બોલીવૂડમાં કોઈ ગોડફાધર નથી  

‘ગજિની’ ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશેલી અસીન આજકાલ ચર્ચામાં છે. તેની આગામી ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’ની રિલીઝ પહેલાં જ ઉદ્યોગપતિ રાહુલ શર્મા સાથેનાં લગ્નની ચર્ચા ફેલાઈ ગઈ છે, પરંતુ આ અંગે હજુ તે કંઈ કહેવા તૈયાર નથી. જોકે અસીને આ ફિલ્મ બાદ અન્ય કોઈ ફિલ્મ સાઈન કરી નથી. ટૂંક સમયમાં જ જીવનના નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહેલી અસીનની અંગત અને ફિલ્મી જીવનની વાતચીત

ઈન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષ બ્રેક લેવા અંગેનો નિર્ણય યોગ્ય હતો?

હા, મેં નક્કી કર્યું છે કે, ક્રિએટિવ કામ હશે ત્યાં સુધી કામ કરતી રહીશ. કામમાં કોઈ નવીનતા કે સંતોષ નહીં હોય તો હું બેગ પેક કરી લઈશ. મેં આ બ્રેક સભાનતાથી લીધો હતો, પરંતુ ‘ઓલ ઈઝ વેલ’ માટે ઉમેશ શુક્લાએ મને તૈયાર કરી હતી.

‘ઓલ ઈઝ વેલ’ની કઈ વાતથી કામ કરવા તૈયાર થઈ?

ફિલ્મ સાથે ઉમેશ શુક્લાનું નામ જોડાયેલું છે તે જ પૂરતું છે. તેમની ‘ઓહ માય ગોડ’ ખૂબ જ સરસ અને મારી પસંદગીની ફિલ્મ હતી. તેમણે મને ફોન કરીને મળવા કહ્યું, હું પણ તેમણે મળવા ઉત્સુક હતી. અમે મળ્યાં ત્યારે કલાક સુધી તો ‘ઓહ માય ગોડ’ અંગે જ ચર્ચા કરી. બાદમાં મને આ ‘ઓલ ઈઝ વેલ’ની સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે મને તે એક સંુદર ફેમિલી ફિલ્મ લાગી. હું ર૪ ફિલ્મો કરી ચૂકી છું. એટલે મારી પચીસમી ફિલ્મ ખાસ હોવી જોઈએ તેમ મને લાગ્યું.

બ્રેક બાદ અને અભિષેક બચ્ચન સાથે કામ કરવાનું છે ત્યારે કોઈ રિસ્ક નથી લાગતું?

મારે કોની સાથે કામ કરવાનું છે કે મારા કો-સ્ટાર કોણ છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું સ્ક્રિપ્ટ વાંચીને ફિલ્મની પસંદગી કરું છું. ફિલ્મ સારી હોવી જોઈએ અને તેમાં કામ કરતાં લોકો સાથે કમ્ફર્ટેબલ રહેવું જોઈએ. હું માત્ર કાસ્ટિંગને આધારે કામ નથી કરતી. કાસ્ટ પસંદ કરવાનું કામ નિર્દેશક અને ફિલ્મ મેકરનું હોય છે.

સેટ પર અભિષેક ઘણો રમૂજી હોય છે, તારે કેવા સંબંધ છે?

હું અભિષેકને પહેલાંથી જ ઓળખું છું, જ્યારે અમે ‘બોલ બચ્ચન’માં સાથે કામ કર્યું ત્યારથી અમારું બોન્ડિંગ ઘણું મજબૂત થયું. તેણે મારા મોટા ભાઈની ભૂમિકા અદા કરી હતી એટલે હું તેને ફિલ્મમાં અને ફિલ્મ બાદ પણ ભાઈજાન કહેતી. આ ફિલ્મમાં અમે રોમેન્ટિક પાર્ટનર છીએ. એટલે અભિષેકે મને હવે ભાઈજાનનું સંબોધન ન કરવા સૂચવ્યું છે. અભિષેક સાથે કામ કરવાની મજા આવે છે. જોકે અજય અને અક્ષય જેવી ટીખળ નથી કરતો.

ફિલ્મમાં નિમ્મીની ભૂમિકા કરનાર અસીન હકીકતમાં કેવી છે?

હું નિમ્મી જેવી જ છું. મને હંમેશાં લાગે છે કે, બધું સારા માટે જ થાય છે. હું ગમે તેવી પરિસ્થિતિમાં મારા વિચારોને નકારાત્મક નથી કરતી અને જે સારું થઈ શકે તે હું કરું છું. આપણે આપણા વિચાર પોઝિટિવ રાખવા જોઈએ.

‘ગજની’ અને ‘રેડી’ પછી લાગતું હતું કે, તું બોલીવૂડ પર છવાઈ જઈશ, પરંતુ આમ ન થયું?

