બૌદ્ધ ભિક્ષુક પરિવારનો ડૈની ડેન્ઝોગ્પા!!

ફિલ્મી દુનિયાનો ડેન્જરસ (Dengerous) વિલન ડૈની ડેન્ઝોગ્પા આજે તેની ૬૭ વર્ષની ઉંમરે પણ રોજ સવારે નિયમિત પાંચ વાગે ઉઠીને પ્રકૃતિને માણવા માટે સિક્કીમના જંગલોમાં નીકળી પડે છે!! તેઓ ફિલ્મના શુટિંગ સિવાય પોતાના એકાંતના દિવસો આજકાલ પ્રકૃતિની ગોદમાં વિતાવી રહ્યા છે. ડૈની ડેન્ઝોપ્પા બૌદ્ધ ભિક્ષુ પરિવારના છે. તેમનો પરિવાર છેલ્લી ૧૪ પેઢીથી બૌદ્ધધર્મી છે. તેમને પણ બૌદ્ધ ભિક્ષુક બનવું હતું. પરંતુ તે ન બની શક્યા? આજે પાછલી જિંદગીમાં નિરાંતના દિવસો (ખાસ ફિલ્મ શુટિંગ ન હોય ત્યારે) જંગલમાં નિજાનંદી જીવન પસાર કરી રહ્યા છે. આખો દિવસ જંગલના વૃક્ષો વચ્ચે ફરે છે, પ્રકૃતિને માણે છે. વિવિધ વૃક્ષ પરથી પોતાના ગમતા ફળ, ફળાદી, શાકભાજી જંગલોમાંથી તોડી તેમની મનગમતી રસોઈ જાતે બનાવે છે. ફોટોગ્રાફીના શોખિન એવા ડૈની ડેન્ઝોગ્પા આજકાલ સિક્કીમના જંગલોમાં ખભે કેમેરા લટકાવીને કુદરતી, પહાડો, ઝરણાં, તળાવ, વૃક્ષો, પંખીઓને કેમેરામાં કેદ કરીને નીત નવી પ્રકૃતિઓની છબીઓ પોતાના કેમેરામાં કલીક કરીને આનંદ માણે છે. આમ અલ્હાદ પ્રકૃતિનો આનંદ તેઓ મેળવી મેળવી રહ્યા છે!! આ ઉંમરે હમણાં જ સલમાનખાને તેમની નવી ફિલ્મ ‘મેન્ટલ’ માટે ખલનાયકની ભૂમિકા માટે તેમને કરારબદ્ધ (ર૦૧૪) કર્યા તે બતાવે છે કે આ ઉંમરે પણ ખલનાયક તરીકે ડૈની ડેન્ઝોપ્પાનો ડંકો વાગે છે.!! આવા હિન્દી ફિલ્મના લોકપ્રિય વિલન અભિનેતા ડૈની ડેન્ઝોગ્પાનું નામ ત્શીંયાંગ પેન્ટસો ડેન્ઝોગ્પા છે. તેમનો જન્મ રપ, ફેબ્રુ. ઈ.સ. ૧૯૪૮ સિક્કીમ ખાતે થયો છે. તેમનું ફિલ્મનું નામ ડૈની છે. જ્યારે (Tsheringphintso Denzonpa)  છે. પરંતુ ફિલ્મી દુનિયામાં ટૂંકા નામ ડૈની તરીકે લોકપ્રિય છે. ડૈની ડેન્ઝોગ્પાને બાળપણથી જ આર્મીમાં જોડાવવાની ઈચ્છા હતી પરંતુ તે દિવસોમાં ભારત-ચીનની લડાઈ ચાલતી હતી. આથી લડાઈમાં સરહદ પરથી આપણા જવાનોની લાશો (પાર્થિવ દેહ) આવતા હતા. આથી ઠેર ઠેર આક્રંદ જોઈને તેમની માતાએ તેમને આર્મીમાં જોડાવવાની ના પાડી. અને ડૈનીને ન જવા મનાવ્યો. આમ તેમની માતાની મમતા હૃદયની ભાવનાનો તેઓ અનાદર ન કરી શક્યા. આમ તેઓએ આર્મીમાં જવાનું ટાળ્યું. આવા ડૈનીને નાનપણથી જ ઘોડેસવારીનો ગજબનો શોખ હતો. તેમને તેમનું પ્રાથમિક શિક્ષણ સિક્કીમમાં બિરલા મંદિરમાં અને ત્યારબાદ સેન્ટ જોસેફ કોલેજ દાર્જીલિંગથી સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ ભારતીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાં એફટીઆઈઆઈમાં પૂનામાં શિક્ષણ મેળવ્યું.