ભરૂચમાં ૨૦૦ વર્ષથી ભરાતા ભાતીગળ મેળાની તડામાર તૈયારી

ભરૂચ : ભરૂચમાં ગોકુળ આઠમ, છડીનોમ તેમજ મેઘરાજા દશમના તહેવાર ટાણે ૨૦૦ વર્ષ ઉપરાંતથી યોજાતા ચાર દિવસીય ભાતીગળ મેળાની તડામાર તૈયારી ચાલી રહી છે. સોનેરી મહેલથી પાંચબત્તી સુધી જાહેરમાર્ગ પર મેળાનું આયોજન થાય છે. ભરૂચમાં વસતા ભોઈ જ્ઞાતિ દ્વારા અષાઢ વદ અમાસ (દિવાસા) ના દિવસે નર્મદા નદીની માટીમાંથી વરસાદ દેવતા મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરે છે.  છેલ્લા ૨૦૦ વર્ષથી ઉજવાતો તહેવાર ભરૂચમાં ઉજવાય છે.

છપ્પનીયા દુકાળ વખતે વરસાદ ન પડતા ભરૂચના ભોઈ જ્ઞાતિના આગેવાનોએ મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી તેનું પૂજન અર્ચન કરતા વરસાદ ન પડતાં એવો નિર્ણય લેવાયો કે, શ્રાવણ વદ આઠમના દિવસ સુધી વરસાદ નહીં પડે તો માટીમાંથી બનાવેલા મેઘરાજાની પ્રતિમાનું માથું વાઢી નાંખવામાં આવશે. શ્રાવણ વદઆઠમના દિવસે મેઘરાજાની શિરચ્છેદની તૈયારી પૂરી થઈ હતી.

ત્યારે વરસાદ તૂટી પડતાં ઢોરઢાંખર સહિત માનવોને નવજીવન મળ્યું હતું. ત્યારથી ભોઈ જ્ઞાતિના વડવાઓએ મેઘરાજાની પ્રતિમાનો શિરચ્છેદનો કાર્યક્રમ પડતો મૂકી પ્રતિમાને શોભાયાત્રા કાઢીને તેનું નર્મદામાં વિસર્જન કર્યું હતું. કહેવાય છે કે, ત્યારથી ભરૂચમાં જ મેઘરાજાના મેળા તરીકે ઓળખાતા મેઘરાજાના મેળાનું આયોજન થતું આવ્યું છે. શિતળાસાતમથી મેઘરાજા દસમ સુધી યોજાનાર મેળામાં ભરૂચ શહેર-જિલ્લા તથા અન્ય શહેરના હજારો લોકો મેળાની મજા માણવા આવશે.

You might also like