બોમ્બની ધમકીના પત્રો મોકલી પોલીસને દોડાવવાનું ષડયંત્ર

અમદાવાદઃ છેલ્લા એકાદ મહિનાથી રાજ્યના મહત્વનાં મંદિરો, સ્કૂલો-કોલેજો તથા બેંકોને બોમ્બ દ્વારા ઊડાવી દેવાના ધમકીભર્યા પત્રો મળી રહ્યા છે. અાવા ધમકીભર્યા પત્રો મળતાં જ પોલીસ દોડતી થઈ જાય છે અને બોમ્બની તપાસ કરે છે પરંતુ છેવટે કશું જ મળતું નથી. ધમકીભર્યા પત્રો મોકલી અા રીતે રાજ્યની પોલીસ અને દોડતી કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર જણાઈ રહ્યું છે. અા ષડયંત્રનું એ.પી. સેન્ટર વડોદરા શહેર હોય તેમ જણાઈ રહ્યું છે.

રાજ્યનાં મહત્વનાં મંદિરો એવા અંબાજી, શામળાજી અને સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા પત્રો મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું અને મંદિરમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી અાવી નહોતી. પોલીસ તપાસમાં સોમનાથ મંદિરને મોકલવામાં અાવેલો પત્ર વડોદરાથી પોસ્ટ થયો હોવાનું બહાર અાવતાં ધમકીભર્યા પત્રો મોકલવામાં વડોદરા શહેર ફરી ચર્ચામાં અાવી ગયું છે.

વડોદરા શહેરમાંથી છેલ્લા ૨૫ દિવસમાં ૧૮ જેટલા ધમકીભર્યા પત્રો મળ્યા છે જેમાં સ્કૂલ, બેંક અને એમ.એસ. યુનિવર્સિટીના સાયન્સ વિભાગને પણ ઊડાવી દેવાની ધમકીભર્યા પત્રો મળ્યો છે. જેટલા પણ ધમકીભર્યા પત્રો મળે છે તે વડોદરામાંથી જ પોસ્ટ અથવા મોકલાય છે. જેથી હવે પોલીસ સતર્ક બની ગઈ છે અને શહેરની તમામ ટપાલપેટી પર એક પોલીસકર્મી નજર રાખશે.

અગાઉ એક અારોપીને પોલીસે બોમ્બ ધમકીભર્યા પત્રો મોકલવા મામલે ધરપકડ કરી છે, જ્યારે એક વ્યક્તિ નહીં પરંતુ કેટલાક શખસો મળી પોલીસને દોડતી કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચલાવી રહ્યાં છે. જે મામલે પોલીસે હવે તપાસ તેજ કરી છે બીજી તરફ સોમનાથ મંદિરને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળતા પોલીસે મંિદરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે.

You might also like