ભમરીના ઝેરથી કેન્સરનો કાંટો નીકળે

ભમરીનો ડંખ જેને અનુભવ થયો હોય એ જિંદગીભર ભૂલી શકતા નથી, કારણ કે તેના ડંખમાં રહેલું કાતિલ ઝેર જોરદાર બળતરા કરાવે છે. ડંખ વાગ્યો હોય એ જગ્યાએ સોજો ચઢે છે કે એટલો ભાગ દડા જેવો ફૂલી જાય છે. વિજ્ઞાનીઓને આવા ઝેરમાં ખૂબ રસ હોય છે. તેમણે અનેક જાતના સાપના ઝેરમાંથી અનેક રોગની દવાઓ બનાવી છે.

હવે વિજ્ઞાનીઓએ ભમરીના ઝેરનાં પારખાં કરવા માંડ્યા છે. બ્રાઝિલમાં થતી પોલિબિયા પૌલિસ્તા નામની ભમરીના ઝેરનું પ્રયોગશાળામાં પૃથક્કરણ કરવામાં આવ્યું તો તેમાં પેપ્ટાઈડ પોલિબિયા એમપી-૧ જોવા મળ્યું. આ પેપ્ટાઈડ (એમિનો એસિડની સાંકળથી બનતા કણ)માં એન્ટિ માઈક્રોબિયલ એટલે કે જંતુઓનો નાશ કરનાર ગુણ હતો. આ રસાયણને કેન્સરના કોષ સામે તપાસવામાં આવ્યું તો ખબર પડી કે, તે પ્રોસ્ટેટ અને મૂત્રાશયના કેન્સર તથા લોહીના કેન્સરના કોષનો નાશ કરી દે છે.

‘બાયોફિઝિકલ જર્નલ’ના અહેવાલ મુજબ આ રસાયણ માત્ર કેન્સરના કોષનો જ નાશ કરે છે, સ્વસ્થ કોષોને જરાય નુકસાન કરતું નથી. તે કેન્સરના કોષના આવરણના લિપિડ કહેવાતા કુદરતી ચીકણાશ અને વિટામિનોના એક પડમાં કાણા પાડી દે છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે, કોષના સંપર્કમાં આવે કે બે સેકન્ડમાં જ તે કાણા પાડી દે છે. આ કાણામાંથી કેન્સરના કોષનું દ્રવ્ય બહાર વહી જાય છે અને કોષ નાશ પામે છે. કોષના દ્રવ્યને શરીરનું ‘કચરા-નિકાલ તંત્ર’ પરસેવા, મૂત્ર વાટે બહાર ફેંકી દે છે.

કેન્સરના કોષના આવરણમાં બહારની બાજુ રેસા વિકસ્યા હોય છે. તંદુરસ્ત કોષમાં આવા રેસા અંદરની બાજુ હોય છે. એ રીતે આ રસાયણ કેન્સરના કોષને ઓળખી પાડે છે અને તંદુરસ્ત કોષને જરાય નુકસાન કરતું નથી. આ શોધ પછી હવે ભમરી ઉછેર કેન્દ્રો અસ્તિત્વમાં આવે તો નવાઈ નહીં.

 

You might also like