ભારત અમેરિકા પાસેથી રૂ. ૧૮,૯૫૧ કરોડનાં હેલિકોપ્ટરની ખરીદી કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ પહેલાં ભારત અમેરિકા પાસેથી ૩.૧ અબજ ડોલર (અંદાજે રૂપિયા ૧૮,૯૫૧ કરોડ)નાં હેલિકોપ્ટર ખરીદશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં હાજરી આપવા માટે ૨૩થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસે જનાર છે. નાણાં મંત્રાલયે તેમના પ્રવાસ પહેલાં ૨૨ એપેક એટેક અને ૧૫ ચિન્કુ હેવી હેલિકોપ્ટર ખરીદવાની દરખાસ્તને લીલી ઝંડી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ હેલિકોપ્ટરનો સોદો ત્રણ વર્ષ પહેલાં થયો હતો. હેલિકોપ્ટરના ભાવમાં ૧૩ વખત સુધારો થયા બાદ આ ડીલ અટવાયું હતું. હવે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ) આગામી સપ્તાહે મંગળવાર સુધીમાં આ ડીલને મંજૂરી આપી દેશે. આ બંને હેલિકોપ્ટર ખરીદવાની પ્રક્રિયા ૨૦૦૯માં શરૂ થઈ હતી. તેવું માનવામાં આવતું હતું કે સમગ્ર ડીલ ડિસેમ્બર ૨૦૧૨ સુધીમાં સંપન્ન થઈ જશે, પરંતુ તુમારશાહી અને સંરક્ષણ મંત્રાલય બાદ નાણાં મંત્રાલય તરફથી મંજૂરી નહીં મળતાં આ ડીલમાં વિલંબ થયો હતો.

૨૦૧૩માં દરેક સ્તરે વાતચીત બાદ આ ડીલ અટવાયું હતું. દરમિયાન અમેરિકન આર્મી સિક્યોરિટી આસિસ્ટન્ટ્સ કમાન્ડે એવી ધમકી આપી હતી કે આ હેલિકોપ્ટરની કિંમત ૩૦ સપ્ટેમ્બર બાદ ૪૦ ટકા વધારી દેવામાં આવશે. ત્યાર બાદ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર, એનએસએ અ‌િજત દોવલ અને નાણાપ્રધાન અરુણ જેટલી વચ્ચે આ અંગે વાતચીત થઈ હતી અને અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હવે નાણાં મંત્રાલયે ‘નો ઓબ્જેકશન’નો મેસેજ આપી દીધો છે અને ત્યાર બાદ સીસીએસ તેને મંજૂર કરશે.

 

You might also like