ભારતને લાભ કરશે જાપાનનું નવું અણુમથક 

ભયાનક ભૂકંપના કારણે સર્જાયેલા સુનામીથી જાપાનના ફુકુશિમા ખાતે અણુમથકનો અકસ્માત સર્જાયો એ પછી અણુમથકો સામે આખા વિશ્વમાં વિરોધનો સૂર પ્રચંડ બન્યો હતો. એ પછી આપણા દેશમાં પણ કુડનકુલમ અને ગુજરાતના મીઠી વીરડી સહિતના પાવર પ્લાન્ટ સામે વિરોધ પ્રચંડ બન્યો હતો. એ વિરોધ હવે ધીમો પડશે એ લાભ તો ખરો જ, બીજો વધુ મોટો લાભ એ છે કે ભારતનાં વીજમથકોમાં કોલસાનો વપરાશ ઓછો થશે.

જાપાનમાં અણુમથકો ચાલુ થવાથી ત્યાં એલએનજી (પ્રવાહી કુદરતી વાયુ)નો વપરાશ ઘટશે. ૨૦૧૪માં એલએનજીના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૦ લાખ બ્રિટીશ થર્મલ યુનિટના ૧૮.૩ ડૉલર (આશરે ૧,૧૬૮ રૂપિયા) હતા તે ખનિજ તેલના ભાવ ઘટતાં ૨૦૧૫માં ઘટીને અડધા એટલે કે ૭.૬ ડૉલર (આશરે ૪૮૫ રૂપિયા) થઈ ગયો છે. તે જાપાનમાં એલએનજીની માગ ઘટતાં હજી ઘટશે.

ભારતમાં અત્યારે કુદરતી વાયુથી ચાલતાં વીજમથકો ૨૩,૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે જે દેશના કુલ વીજ-વપરાશના માત્ર ૧૦ ટકા જ છે. કુદરતી વાયુના ઊંચા ભાવના કારણે આ વીજમથકો તેમની ફુલ કેપેસિટીમાં ચાલતાં નથી, માત્ર ૨૦ ટકા જ ચલાવવામાં આવે છે. જાપાનમાં ગેસની માગ ઘટતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ઘટશે. તે પછી આ અણુમથકો વધુ ચલાવવામાં આવશે. તેથી પ્રદૂષણ અને વીજળીના ભાવ બંને ઘટી શકે.  

 

You might also like