તે દિવસોમાં તેમનો ચહેરો જોઈને લોકો તેમને ચીના ચીના કહેતા !! પરંતુ પોતાને એકટિંગ કરવી હતી અને શિખવું હતું આથી આ બધું જ સહન કર્યું. અરે, કૉલેજના શરૂઆતના વરસોમાં આ ચીના જેવો દેખાતો ચહેરો હોવાથી તેમનો કોઈ રૂમ પાર્ટનર પણ બન્યું નહોતું !! કારણ કે તે દિવસોમાં ભારત-ચીનનું યુદ્ધ થયું હતું. આથી લોકોમાં તે દિવસોમાં આવું વાતાવરણ હતું !! આવા ડૈનીએ પૂના ખાતે ઈન્સ્ટિટ્યૂટમાં તેમા સાથી મિત્રો સુભાષ ઘાઈ, પેન્ટલ, અસરાની, ડૈની વગેરે મળીને એક ઉમંગ નામની ફિલ્મ પણ બનાવી હતી. પરંતુ તે તદ્દન ફલોપ ગઈ. પૂના ઈન્સ્ટિટ્યૂટમાં જયા બચ્ચન ડૈનીના બેચમેટ હતા. જયા ભાદુડીને તો તરત જ ફિલ્મ ગુડ્ડીમાં ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી ગઈ હતી!! પરંતુ ડૈની તે દિવસોમાં સોમથી શુક્ર પૂના ખાતે રહીને શુક્રવારે રાત્રે ત્યાંથી મુંબઈ આવતા અને મુંબઈના વિવિધ સ્ટુડિયોમાં કામ માટે પ્રયત્ન કરતા. ફિલ્મમાં રોલ મેળવવા તેમજ તેમનો ચહેરો જોઈને તે દિવસોમાં ફિલ્મમાં કામ મેળવવા અનેક સ્ટુડિયોમાં પગ ઘસ્યા.તેઓ મુંબઈના સ્ટુડિયોમાં કામ માટે આવતા. પરંતુ તેઓ હિમ્મત હાર્યા નહિ. તેઓ જ્યારે પૂના ઇન્સ્ટિટ્યૂટમાં હતા ત્યારે તેમના અભિનય કામથી તે દિવસોમાં જ્યારે બી.આર. ચોપરા આવ્યા હતા. તેમણે તેમને કહ્યું હતું કે છોકરા તારા લાયક રોલ આવશે તો હું જરૂર તને તક આપીશ !! પરંતુ આ બાજુ કામ ન મળતા ડૈની વધારે ને વધારે નિરાશ થતા હતા. ત્યાં બી.આર. ઈશારાએ તેમને અને વિજય અરોરાને તેમની ફિલ્મ ‘જરૂરત’માં તક આપી. ત્યાર બાદ બી.આર. ચોપરા ધુન્દ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. આ ફિલ્મમાં એક અપંગ લંગડા પતિની ભૂમિકાવાળું પાત્ર ડૈની ડેન્ઝોગ્પાને આપવાનું નક્કી થયું. આ ફિલ્મના શુટિંગમાં ડૈનીનો રોલ ગજબનો હતો. તે ફિલ્મના પરદા પર એટલી જોરથી પ્લેટ કેમેરા સામે ફેંકીને ગુસ્સે થતો દેખાડ્યો છે કે તે શુટિંગમાં તે પ્લેટના છ કટકા થઈ ગયા હતા!! આ દૃશ્ય ખૂબ જ સુંદર રીતે ડૈનીએ ભજવ્યું હતું. આ ફિલ્મ ધુન્દ જ્યારે રજૂ થઈ ત્યારે તેનો પ્રથમ શોટ એટલો બધો અસરકારક અને પ્રભાવિત હતો કે ફિલ્મના પડદા પર આ દૃશ્ય આવે છે ત્યારે ત્યારે ભલભલા આ દૃશ્ય અને ડૈનીનો ગુસ્સો અને પ્લેટ ફેંકતો જ બતાવે છે કે ફિલ્મમાં પ્રેક્ષકો રીતસરના ફિલ્મના થિયેટરમાં લોકો પોતાનું માથું ઝૂકાવી (નમાવી) દેતા હતા !! આમ ડૈનીના અભિનયની પ્રશંસા થવા લાગી.