ભારતે મક્કમ વલણ લેતાં પાકે. રદ્દ કરી NSA બેઠક 

નવી દિલ્હીઃ વાટાઘાટો માત્ર આતંકવાદ વિશે જ હશે અને તેના એજન્ડામાં કાશ્મીર નહીં હોય તેવા ભારતે અપનાવેલા મક્કમ વલણ બાદ ભારતે મૂકેલી શરતો મંજૂર ન હોવાનું કહીને પાકિસ્તાને આજે મોડી રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) સ્તરની  વાટાઘાટો રદ કરી હતી. 

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાજ અજીજે જારી કરેલા એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે ૨૪મી ઓગસ્ટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે યોજાનારી  સૌ પ્રથમ સત્તાવાર વાટાઘાટો પૂર્વે મુકેલી ચોક્કસ શરતો ઈસ્લામાબાદને સ્વીકાર્ય નહીં હોવાથી આ બેઠક પડતી મૂકવામાં આવે છે. ગયા વર્ષે ૧૭મી ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ પણ ભારતે ૨૫મી ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ ઈસ્લામાબાદમાં બે  વિદેશ સચિવો વચ્ચે યોજાનારી મંત્રણા એકતરફી  રદ કરી હતી. ખેદજનક રીતે બીજી વખત વાટાઘાટો રદ થવા માટેનું કારણ પણ એક જ છે કે નવી દિલ્હીમાં ૨૩મી ઓગસ્ટે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં પાકિસ્તાની હાઈ કમિશને ભારતના કબજા હેઠળના કાશ્મીરના ત્રણ અથવા ચાર નેતાઓને શા માટે આમંત્રણ આપ્યું?

અજીજ સોમવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે વાટાઘાટો યોજવાના હતા. વાટાઘાટો માત્ર આતંકવાદ વિશે જ હશે અને તેના એજન્ડામાં કાશ્મીર નહીં હોય તેવા ભારતે અપનાવેલા મક્કમ વલણ બાદ પાકિસ્તાને વાટાઘાટો રદ કરવાનો નિર્ણય લીધો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એનએસએ સ્તર પર વાતચીત પર પાકિસ્તાનને જવાબ  આપતા ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે દરેક વાતચીત રચનાત્મક મંત્રણા હોઈ શકે નહીં. એનએસએ સ્તરની વાતચીતને રચનાત્મક સ્તરની મંત્રણા તરીકે ગણી શકાય નહીં. 

સુષ્મા સ્વરાજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, દરેક વાતચીતનો એક સંદર્ભ હોય છે. રચનાત્મક મંત્રણા જ માત્ર મંત્રણા છે. બાકીની વાતચીત સામાન્ય વાતચીત હોય છે. એનએસએ સ્તર પર વાતચીત માત્ર આતંકવાદના મુદ્દા ઉપર થશે. ત્રાસવાદ પર વાતચીત બાદ જ અન્ય વિષય ઉપર વાતચીત થશે. 

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝ આવવા ઇચ્છે છે તો ભલે આવતા પરંતુ વાતચીતમાં ત્રીજા પક્ષને સ્વીકારી લેવાશે નહીં. હુર્રિયત કોઇપણ પક્ષ હોઈ શકે તેમ નથી. સુષ્માએ કહ્યું હતું કે, પાકિસ્તાનના એનએસએ આવવા ઇચ્છુક છે તો તેમનું સ્વાગત છે પરંતુ તેમને સ્વીકાર કરવું પડશે કે આ વાતચીતનો મુદ્દો માત્ર આતંકવાદ સુધી મર્યાદિત રહેશે. 

એજન્ડાને વિસ્તૃત કરવામાં આવશે નહીં. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ભારતે કોઇ પુર્વ શરત મુકી નથી. માત્ર એ યાદ અપાવ્યું છ ેકે, હજુ કાશ્મીર ઉપર કોઇ વાતચીત થશે નહીં. માત્ર આતંકવાદના મુદ્દા ઉપર વાતચીત થશે. ઉફામાં જે રીતે બંને દેશોના વડાપ્રધાન નક્કી કરી ચુક્યા છે તે રીતે જ વાતચીત આગળ વધશે. ઉફા જાહેરનામામાં કાશ્મીર મુદ્દાનો કોઇ ઉલ્લેખ નથી. 

પાકિસ્તાન ઉફાની વાતચીતનું સન્માન કરે તે જરૃરી છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીના સમયે રચનાત્મક મંત્રણા શરૃ થઇ હતી. ૧૯૯૮માં પ્રથમ રચનાત્મક મંત્રણા થઇ હતી. ૨૦૦૪માં પાકિસ્તાન સાથે વાતચીત શરૃ થઇ હતી. રચનાત્મક મંત્રણામાં આઠ મુદ્દાઓ સામેલ કરાયા હતા. કારગિલ યુદ્ધ બાદ રચનાત્મક મંત્રણા અટકી પડી હતી. ઉફામાં રચનાત્મક મંત્રણા અને વિઝઅયુમ ડાયલોગની મંજુરી થઇ ન હતી. 

