મુંબઇઃ વૈશ્વિક અનિશ્ચિતતા તથા ધીમા ઇકોનોમિક ગ્રોથના પગલે ભારતીય શેરબજાર નજીકના ટૂંકા સમયગાળામાં રેન્જ બાઉન્ડ રહેવાની ધારણા છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે શેરબજારમાં તીવ્ર ઘટાડા બાદ નજીકના સમયગાળામાં સુધારો થશે કે નહીં તે અંગે રિપોર્ટમાં જણાવ્યું હતું કે પાછલાં ૩૫ વર્ષમાં આ પ્રકારની ઝડપથી ઘટાડાવાળા ૫૦ બનાવ બન્યા બાદ ટૂંકા સમયગાળામાં બજારમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી છે. એક મહિનાનું સરેરાશ વળતર ૨.૧ ટકા અને ત્રણ મહિનાનું સરેરાશ વળતર ૪.૧ ટકા રહ્યું છે.રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે શેર્સમાં વેલ્યુએશન ઘટ્યું છે, પરંતુ હજુ પણ એવરેજ કરતાં ઊંચું છે. આ ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટનો નાણાં પ્રવાહ ઘટશે તો ઇક્વિટી માર્કેટમાં વધુ મુશ્કેલી ઊભી થશે. ૧૭ સપ્ટેમ્બરે ફેડ દ્વારા વ્યાજ વધારાના સંભવિત વધારા સુધી સ્થાનિક શેરબજારમાં નાણાં પ્રવાહ અટકેલો જોવા મળી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે શેરબજારમાં ૧૯૯૦ બાદ ૨૭મો મોટો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. યુઆનના અવમૂલ્યન તથા વૈશ્વિક ઇકોનોમિક ગ્રોથ ધીમો પડે તેવી શક્યતાઓ પાછળ સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી હતી.