ત્યારબાદ ડૈનીને ગુલઝારની ફિલ્મ મેરે અપનેમાં અભિનય કરવાની તક મળી. તે ફિલ્મમાં મીનાકુમારી સાથે ડૈનીને અભિનય કરવાની તક મળી. આપી તેઓ પોતાને નસીબદાર માને છે. મીનાકુમારી એક ગજબના અભિનેત્રી હતા. તેમનામાં અભિનયનો દરિયો વહ્યા કરતો હતો. તે મેં તેમની સાથે કામ કરવાથી અનુભવ્યું હતું તેમ ડૈનીનું માનવું છે. ત્યારબાદ તો ડૈનીને પોતાની આગવી અભિનય ક્ષમતાથી ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થઈ ગયું !! આમ મેરે અપને, જરૂરતથી તેમની ફિલ્મી યાત્રા શરૂ થઈ અને પછી એક પછી એક ફિલ્મોમાં તેમને કામ મળતું થઈ ગયું. આમ ફિલ્મ મેરે અપને, જરૂરત (૧૯૭૧, મિલાપ, ધુન્દ, ખોટે સિક્કે, ૩૬ ઘંટે (૧૯૭૩) ચોર મચાયે શોર, રાની ઔર લાલપરી (૧૯૭પ), રફતાર, પોંગા પંડિત, કાલા સોના, અપને રંગ હજાર, આખરી દાવ (૧૯૭૬) ધર્માત્મા, સંગ્રામ, લૈલા મજનુ (૧૯૭૭), કાલિચરન, ફકીરા, પાપી (૧૯૭૮) મેરા દોસ્ત મેરા દુશ્મન (૧૯૮૪), ફિર વહી રાત (૧૯૮૦), કાલીઘટા (૧૯૮૧), અગ્નિપથ (૧૯૮ર) તેમજ કોહરામ, અશોકા, પુકાર (ર૦૦૧), અબ કે બરસ (ર૦૦ર) શિકાર (ર૦૦૪), અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ (ર૦૦૪) હેટ્રિક (ર૦૦૭), કર્ઝ (ર૦૦૭), લક, બોસ (ર૦૧ર) જય હો (ર૦૧૪) બેંગ બેંગ (ર૦૧૪) તેમજ અંધિરન (ર૦૧૦) આવી અનેક મુખ્ય વિલનના અભિનયવાળી લોકપ્રિય ફિલ્મો એક અંદાજ મુજબ ૧૯૭૧થી આજદિન સુધી ૧૯૦ જેટલી વિવિધ ફિલ્મોમાં તેમને અભિનય કર્યો છે.વળી તેમના પૂનાના કૉલેજકાળના મિત્ર રોમેશ શર્માની ફિલ્મ અજનબીની વાર્તા-પટકથા ડૈનીએ લખી હતી. જ્યારે રોમેશ શર્માએ આ ફિલ્મ બનાવી હતી. તો ‘ફીર વહી રાત’ ફિલ્મનું ડૈનીએ નિર્દેશક તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ એન.એન. સિપ્પીએ બનાવી હતી. તો, બંગાળી ફિલ્મ ‘લાલકુઠી’ની વાર્તા-પટકથા તેમણે લખી હતી. આવા વિલન ડૈનીએ ફિલ્મોમાં પોતાના સ્વરે ગીતો પણ ગાયા હતા. તેમણે કાલા સોના ફિલ્મમાં સૂન… સૂન… કસમ સે. આશા ભોંસલેની સાથે ગીત ગાયું છે. ત્યારબાદ મહેશ ભટ્ટની ફિલ્મ સંગીતકાર આર.