એનએસએ સ્તરની વાતચીત રચનાત્મક મંત્રણાનો હિસ્સો નથી પરંતુ આના માટે વાતાવરણ સર્જવા માટેના પ્રયાસ તરીકે છે. બંને દેશો વડાપ્રધાન વચ્ચે ત્રાસવાદ ઉપર સહમતિ થઇ હતી. ઉફાના ૧૩ દિવસ બાદ પાકિસ્તાનને દરખાસ્ત મોકલી દેવામાં આવી હતી. ઉફાથી લઇને હજુ સુધી ૯૧ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. 

તંગદિલી ઘટાડવા માટે પગલા લેવાના બદલે પાકિસ્તાને ભારતમાં ગુરદાસપુર હુમલાઓ સહિત આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપ્યું છે. પાકિસ્તાન પહેલાથી જ એનએસએ સ્તરની વાતચીતને ટાળવાના મુડમાં છે. 

દરમિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, સરકાર એવા મક્કમ વલણ ઉપર કાયમ છે કે, પાકિસ્તાન સાથે વાતચીત માત્ર આતંકવાદના મુદ્દા ઉપર થશે. ભારત અને પાકિસ્તાન એનએસએ સ્તરની વાતચીત માત્ર આતંકવાદના મુદ્દા ઉપર જ યોજાશે. આ વાતચીત ઉપર કાશ્મીરી અલગતાવાદીઓના મુદ્દે મંત્રણા ભાંગી પડી છે. 

રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું હતું કે, મંત્રણા માટેનો એજન્ડા ઉફામાં જ નક્કી કરી દેવામાં આવ્યો હતો. જેથી પાકિસ્તાનને નિયમ પ્રમાણે આગળ વધવાની જરૃર છે. પત્રકારો સાથે વાતચીત કરતા રાજનાથસિંહે કહ્યું હતું કે, એજન્ડામાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, બંને પક્ષો વચ્ચે વાતચીત માત્ર આતંકવાદના મુદ્દા ઉપર થશે. 

રશિયન શહેર ઉફામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે જે વાતચીત યોજાઈ હતી તેમાં જ કેટલીક બાબતો નક્કી કરી લેવામાં આવી હતી. આ વાતચીતમાં નક્કી કરવામાં આવેલી બાબતોથી પાકિસ્તાન હવે પીછેહઠ કરી રહ્યું છે. ભારત આ બાબત ઉપર મક્કમ છે કે, કોઇપણ શરત અને ફેરફારને ચલાવી લેવામાં આવશે નહીં. 

એનએસએ સ્તરની વાતચીત આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે કે કેમ તેને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે રાજનાથસિંહે આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. રાજનાથસિંહે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, અમારો એજન્ડા એક જ છે. જ્યારે પણ વાતચીત થશે માત્ર આતંકવાદના મુદ્દા ઉપર થશે. 

પાકિસ્તાન અલગતાવાદી હુર્રિયત નેતાઓ સાથે વાતચીત કરવા ઉપર ભાર મુકી રહ્યું છે. સિંહે કહ્યું હતું કે, તેઓ એક વાત સ્પષ્ટ કરવા માંગે છે કે, ભારત મંત્રણા માટે તૈયાર છે પરંતુ તે વાતચીત કરવા ઇચ્છુક છે કે કેમ તે અંગે નિર્ણય કરવાનું કામ પાકિસ્તાનનું છે. મંત્રણાને મોકૂફ કરી શકાય છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાજનાથસિંહે કહ્યું હતું કે, આ અંગે નિર્ણય કરવાનું કામ પાકિસ્તાનનું છે. ભારત પાકિસ્તાન એનએસએ સ્તરની મંત્રણા મોકૂફીને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. કાશ્મીર અલગતાવાદીઓના મુદ્દે બંને પક્ષો પોતપોતાના વલણ ઉપર મક્કમ બનેલા છે.

ભારતે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, અલગતાવાદીઓ વચ્ચેની વાતચીતને ચલાવી લેવાશે નહીં. પાકિસ્તાને આના જવાબમાં કહ્યું હતું કે, ભૂતકાળમાં સ્થાપિત કરવામાં આવેલી પ્રથાથી પાકિસ્તાન પીછેહઠ કરશે નહીં. 

હુર્રિયતના પ્રતિનિધિઓને આમંત્રણ આપવાને ઉશ્કેરણીજનક કૃત્ય તરીકે ગણાવીને ભારતે કહ્યું છે કે, પાકિસ્તાન અગાઉ નક્કી કરવામાં આવેલી બાબતોથી પીછેહઠ કરી રહ્યું છે. રશિયન શહેર ઉફામાં ગયા મહિને બંને દેશોના વડાપ્રધાનો વાતચીત માટે સહમત થયા હતા.

આમા વાતચીત માત્ર આતંકવાદ ઉપર કરવાના મુદ્દે સહમતી થઇ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણાને લઇને હજુ પણ ભારે સસ્પેન્સની સ્થિતિ બનેલી છે. ગૃહમંત્રી રાજનાથસિંહના નિવેદન બાદ હવે અંતિમ નિર્ણય લેવાની બાબત પાકિસ્તાન ઉપર જતી રહી છે. જો કે, પાકિસ્તાન અલગતાવાદીઓ સાથે વાતચીત કરવાના મુડમાં છે. આવી સ્થિતિમાં વાતચીતની શક્યતા નહીવત દેખાઈ રહી છે. બંને પક્ષો પોતપોતાના વલણ ઉપર મક્કમ છે.

 

You might also like