બેન્ક શેર્સની આગેવાનીએ સેન્સેક્સમાં ૩૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો

અમદાવાદઃ વૈશ્વિક શેરબજારના સપોર્ટે તથા સ્થાનિક મોરચે વિદેશી સંસ્થાગત રોકાણકારોની ખરીદીના પગલે શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે શાનદાર ખરીદી જોવા મળી હતી. શરૂઆતે સેન્સેક્સમાં ૩૧૭ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો અને સેન્સેક્સનો આંક ફરી એક વાર ૨૭,૧૬૪ની સપાટીએ જોવાયો હતો. એ જ પ્રમાણે નિફ્ટીમાં ૯૦ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૮૨૦૦ની સપાટી ક્રોસ કરી ૮૨૧૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. યુએસ ફેડરલ રિઝર્વની સપ્ટેમ્બરની બેઠકની ફેડે મિનિટ્સમાં હાલ વ્યાજ નહીં વધારવાના આપેલા સંકેતોએ વૈશ્વિક શેરબજારને સપોર્ટ આપ્યો હતો.આજે શરૂઆતે વેદાન્તા કંપનીના શેર્સમાં ૫.૮૨ ટકા, ઓએનજીસીમાં ૨.૭૦ ટકા, હિંદાલ્કોમાં ૨.૫૬ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ ટાટા મોટર્સ કંપનીના શેર્સમાં ૦.૧૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કેપિટલ ગુડ્સ, બેન્ક, મેટલ ટેક્નોલોજી અને રિયલ્ટી સેક્ટર ઇન્ડેક્સમાં એક ટકાથી ૧.૨૫ ટકાનો સુધારો નોંધાયો હતો. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નિફ્ટીએ મહત્ત્વની ૮૨૦૦ની સપાટી ક્રોસ કરી છે અને બેન્કિંગ સ્ટોક્સમાં પણ મજબૂત સુધારા તરફી ચાલ જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક શેરબજારનું સેન્ટિમેન્ટ જોતાં શેરબજારમાં વધુ સુધારા તરફી ચાલ જોવાઇ શકે છે. જોકે બિહારની ચૂંટણીનાં પરિણામો શેરબજાર માટે મહત્ત્વના સાબિત થઇ શકે છે. સર્વેમાં મહાગઠબંધનને બહુમતી મળે તેવા બહાર આવેલા રિપોર્ટની પણ ચિંતા બજારમાં જોવા મળી રહી છે.
You might also like