ડી. બર્મનની ફિલ્મ નયા દૌરમાં કિશોરકુમાર સાથે પાની કે બદલે પીકર શરાબ… નામનું ડ્યુએટ ગીત ગાયું. ત્યારબાદ મહંમદ રફી સા’બ સાથે મુઝે દોસ્તો તુમ ગલે સે લગાલો ગાયું… અને લતા મંગેશકર સાથે યે ગુલિસ્તાંન હમારામાં મેરા નામ આઓ… મેરે…પાસ આઓ… ગીત ડૈનીએ ગાયું જે ગીત હીટ થયું હતું. આમ તેઓ સારા પાર્શ્વગાયક પણ છે. તેમની મેરે અપને, ધુન્દ, અગ્નિપથ, જય હો, ૧૯૪ર એ લવસ્ટોરી, ઘટક, ધર્માત્મા, ખોટે સિક્કે, ફકીરા, લૈલા મજનુ, ખુદા ગવાહ, હિન્દુસ્તાની, અજનબી, આર્મી, ચોર મચાયે શોર, ઘાતક જેવી અનેક નોંધપાત્ર ફિલ્મોમાં તેમનો અભિનય આજે પણ તેમના ચાહકો ભૂલ્યા નથી!!આવા લોકપ્રિય અભિનેતા ડૈની ડેન્ઝોગ્પાએ તેમની કારકિર્દીએ ચાર ચાંદ લાગી ગયા છે. તેમણે સિક્કીમની રાજકુમારી ગવા ડેન્ઝોગ્પા સાથે લગ્ન કર્યા છે. જ્યારે તેમને રિંઝિગ ડેન્ઝોગ્પા નામનો દિકરો છે, જ્યારે પેમા ડેન્ઝોગ્પા નામની દીકરી છે. આવા ડૈનીએ સેવન યર્સ ઈન તિબેટમાં તેમણે હોલિવૂડના લોકપ્રિય અભિનેતા બ્રાડપિટ સાથે તેમણે અભિનય કર્યો છે. જ્યારે તેમને હમ, ક્રાંતિવીર, વિજયપથ, બરસાત, ઘાતક જેવી ફિલ્મો વિલન કેટેગરીમાં તેમને ઍવોર્ડ મળેલ છે.  જ્યારે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એકટરનો પુરસ્કાર ‘ખુદા ગવાહ’ ફિલ્મ માટે (૧૯૯ર) જ્યારે ફિલ્મફેર સહાયક અભિનેતાનો પુરસ્કાર ફિલ્મ ‘સનમ બેવફા’ માટે (૧૯૯૧)માં તેમને મળ્યો હતો. જ્યારે ભારત સરકારે તેમને ૧૯૯રમાં પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. આવા લોકપ્રિય વિલન ડૈનીએ નેપાળી ભાષામાં ખુબ જ સુંદર પોતાના અવાજમાં ગીતો પણ ગાયા છે. આજકાલ તેઓ પોતાના પસંદગીના નવીનતમ રોલ વાળી ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરે છે. તેમને એક સરખા સ્ટીરિયો ટાઈપના રોલ કરવાથી કંટાળી ગયા છે !! આજકાલ તેઓ નવરાશની પળોમાં વાંસળી વગાડવી તેમને ખૂબ ગમે છે. તેમજ કિશોરી આમોનકર અને હરિપ્રસાદ ચૌરસીયાને સાંભળવા ખૂબ ગમે છે. જ્યારે તેમને ખય્યામ સા’બની તરજોમાં બેગમ અખ્તરના અવાજમાં ગઝલો અને ઠુમરી સાંભળવી ખૂબ જ ગમે છે. ફિલ્મોના મહાન કલાકાર દિલીપકુમાર અને અમિતાભના તેઓ ફેન છે. જ્યારે દિલીપકુમાર સાથે કામ કરવાની ઈચ્છા તેમની અધૂરી રહી છે તેનું તેને દુઃખ છે. આવો ફિલ્મોનો મહાન વિલન ડૈની ડેન્ઝોગ્પા સિક્કીમમાં સમય પસાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ”મને બધું જ મળ્યું છે, જ્યારે હું બૌદ્ધ ધર્મી હોવાથી જાણું છું કે કશું શાશ્વત નથી, હરેક ક્ષણે આપણામાં પરિવર્તન આવતું જ જાય છે!! આ સત્યને સ્વીકારીને જીવવા પ્રયત્ન કરું છું.!!”

You might also like