બ્રિટનના વિમાન અકસ્માતમાં બે ફૂટબોલરનાં મોત

લંડનઃ બ્રિ‌ટ‌િશ એર શોમાં ભાગ લઈ રહેલું સેનાનું એક વિન્ટેજ જેટ વ્યસ્ત રસ્તા પર અકસ્માતગ્રસ્ત થયું હતું. જાણવા મળી રહ્યા મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સાત લોકોમાં બ્રિટનની ફૂટબોલ ક્લબના બે ખેલાડી પણ સામેલ હતા. વર્થિંગ યુનાઇટેડ એફસીના ફૂટબોલર મેથ્યુ ગ્રિમસ્ટોન અને જેકબ શિલ્ટ પોતાના અંગત ટ્રેનર સાથે લાક્સવૂડ એફસી વિરુદ્ધની મેચ રમવા જઈ રહ્યા હતા ત્યારે વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.

દક્ષિણ ઈંગ્લેન્ડના બ્રાઇટ નીક શોરહેમ એર શોમાં ભાગ લઈ રહેલું હોકર હન્ટર યુદ્ધ જેટ રસ્તા પરનાં ઘણાં વાહનો સાથે ટકરાયું હતું. ગ્રિમસ્ટોન ક્લબ તરફથી ગોલકીપરના રૂપમાં રમતો હતો, જ્યારે શિલ્ટ મિડફિલ્ડર હતો.

આ યુવાન ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપતાં મેનેજર ગેરી એલફિકે કહ્યું, ”આ બહુ જ દુઃખદ સમાચાર છે. અમે આ દુઃખમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છીએ. એ બંને શાનદાર ખેલાડી હતા.” આ બંને ખેલાડીઓના મૃત્યુના સમાચાર એ સમયે આવ્યા, જ્યારે સવારે જાણવા મળ્યું કે ૨૪ વર્ષીય અંગત ટ્રેનર મેટ જોન્સ મૃતકોમાં સામેલ છે. જોન્સની બહેન બેકી જોન્સે ફેસબુક પર આ દુઃખદ સમાચાર શેર કર્યા હતા. એ દુર્ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. લગભગ ૧૪ ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી.

વડા પ્રધાન ડેવિડ કેમરૂને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને શોક સંદેશ પાઠવ્યો છે. પોલીસે ચેતવણી આપી છે કે આ દુર્ઘટનામાં મરનારાઓની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓમાં વિમાનનો પાઇલટ એન્ડી હિલ પણ સામેલ છે.

 

You might also like