ભાદરવા મહિનાના આકરા તાપનો અહેસાસ થાય છે

અમદાવાદ : રાજ્યભરમાંથી હવે ચોમાસાની સિઝને વિદાય લઈ લીધી હોય તેમ હવામાનમાં જે પ્રકારે ફેરફાર થઈ રહ્યો છે.તેને જોતા હવે વરસાદની સંભાવના નહિવત છે.હવામાન વિભાગ દ્વારા થયેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં ગુજરાત સ્ટેટ, દિવ,દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકુ રહેશે તેમજ વરસાદની કોઈ સંભાવના જણાતી નથી. અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી અસહ્ય તાપ સાથે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.

ભાદરવા મહિનાનો તાપ ઉનાળાના તાપ કરતા પણ આકરો લાગી રહ્યો છે. જોકે મોડી રાત બાદ ઠંડક પ્રસરતી હોવાથી વહેલી સવારે ઝાકળ પડતી હોય તેમ લાગે છે. તેથી હવે સિઝન પણ ઝડપથી બદલાય તેમ લાગે છે. રાજ્યમાં આજે સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજમાં ૪૦.૫ રહ્યું હતુ. જ્યારે સુરેન્દ્રનગરમાં ૩૯, અમદાવાદમાં ૩૬.૭, ડીસા ૩૮.૨, ગાંધીનગરમાં ૩૬.૫,વડોદરા ૩૬.૮, સુરત ૩૩.૮ રાજકોટ ૩૭.૩, ભાવનગર ૩૫.૬ અને અમરેલીમાં ૩૫.૯ ડિગ્રી નોંધાયું હતુ.

આગાહી છે કે આવતીકાલે અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે.શહેરમાં આજે સવારે ૮-૩૦ કલાકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને સાંજે ૫-૩૦ કલાકે ૪૭ ટકા નોંધાયું હતુ. ભાદરવો મહિનો આગળ વધી રહ્યો છે ત્યારે હવામાનમાં પણ પલટો આવેલો જોવા મળતા આગામી દિવસોમાં નવરાત્રિના આરંભ સાથે સિઝનમાં પણ પરિવર્તન આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

You might also like