ભાજપ નેપાળથી નકલી નોટો મંગાવી વહેંચે છેઃ લાલુ યાદવ

પટણાઃ રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવે એવો આક્ષેપ કર્યો છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નેપાળથી નકલી નોટો મંગાવીને બિહારના લોકોને વહેંચી રહ્યો છે. લાલુના જણાવ્યા અનુસાર તેમને આ જાણકારી આરએસએસના જ એક માણસે આપી છે. લાલુએ લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે ભાજપની નકલી નોટો લેતાં પહેલાં સાવધાન રહેજો, કારણ કે જો દરોડા પડશે અને લોકોને ત્યાં ભાજપે આપેલી નકલી નોટો મળશે તો તેમની ધરપકડ થઈ શકશે.

બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અંગે લાલુ યાદવે જણાવ્યું હતું કે આ બિહારની નહીં, પરંતુ દેશની ચૂંટણી છે. અમે ચૂંટણીના અખાડામાં લડવા તૈયાર છીએ. આ ચૂંટણીમાં એનડીએને ખાલી હાથે પાછું ફરવું પડશે. આ ચૂંટણીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જશે. ભાજપ અંદરથી ખોખલો અને આરએસએસનું મોહરું છે. ભાજપમાં નકલી બ્રહ્મચારીઓ છે. બધા પર કલંક લાગેલું છે. આ બધાનો બદલો અમારે બિહારની ચૂંટણીમાં લેવાનો છે.

લાલુ યાદવે વધુમાં જણાવ્યું હતું કે રામવિલાસ પાસવાન અને જિતનરામ માંઝી બંને મારા દુશ્મન છે અને બંને અંદરો અંદર લડી રહ્યા છે. લાલુએ સપાના સુપ્રીમો મુલાયમસિંહ યાદવની નારાજગી અંગે જણાવ્યું હતું કે તેઓ સિનિયર નેતા છે અને અમારા વેવાઈ પણ છે. મારે તેમની સાથે રોટી અને બેટીનો સંબંધ છે. અમે તેમને સમજાવીશું અને જો નહીં માને તો અમે ધોતી અને ગમછો લઈને મનાવીશું અમે અમારા બધા નેતાઓને કહી દીધું છે કે તેમના કહેવા પર કોઈએ કાંઈ બોલવાનું નથી.

You might also like