ભારત-જર્મની વચ્ચે ૧૮ એમઓયુ પર હસ્તાક્ષર

નવી દિલ્હી : ભારત અને જર્મનીએ આજે ઐતિહાસિક ૧૮ એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. બિઝનેસ સંબંધોને વધુ સરળ કરવાની દિશામાં સમજુતી કરવામાં આવી હતી. જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ હાલમાં ભારતની ઐતિહાસિક યાત્રા ઉપર છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્જેલા મર્કેલે વિવિધ મુદ્દા ઉપર શિખર વાતચીત કરી હતી. બન્ને નેતાઓએ વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય સહકારને વધારવા બન્ને પક્ષો રાજી થયા હતા. વેપાર અને મૂડીરોકાણને વધારવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.

વૈશ્વિક મંદી પ્રવર્તી રહી છે ત્યારે આને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. માર્કેલની સાથે અનેક કેબિનેટ પ્રધાન અને ટોચના અધિકારીઓનું પ્રતિનિધિમંડળ ગઈકાલે મોડી રાત્રે ભારત આવી પહોંચ્યું હતું. આજે સવારે રાષ્ટ્રપતિભવનમાં મર્કેલનું શાનદાર સ્વાગત કરાયું હતું. મોદી અને મર્કેલ વચ્ચે શિખર સ્તરની આંતર સરકારી સલાહકાર સ્તરની વાતચીતમાં અન્ય મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ હતી જેમાં સંરક્ષણ, સુરક્ષા, શિક્ષણ, રિનેવેબલ એનર્જીના મુદ્દા છવાયા હતા.

મર્કેલ વેપાર અને મૂડીરોકાણ સાથે સંબંધિત મુદ્દાઓ ઉપર ખાસ ચર્ચામાં દેખાયા હતા. વડાપ્રધાન અને ચાન્સલરના નેતૃત્વમાં ભારત-જર્મની વચ્ચે વાતચીત શરૃ થઈ હતી જેમાં તમામ મુદ્દાઓ છવાયા હતા. બન્ને દેશો વચ્ચેની તમામ પ્રક્રિયાઓને ઝડપથી મંજૂરી આપવાની બાબતને પણ લીલીઝંડી આપવામાં આવી છે. જર્મન કંપનીઓને ભારતીય વહીવટી તંત્રમાં એક મુદ્દાનો કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે. તેમની બિઝનેસ આડેની અડચણોને દૂર કરવામાં આવી છે.  આ સમજુતી તેના પ્રકારની પ્રથમ સમજુતી છે.

કારણકે વડાપ્રધાન મેક ઈન ઈન્ડિયાના પહેલના સમર્થનમાં જંગી વિદેશી મૂડીરોકાણને આકર્ષિત કરવાના પ્રયાસમાં છે. સ્કિલ્ડ જોબ ઊભી કરવાના પ્રયાસ મોદી કરી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. કોમર્સ સેક્રેટરી અમિતાભ કાંતે કહ્યું હતું કે, ફાસ્ટટ્રેક વ્યવસ્થા હેઠળ ભારત જર્મન કંપનીઓ માટે તમામ મામલાઓમાં માસિક રીતે નિરીક્ષણ કરશે.કાંતે એમપણ કહ્યું હતું કે, આશા ઘણી રહેલી છે કારણકે ભારતમાં ઝડપી રોકાણ થઈ રહ્યું છે.

ભારત અને જર્મની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, વેપાર, ઈન્ટેલિજન્સ, ક્લિન એનર્જી જેવા ક્ષેત્રોમાં સંબંધોને મજબુત કરવા માટે પણ સહમત થયા છે. ૧૮ સમજુતી ઉપર હસ્તાક્ષર મોદી અને એંજેલા મર્કેલ વચ્ચે વાતચીત બાદ કરાયા હતા. જર્મની ભારતના ગ્રીન એનર્જી કોરીડોર અને સોલાર પ્રોજેક્ટ માટે ૧ અબજ યુરોની મદદ કરશે. મર્કેલ સાથે મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજી હતી. જેમાં મોદીએ કહ્યું હતું કે, તે ક્લિન એનર્જીમાં જર્મન લીડરશિપથી પ્રભાવિત છે.

વડાપ્રધાને એમપણ કહ્યું હતું કે, જર્મની  ભારતના આર્થિક વિકાસમાં ભાગીદાર તરીકે છે. જર્મનીની શક્તિ અને ભારતની પ્રાથમિક્તા એકસમાન છે. સંબંધોને મજબુત કરવા પર ભાર મુકાઈ રહ્યો છે. વડાપ્રધાને એમપણ કહ્યું હતું કે, બેંગ્લોરમાં મર્કેલ સાથે તેની વાતચીત જારી રહેશે. બન્ને નેતાઓ બિઝનેસ ફોરમમાં ભાગ લેનાર છે.  જે સમજુતી પર હસ્તાક્ષર કરાયા છે તે પૈકી  માનવ સંશાધન મંત્રાલય અને ફેડરલ ફોરેન ઓફિસ વચ્ચે સમજુતી કરારનો સમાવેશ થાય છે.

ભારતમાં વિદેશી ભાષા તરીકે જર્મનીના પ્રોત્સાહનને પણ મહત્વ અપાશે. જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ હાલમાં ભારતની મુલાકાતે છે. તેમની યાત્રા શરૃ થાય તે પહેલાં જ મર્કેલે યુરોપિયન યુનિયન સાથે એફટીએ મંત્રણા પુનઃ શરૃ કરવા ભારતીય વડાપ્રધાનને અપીલ કરી હતી. ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટ  માટે મંત્રણા ફરી શરૃ કરવામાં આવે તે જરૃરી છે. આ મંંત્રણામાંથી ભારત ખસી ગયું હતું. જર્મનીમાં ભારતના રાજદૂત માર્ટિને પણ કહ્યું હતું કે, સમજુતીઓને ઘણી રીતે અડચણો પડી રહી છે.

જો બન્ને પક્ષો મંત્રણા ટેબલ પર આવશે તો સમસ્યાઓનો નિકાલ આવશે. મર્કેલની સાથે છ કેબિનેટ પ્રધાનો પણ ભારત આવ્યા છે, જેમાં વિદેશમંત્રીનો પણ સમાવેશ થાય છે. ભારત અને જર્મની સંબંધોને મજબુત કરવા માટે કટિબદ્ધ બન્યા છે.મર્કેલની ભારત યાત્રાના  સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રાથી દ્વિપક્ષીય સંબંધો નવી ઉંચાઈ પર જશે. મર્કેલ અને મોદી અગાઉ પણ હાલમાં જ મળી ચુક્યા છે.

You might also like