બ્રાઇટ સ્કૂલ-અક્સિસ બેંક બોંબથી ઉડાવવા ધમકી

વડોદરા : ગણેશોત્સવ શાંતિપૂર્ણ સંપન્ન થતાં પોલીસ તંત્રએ માંડ હાશકારો અનુભવ્યો છે. ત્યારે શહેરના ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલી બ્રાઇટ હાઇસ્કૂલ તેની બાજુમાં આવેલી એકસીસ બેંક અને વડોદરા મહાનગર પાલિકાના મ્યુ.કમિશનરની ગાડીને બોંબથી ઉડાડી દેવાનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ૧૫ લીટીમાં લખેલો ધમકી ભર્યો પત્ર બ્રાઇટ સ્કૂલને મળતા બોંબ સ્કવોડ અને ડોગસ્કવોડ દ્વારા ઘનિષ્ઠ ચેંકીગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્કૂલમાં બોંબ હોવાની વાત વાયુવેગે શહેરમાં ફેલાતા વાલીઓ ચિંતાતુર બનીને શાળા પર પહોંચી ગયા હતા અને પોતાના સંતાનોને શાળામાં ઘરે લઇ ગયા હતા.

જોકે, વાંધાજનક કોઇ વસ્તુ ન મળતા પોલીસ તંત્ર, બ્રાઇટ સ્કૂલ અને એકસીસ બેંકના વહીવટકર્તાઓએ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસમાં પત્ર દ્વારા શહેરના રેલવે, બસ સ્ટેશન, કોન્વેન્ટ સ્કૂલ તથા આજે વડોદરા મહાનગર પાલિકાના કમિશનરની ગાડી, બ્રાઇટ સ્કૂલ થતા એકસીસ બેન્કને બોબથી ઉડાવવાની મળેલી ધમકી સહિત પાંચ જેટલી ધમકીઓ મળી ચુકી છે. ત્યારે વારેઘડીયે આ કૃત્ય સુરક્ષા તંત્રના માથાનો દુઃખાવો બની છે.

કોઇ અજાણ્યા ટીખળખોરે શહેરના ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલી બ્રાઇટ હાઇસ્કૂલ તેની જ બહાર રહેલી એકસીસ બેંક અને મ્યુનિસિપલ કમિશનરની ગાડી બોંબથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો પત્ર પોસ્ટ દ્વારા મોકલ્યો હોવાની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. બ્રાઇટ હાઇસ્કૂલને પત્ર મળતા જ હાઇસ્કૂલના સંચાલક સહિત શિક્ષકોમાં એક તબક્કે ગભરાટ ફેલાઇ ગયો હતો. હાઇસ્કૂલના સંચાલકે બાજુમાં આવેલી એકસીસ બેંકમાં પણ નનામા પત્રની જાણ કરતા બેંકના કર્મચારીઓમાં પણ એક તબક્કે ગભરાટ ફેલાઇ ગયો હતો.

જોકે, હાઇસ્કૂલના એમ.ડી. જયેન્દ્રભાઇ શાહે શહેર પોલીસ કંટ્રોલને નનામા પત્રની જાણ કરતા હરણી પોલીસ મથકના પીઆઇ એચ.આર.બલોચે તુરત જ બોંબ સ્કવોડ અને ડોગસ્કોવડને જાણ કરીને બ્રાઇટ હાઇસ્કૂલ ઉપર સ્ટાફ સાથે પહોંચી ગયા હતા.

બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડે મ્યુનિસિપલ કમિશનર એચ.એસ.પટેલના બંગલા ઉપર જઇને તેમની ગાડીની તપાસ કરી હતી જયારે બ્રાઇટ સ્કૂલ અને એકસીસ બેંકની બહાર-અંદર, ખૂણાઓમાં પણ ઘનિષ્ઠ તપાસ કરી હતી. લગભગ બે કલાક સુધી ત્રણ સ્થળે તપાસ કર્યા બાદ કોઇ વાંધાજનક વસ્તુ ન મળી આવતા બેંકના કર્મચારીઓ અને હાઇસ્કૂલના સંચાલકોએ રાહત અનુભવી હતી. આ સાથે પોલીસ તંત્રએ પણ રાહત અનુભવી હતી.

ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલી બ્રાઇટ હાઇસ્કૂલના એમ.ડી.જયેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે ત્રણ દિવસના મિની વેકેશન બાદ આજે શાળાઓ શરૃ થઇ છે. સવારે ઓફિસમાં આવ્યો ત્યારે રાબેતા મુજબ ટપાલ જોતો હતો જેમાં એક કવરમાં બ્રાઇટ હાઇસ્કૂલ, એકસીસ બેંક અને મ્યુનિસિપલ કમિશનરની ગાડીને બોંબથી ઉડાવી દેવાનું લખ્યું હતું. તુરત જ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.

 

હરણી પોલીસ મથકના પીઆઇ એચ.આર.બલોચે જણાવ્યું હતું કે કંટ્રોલમાંથી મેસેજ મળતા તુરત જ બોંબ સ્કવોડ અનો ડોગ સ્કવોડ સાથે બ્રાઇટ હાઇસ્કૂલ પહોંચી ગયા હતા. અને તપાસ કરવામાં આવી હતી પરંતુ ત્રણે જગ્યાએથી કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. પત્ર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણે ભાષામાં ૧૫ લીટીમાં લખવામાં આવ્યો છે. પત્ર કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

You might also like