન સાહાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બીબીસીઆઇએ એક યાદીમાં જણાવ્યું છે કે સાહાના સાથળના સ્નાયુ ખેંચાઈ જવાથી તેને આરામની જરૂર છે, જ્યારે વિજયને પણ થયેલી ઈજા પર ફરીથી ઈજા થઈ છે અને તેને પણ સ્વસ્થ થવા માટે આરામની જરૂર છે.

 

You might also like