ભારતની અમીએ પાકિસ્તાનમાં ત્રિરંગો લહેરાવ્યો

ઇન્દોરઃ આતંકવાદી ઘટનાઓ અને ખરાબ સુરક્ષા પરિસ્થિતિને કારણે પાકિસ્તાનમાં રમવા જવામાં દુનિયાભરના દેશ અને ખેલાડીઓ ગભરાય છે. ભારતના સંબંધ તો પોતાના આ પડોશી દેશ સાથે વધુ ખરાબ છે, પરંતુ ઇન્દોરની અમી આ ડરને દૂર કરીને પાકિસ્તાન પહોંચી. અમીએ જોરદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનમાં ત્રિરંગો લહેરાવી દીધો. ઇન્દોરની અમી કમાની પાકિસ્તાનના કરાચીમાં આયોજિત આઇબીએસએફ-૬ રેડ્સ સ્નૂકર મહિલા વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.અમીએ પોતાના બધા ગ્રૂપ મુકાબલા જીતીને ટોચનું સ્થાન હાંસલ કર્યું અે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ તેણે કમસે કમ એક મેડલ તો પાકો કરી જ લીધો છે. થોડા દિવસ પહેલાં અમી અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન હોંગકોંગની નેગ ઓન યી વચ્ચે ગ્રૂપમાં ટોચના સ્થાનને લઈને સંઘર્ષ ચાલી રહ્યો હતો, પરંતુ ગ્રૂપ-બીમાં ફિલિપાઇન્સની ફ્લોરિજા અંદાલે નેગ ઓન યીને હરાવી દેતાં અમીનું ટોચનું સ્થાન નક્કી થઈ ગયું છે. ક્વાર્ટર ફાઇનલમાં અમીએ ફ્લોરિજાને ૪-૧થી હરાવી. હવે સેમિફાઇનલમાં સામનો યી સામે થશે.પાકિસ્તાનથી અમીએ જણાવ્યું કે પડોશી દેશની પરિસ્થિતિને લઈને હંમેશાં સમાચારો વાંચવા મળે છે, પરંતુ હું શરૂઆતથી જ પાકિસ્તાન જવા માટે ઉત્સાહિત હતી. મારા પરિવારે પણ મારું સમર્થન કર્યું. જોકે સુરક્ષાને લઈને થોડી ચિંતા જરૂર હતી, પરંતુ જ્યારે હું અહીં પહોંચી તો એ ડર પણ દૂર થઈ ગયો. અહીં મને ઘર જેવું વાતાવરણ મળ્યું. અમારી ખૂબ સારી આગતા-સ્વાગતા થઈ રહી છે અને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાનની ચર્ચા પર ચર્ચા કરતાં અમીએ કહ્યું હું ક્યાં ફરવા ગઈ નથી, કારણ કે સુરક્ષાનાં કારણસર અમને એવું કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હોટલ મૂવેનપિકમાં જ ટૂર્નામેન્ટ યોજાઈ છે અને અમે આ જ હોટલમાં રહી રહ્યાં છીએ. મને અહીં સ્નૂકર રમનારી કોઈ જ પાકિસ્તાની મહિલા મળી નથી. ભારતીયો પ્રત્યે પાકિસ્તાનીઓનું વલણ ઘણું જ સારું છે. મને અહીંના લોકો ખૂબ મદદગાર અને વિનમ્ર લાગ્યા છે.
You might also like