ભારતની નદીઓમાં દર વર્ષે વિનાશક પૂર કેમ સર્જાય છે?

લગભગ ત્રણેક દાયકા સુધી જૂની પેઢીના ઘણા માણસો આ વાત હંમેશાં કહેતા કે દરિયો ક્યારેય એની માઝા ન મૂકે પણ માણસો વિકાસની આંધળી દોટમાં જળ, સ્થળ, ભૂપૃષ્ઠ એટલાં ખરાબ કરી નાખ્યાં છે કે હવે તો દરિયો પણ માઝા મૂકવા માંડ્યો છે. આ વાતની ખાતરી મુંબઇ જેવાં દરિયા નજીકનાં શહેરો તો હવે લગભગ દર વર્ષે દરિયા કિનારા પરનાં રોડ, મકાનો ને ગલીકૂંચીઓ સુધી તેનાં મોજાંઓથી પલળતાં રહે છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતમાં પૂરના ખતરાનો અનુભવ સામાન્ય બનતો જાય છે.

છેલ્લા ચાર દાયકામાં એન્ટાર્કટિકા પ્રદેશમાં બરફનાં ગ્લેશિયર્સ પીગળવાનો દર ૭૭ ટકાથીય વધી રહ્યો છે. આને કારણે સમુદ્રના પાણીના સ્તરમાં વધારો થતો જાય છે. આવું નુકસાન ભોગવનારા દેશોમાંય ભારત બીજે સ્થાને આવતું જાય છે. છેલ્લા કેટલાક વખતથી દક્ષિણ એન્ટાર્કટિકામાં બરફની ચાદરો પીગળવાનું વધતું જાય છે. આનાથી સમુદ્રમાં જલસ્તરમાં ચારેક મિલીમીટરનો વધારો થવાની આશંકા સેવાય છે. બીજી તરફ ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા ત્રણ દાયકામાં હિમાલયની હિંદુકુશ હારમાળા ૫૧૬૮ કિલોમીટરથી ઘટીને ૩૯૦૨ કિ.મી. રહી ગઇ છે. આમાંથી જળ મેળવતી અમુદરિયા, ગંગા, બ્રહ્મપુત્ર, સિંધુ અને ઇરાવતીના કિનારાઓ પર પૂરનો ભય વધી ગયો છે અને વરસાદી ઋતુમાં તો ચાલુ વર્ષમાં જ પૂરની તબાહી જોવા મળી છે.

આમ તો બરફ પીગળવાનો દર પણ વધી જવાને કારણે સમુદ્રમાં જલસ્તર કેટલાક સેન્ટીમીટર પહેલાં જ વધી ગયું છે જે પર્યાવરણવાદીઓની ચિંતા વધારી રહ્યું છે. એન્ટાર્કટિકા વિસ્તારમાં બરફ પીગળવાનો દર ઝડપ પકડી રહ્યાનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. આ ગ્લોબલ વોર્મિંગના વધવાનું મોટું કારણ છે બહુ ઝડપથી શહેરોની વસતી ને વિસ્તાર છે. એક અંદાજ પ્રમાણે ૨૦૫૦ સુધીમાં દુનિયાની ૭૫ ટકા વસતી શહેરોમાં વસતી હશે. આજે ગામડાં જે વેગથી તૂટતાં જાય છે ને શહેરોમાં ઠલવાતાં જાય ચે તે જોતાં આ વાત માનવી જ પડે એમાં પણ વિકાસશીલ દેશોની ૯૫ ટકા વસતી આ મુદત સુધીમાં શહેરો- કસબાઓમાં રહેતી થઇ જવાની. 

ભાજપ સરકારે ૧૬મી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેના ચૂંટણીઢંઢેરામાં સો નવાં શહેર વસાવવાની જાહેરાત કરી હતી તેનો અમલ, પ્લાનિંગ, તેની સામે ઘણા જો અને તો ઊભા હોવા છતાં આરંભી દીધો છે. સ્માર્ટ સિટીની કલ્પનાને સાકાર કરવા આયોજનો પણ શરૂ થઇ ગયાં છે. એ સાથે દેશની નદીઓને જોડવાનું પણ નક્કી કર્યું છે. આ બંને જાહેરાતો ગ્લોબલ વોર્મિંગ અને પૂરના કારણથી થનારા નુકસાન વધાર્યા વિના નહીં રહે તે વાસ્તવિકતા ભૂલવા જેવી નથી.

નદીઓને જોડવાની તરફેણ કરનારાઓની એક દલીલ એ પણ છે કે નદીઓ તેમનું જે પણ સમુદ્રમાં ઠલવે છે તેના પ્રવાહને વાળીને આપણે આપણા ઉપયોગ માટે લઇ શકીશું. જોકે નદીઓના પ્રવાહને વાળવામાં અને તેને સમુદ્રમાં ભળતી અટકાવવાના ભય વિષે વિચારાયું નથી. નદીઓ તેમની ગતિ બરફના પહાડો પીગળે છે તેમાંથી આરંભે છે અને છેવટે સમુદ્રમાં ભળે છે. સમુદ્રમાં નદીઓના જે પ્રવાહો સમુદ્રનાં મોજાંઓને રોકવાનું કામ કરે છે પણ જ્યારે નદીઓના અસંખ્ય પ્રવાહોને સમુદ્રમાં ભળતા રોકવાનો પ્રયાસ થશે તો સમુદ્ર આપોઆપ મેદાની વિસ્તારો તરફ વધતો જશે.