ર૦૧રમાં હું ‘બોલ બચ્ચન’, ‘હાઉસફુલ’ અને ‘ખિલાડી’ કરી રહી હતી. ત્યાર બાદ મને કોઈ સ્ક્રિપ્ટ પસંદ ન આવી. ગમે તેવું કામ કરીને લાઇમલાઇટમાં રહેવા કે સ્ટારડમ મેળવવા હું નથી ઇચ્છતી. કામ કરવા કોઈ મજબૂરી નથી કે ફાયનાન્શિયલી દબાણ પણ નથી. હું મારી પ્રોફેશનલ જર્નીથી ખુશ છું. સાઉથની ઈન્ડસ્ટ્રીઝમાંથી બોલીવૂડમાં સફળતાપૂર્વક શિફ્ટ થવા અંગે હું મારી જાતને નસીબદાર માનું છું. શ્રીદેવીએ પણ ઘણી સફળતા મેળવી હતી. ઘણા સાઉથ સ્ટાર્સે હિન્દી ફિલ્મો કરી છે, પરંતુ તેઓ મુંબઈથી કનેક્ટેડ હતા. હું કેરળમાં ઉછરી છું, છતાં બોલીવૂડમાં આટલી સફળતાથી હું ખુશ છું.

અત્યાર સુધીના કામથી ખુશ છે?

હા. મારે કોઈ બોલીવૂડ કનેક્શન ન હતું. અહીં મારા કોઈ ગ્રાન્ડ કે ગોડફાધર નથી કે કોઈ સેલેબ્સ મિત્ર પણ નથી કે જે કામ હોય કે ન હોય, પરંતુ મને હંમેશાં લાઇમલાઇટ્સમાં રાખે. મને કામ મેળવવાની આવી રીત પણ પસંદ નથી. તમારી આવડત પર કંઈક કરવું જોઈએ. મેં જે મેળવ્યું છે તેનાથી હું ખુશ છું. મેં મારી જાત માટે ઘણા નિયમો બનાવ્યા છે. જેમ કે, સાઉથ કે બોલીવૂડમાં અમુક પ્રકારનાં કપડાં કે બિકીની નહીં પહેરું, કિસિંગ જેવા સીન્સ નહીં કરું. આમ છતાં બોલીવૂડમાં ટકી રહેવું એક ચમત્કાર જ છે.

પસંદગીની સ્ક્રિપ્ટ મેળવવા સમય વિતાવ્યો છે, ત્યારે કામ માટે ભલામણ કરે છે?

મેં કોઈની સાથે કામ કરવા માટે ક્યારેય ફોન કે ભલામણ કરી નથી અને મને તે પસંદ પણ નથી. મને આમ કરવામાં સંકોચ થાય છે. મારી સાથે હું જેને ફોન કરું તે પણ કદાચ સંકોચ અનુભવે. જો કોઈ નવો પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું હોય તો તે અંગે તેઓ પહેલેથી જ સુનિશ્ચિત હશે, એવામાં ફોન કરીને કામ અંગે કહેવાથી તેઓ પણ ચોક્કસ સંકોચ અનુભવશે.

શ્રીદેવી તારી પડોશી છે, તે તને બિરયાની મોકલે છે તે વાત સાચી?

હા, તે મને લંચમાં બિરયાની મોકલતી હતી. શરૂઆતમાં હું મુંબઈ આવી અને જ્યાં સુધી મારાં પેરેન્ટ્સ અહીં શિફ્ટ નહોતાં થયાં ત્યાં સુધી તે મારું ખૂબ ધ્યાન રાખતી હતી. અમારા કોમ્પ્લેક્ષમાં લાઈટ ગઈ ત્યારે પણ તેમણે મારા ખબર-અંતર પૂછ્યા હતા, આ જ તેમની સુંદરતા અને મોટાઈ છે. તબ્બુ અને જુહી પણ મારા પડોશી જ છે, પરંતુ તેઓ ક્યારેક જ આવે છે.

આજકાલ સાઉથની ફિલ્મોની અહીં રીમેક બનાવાય છે. શું કહેવું છે?

આપણે ઈન્ડસ્ટ્રીઝના સંપર્કમાં છીએ એટલે જાણીએ છીએ કે હિન્દી હોય કે સાઉથ, બંનેમાં સારી ફિલ્મો બની રહી છે. મને એ પસંદ નથી કે આપણે બંનેને અલગ નજરે જોઈએ. અહીં વાર્તા, આઇડિયા, ટેલેન્ટ અને ટેક્નિશિયનનું આદાન-પ્રદાન થતું રહે છે.

તું લગ્ન કરવા જઈ રહી છે, હવે કોઈ ફિલ્મ કરીશ કે પરિવારને સમય આપીશ?

આ ફિલ્મ બાદ કોઈ ફિલ્મ હજુ સુધી સાઇન કરી નથી. પ્રથમ તો હું ‘ઓલ ઈઝ વેલ’ની રિલીઝની રાહ જોઈ રહી છું. પછી થોડોક સમય પર્સનલ લાઇફને પણ આપવો મને જરૂરી લાગે છે.

You might also like