ભાજપ તેમજ શિવસેના જૈન સમાજની માફી માંગે : કોંગ્રેસ

અમદાવાદ : મુંબઈમાં ભાજપ-શિવસેનાની યુતિવાળી સરકારના સાથીપક્ષ શિવસેનાના અધ્યક્ષે જૈન સમાજની વિરુદ્ધમાં જાહેરમાં કરેલા નિવેદન અને મુંબઈમાં જૈન સમાજ રહેશે કે કેમ તેવા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢતા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આવી ટપોરી ભાષામાં જે ધમકી આપી છે એ કોઈપણ સમાજ કે પછી જૈન સમાજ પણ સાંખી લઈ શકે તેમ નથી. ભાજપ-શિવસેનાએ અહિંસક જૈન સમાજની માફી માંગવી જોઈએ. 

કારણ કે, સૌ જાણે છે કે, જૈન સમાજ અહિંસાનો પુજારી રહ્યો છે. તેઓને પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે માંગણી કરવાનો અધિકાર છે. તેને માટે શિવસેનાએ આવી હલકી ભાષાનો પ્રયોગ કરી જૈન સમાજને આ રીતે ઉતારી પાડવો જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે, જૈન સમાજને આવો ખોટો દમ મારે કે દાટી આપે તે ભાજપ-શિવસેનાને શોભતું નથી. આખો જૈન સંપ્રદાય એ ક્ષત્રિયોના માધ્યમથી શરૃ થયેલો છે, એવા જૈન સમાજના આવાં પારખા ન કરે તે તેમના હિતમાં છે અને જૈન સમાજે પણ આવી રીતે કોઈનાથી દબાવું જોઈએ નહીં.

વાઘેલાએ જણાવ્યું હતું કે, મુંબઈ અને દુનિયામાં જ્યાં જૈન સમાજ હશે ત્યાં હંમેશા હું તેમની પડખે રહીશે. ભાજપ-શિવસેવાએ જૈન સમાજના મહારાજ સાહેબ, સાધુ ભગવંતો અને આખા જૈન સમાજની જાહેરમાં માફી માંગવી જોઈએ.

જૈન સમાજે પણ મુંબઈમાંથી તેમને કોઈ કાઢી શકશે નહી તેવો રણટંકાર કરવો જોઈએ. મુંબઈ અને દુનિયામાં જે વિકાસ થઈ રહ્યો છે, તેમાં જૈન સમાજનો બહુમોટો સિંહફાળો રહ્યો છે, તે ભાજપ-શિવસેના અને કોઈએ પણ ક્યારેય ભુલવું ન જોઈએ. મુંબઈમાં ભાજપ-શિવસેનાએ જૈન સમાજ વિરુદ્ધ દાખવેલ વલણ અને કરેલ નિવેદન પાછું ખેંચવુ જોઈએ અને સરળ, સાદા અને જીવહિંસાના વિરોધી એવા જૈન સમાજની જાહેરમાં માફી માંગવી જોઈએ.

You might also like