જાણીતા પર્યાવરણવિદ અનુપમ મિશ્રના અભિપ્રાય મુજબ તો એક બાજુ એન્ટાર્કટિક ગ્લેશિયર્સ પીગળવાના દરમાં ઝડપ આવવાને કારણે સમુદ્રના પાણીમાં વધારો થતો જાય છે ત્યારે દેશના નીતિઘડવૈયાઓ ઘણા દાયકાથી દેશમાં પીવાનું પાણી, સિંચાઇ, પૂર, સૂકો દુકાળ વગેરે સમસ્યાઓમાંથી ઊગરવા નદીઓને જોડવાની વાત કરી રહ્યા છે. સાંપ્રત ભાજપ સરકારના તો એજન્ડામાં આ વાત છે પણ તેમણે કુદરતનું જે કેલેન્ડર પરિવર્તનશીલ જોવા મળી રહ્યું છે તેને આપણા કેલેન્ડરથી અલગ જોવું જરૂરી છે. આ માટે મુંબઇના નરિમાન પોઇન્ટમાં સાગરનાં મોજાંઓને પાછળ ધકેલીને વિકાસના નુકસાન પર જોવું જોઇએ. નરિમાન પોઇન્ટને અડધો કે એક કિલોમીટર સમુદ્રની લહેરોને પાછળ ધકેલવામાં આવી. દરિયાએ આની નોંધ લઇને નરિમાન પોઇન્ટથી માત્ર પચાસ કિલોમીટર દૂરના વિરારની જમીન કાપવા માંડી. કુદરતમાં ગ્લેશિયર્સ પીગળવા એ તો સ્વાભાવિક ક્રમ છે અને કુદરતી ઘટના છે. પૃથ્વીના વિકાસની સાથે જ ઉત્તર અને દક્ષિણ ધ્રુવોમાં બરફ પીગળવાનું શરૂ થઇ જતું હોય છે.

આથી સમુદ્રના પાણીના સ્તર નિર્ધારણ થવાનું કારણ હમણાં સુધી નિયમિત અને નિયંત્રિત થતું રહ્યું છે. જોકે ગ્લોબલ વોર્મિંગના કારણે બરફના પીગળવાના દરમાં લગાતાર વધારો થતો જઇ રહ્યો છે અને એ જ કારણે સમુદ્રના પાણીના સ્તરમાં પણ વધવાનું અનિયમિત અને બેકાબુ બની રહ્યું છે. પર્યાવરણ- નિષ્ણાંતો આથી જ કહી રહ્યા છે કે આપણે એ હંમેશાં યાદ રાખવું જોઇએ કે ધરતી પર માટીની સરખામણીમાં પાણીનો ભાગ કુદરતે વધારે રાખ્યો છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જામી ગયેલા બરફ જ છે એટલે પાણીની આગળ કોઇ પણ દેશ અથવા કોઇ પણ રાજ્યતંત્રની કશી હેસિયત જ નથી તે તેના આ ખેલ આગળ પોતાની ગણતરીથી કે અનુમાનોથી આગળ પણ વધી શકે.

નેધરલેન્ડ અને હોલેન્ડ જેવા વિકસિત દેશોએ કેટલાક દાયકા પહેલાં સમુદ્રમાં અંદર જઇને વસવાનો અને વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ભારે નુકસાન વેઠવું પડ્યું હતું એટલે ત્યાર પછીથી તે દેશોએ સમુદ્ર સાથે સંવાદિત રહીને જીવવાનું સ્વીકારી ને શીખી લીધું. આપણે ત્યાં ઉત્તર બિહારના લોકોએ પણ નદીઓ અને તેમાં દર વર્ષે આવનારાં પૂરની સાથે કેમ રહેવું અને જીવવું આટલા માટે જ શીખી લીધું છે. જેથી વધારે નુકસાન થવાની ભીતિ નહીં રાખવાથી જીવવાની પીડામાં સાંત્વન રહે.

સમુદ્રમાં પૂર આવે તો કિનારાના વિસ્તારોની ખેતીની ઉપજાઉ જમીન પછી ઘટવા જ માંડે. સમુદ્રનાં ખારાં પાણી ખેતીની જમીનની ફળદ્રુપતાનો કાયમી ખાત્મો જ બોલાવી દે છે. માટીમાં જ મીઠાનું પ્રમાણ વધી જાય એટલે તે જમીન પડતર અને વેરાન જ બની જાય. ભૂમિગત પાણીમાં પણ આ સમુદ્ર જળની ખારાશ વધી જવાને કારણે એ પાણી પણ પીવાયોગ્ય રહેતું નથી. એના પાણીને પણ પીવાયોગ્ય પાણી બનાવવામાં સાધારણ પાણીની તુલનામાં ત્રીસ ઘણો વધારે ખર્ચ આવે છે. ભારતને તો એક બાજુ જમ જેવા પડોશી દેશો ચીન અને પાકિસ્તાન આતંકવાદ, સીમાભંગ, ગોળીબારો વગેરેથી મારતાં રહે અને ભારતની ભૂમિ પડાવતાં રહે ને બીજી તરફ કુદરતનો, પૂર ને નદીઓથી થતી તબાહીનો માર પણ ઝીલવાનો. એમાં ભીતર કોરી ખાતાં કૌભાંડો અને જનતા-શાસકોની સાર્વત્રિક લાપરવાહી, જાયે તો જાયે કહાં?

You might also like