ભારત-પાકે. સારા પડોશીની જેમ રહેવું જોઈએ : શરીફ

લાહોર : પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને સારા પડોશી બનીને રહેવું જોઈએ અને કાશ્મીર સહિત તમામ મુદ્દા વાટાઘાટોથી ઉકેલવા જોઈએ. લાહોરમાં ગવર્નર હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શરીફે જણાવ્યું હતું,’મેં હિંમત સાથે કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો હતો અને મારું દિલ ખોલીને (આ મુદ્દે) બોલ્યો હતો. પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા માટે મેં ભારતને દરખાસ્ત પણ આપી હતી. અમારે (ભારત અને પાકિસ્તાન) સારા પડોશીની માફક રહેવું જોઈએ અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધી કાઢવો જોઈએ.’

શરીફે કહ્યું કે તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે તે પાકિસ્તાનનો ઠરાવ નહોતો, સંયુક્ત રાષ્ટ્રનો હતો અને તેથી તેનો અમલ કરાવવાની જવાબદારી તેની છે. શરીફે કહ્યું, ‘મેં તેમની આંખોમાં જોતાં સાચું હતું તે કહ્યુ. સંયુક્ત રાષ્ટ્રે તે સમજવું જોઈએ અને કાશ્મીર વિશેના તેના ઠરાવનો અમલ કરવો જોઈએ.’ગયા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરતાં શરીફે ભારત સાથેના સંબંધો સુધારવા માટે ચાર મુદ્દાની ફોર્મ્યુલાનું સૂચન કર્યું હતું.

તેમણે કાશ્મીરમાંથી સંપૂર્ણપણે લશ્કર ખસેડી લેવાની, સિયાચીનમાંથી ભારતીય સૈન્યને તત્કાળ અને બિનશરતી પાછું ખસેડવાની, સર્વગ્રાહી મંત્રણા ફરી શરૃ કરવાની અને સરહદે શસ્ત્રવિરામને સત્તાવાર બનાવવાની દરખાસ્તો રજૂ કરી હતી. તેમણે વધુમાં કહ્યું, ‘અફઘાનિસ્તાન સાથે અમે મજબૂત સંબંધોનો પાયો નાખ્યો છે. (અફઘાન)તાલિબાનને વાટાઘાટોના ટેબલ સુધી લાવવા માટે અમે ખૂબ મહેનત કરી હતી.

 

આ વાટાઘાટો પાકિસ્તાનમાં ચાલતી હતી ત્યારે મુલ્લા ઉમરના મૃત્યુના સમાચાર વહેતા થતાં આ પ્રયાસ ભાંગી પડ્યો હતો. મને ખબર નથી પડતી કે જ્યારે વાટાઘાટો ચાલતી હતી ત્યારે તેના મૃત્યુના બે વર્ષ બાદ તે સમાચાર શા માટે જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન ફરીથી તાલિબાન અને અફઘાનિસ્તાન સરકારની વાટાઘાટો માટે પ્રયાસ કરી રહ્યું છે.   શરીફે જણાવ્યું હતું કે તેમની સરકારને બીજી ટર્મ (૨૦૧૮ની સામાન્ય ચૂંટણી બાદ) મળશે કારણ કે લોકો તેની કામગીરીથી ખુશ છે.  

You might also like