ભારત રમવા ના આવે તો અમારી પાસે વિકલ્પ છે જઃ પીસીબી

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ શહરયાર ખાને કહ્યું છે કે જો ભારત ડિસેમ્બરમાં સંયુક્ત આરબ અમિરાતમાં દ્વિપક્ષી શ્રેણી રમવાનો ઇનકાર કરી દેશે તો પીસીબી પાસે અન્ય વિકલ્પ હાજર છે જ. 

શહરયાર ખાને કહ્યું, ”મને આશા છે કે બંને દેશ વચ્ચે વર્તમાન તણાવ છતાં શ્રેણી નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ રમાશે, પરંતુ અમે તેના વિકલ્પ પર પણ કામ શરૂ કરી જ દીધું છે, જેનો ખુલાસો હું અત્યારે કરી શકું નહીં. જો ડિસેમ્બરમાં આ શ્રેણી ના યોજાય તો એ પરિસ્થિતિમાં અમે અન્ય ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરી છે. અમે આ ખાલી સમયનો ઉપયોગ કરવા ઇચ્છીએ છીએ.”

પીસીબી પ્રમુખે વધુમાં જણાવ્યું કે, ”હું ભારતીય અધિકારીઓ અને પાકિસ્તાન સરકાર સાથે સંપર્કમાં હતો, પરંતુ ભારત તરફથી શુષ્ક પ્રતિક્રિયા મળી છે. આ અમારી ઘરેલુ શ્રેણી છે અને ભારતીય બોર્ડ સાથે અમારા કરાર અનુસાર છ શ્રેણીઓમાંની પહેલી શ્રેણી છે. જો આ શ્રેણી નહીં યોજાય તો પછી હું નથી જાણતો કે એ કરારનું ભવિષ્ય શું હશે.”

આઇસીસીએ ગત વર્ષે ધરખમ ફેરફારો કરીને ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને મોટા ભાગના અધિકારો આપી દીધા હતા ત્યારે ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દ્વિપક્ષી શ્રેણી રમવાના એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આમ પણ બીસીસીઆઇ નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન સામે શ્રેણી રમે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી, કારણ કે ભારત-પાક. સરહદ પર તેમજ ભારતમાં પણ અનેક જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિમાં પાકિસ્તાનની સંડોવણી સામે આવી છે. તાજેતરમાં જ જીવતા પકડાયેલા ત્રાસવાદીએ તે પાકિસ્તાનનો હોવાનું કહ્યું છે. બીસીસીઆઇ ઇચ્છે તો પણ ભારત સરકાર આ માટે મંજૂરી નહીં જ આપે.

You might also like