બેંકોમાં આજથી બીજા અને ચોથા શનિવારની રજાનો અમલ

રાજકોટ : આવતીકાલથી દેશભરની રાષ્ટ્રીયકૃત, સહકારી, ખાનગી, ગ્રામીણ સહિતની બેંકોમાં બીજા અને ચોથા શનિવારની અમલ શરૃ થઇ રહ્યો છે. આવતીકાલે બીજો શનિવાર હોવાથી તમામ બેંકોમાં કામકાજ બંધ રહેશે. આવતીકાલે આરટીજીએસ, એનઇએફટી, ક્લિયરિંગ, સીટીએસ, ઇસીએસ, રિજિયોનલ ઇલેકિટ્રક ક્લિયરિંંગ સર્વિસ, નેશનલ ઇલેકટ્રોનિક ક્લિયરિંંગ સર્વિસ વગેરે બંધ રહેશે.

બેંકો બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે જયારે પ્રથમ અને ત્રીજા શનિવારે અને જો પાંચમો શનિવાર આવતો હોય તો તે દિવસે ફુલ-ડે કામકાજ કરશે. અત્યાર સુધી બેંકોમાં દર શનિવારે અડધા દિવસની રજા રહેતી હતી. તાજેતરમાં ભારત સરકારે બહાર પાડેલા જાહેરનામા મુજબ આવતીકાલથી બેંકોમાં બીજા અને ચોથા શનિવારનો અમલ શરૃ થઇ રહ્યો છે. અત્રે એ નોંધનીય છે કે, મે મહિનામાં સરકાર અને બેંક યુનિયનો વચ્ચે વેતન સમજુતી થઇ હતી તેમાં બીજા અને ચોથા શનિવારની રજા અંગે પણ સહમતી સાધવામાં આવી હતી.

તેનો હવે અમલ થઇ રહ્યો છે. આવતીકાલે ૧ર તારીખ ઉપરાંત ર૬મીએ પણ ચોથા શનિવારે તમામ બેંકોમાં રજા રહેશે. આવતીકાલથી રજાનો અમલ થઇ રહ્યો છે તેની ક્લિયરિંગ સહિતની કામગીરી ઉપર અસર પડશે. જેમણે આજે બેંકમાં ચેક જમા કરાવ્યો હશે તેમને તેમના નાણાં મંગળવારે ખાતામાં જમા આપવામાં આવશે. બેંકોમાં રજાને કારણે એટીએમ ઉપર પણ કામનું ભારણ વધશે. અત્રે એ નોંધનીય છે કે, રાજકોટમાં દૈનિક અંદાજે ૩૦૦ કરોડનું સરેરાશ બેંક ક્લિયરિંગ થતું હોય છે.

મુંબઇ ખાતે પણ ક્લિયરિંગ હાઉસ બંધ રહેનાર હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા અને ત્રીજા શનિવારે બેંકો ૧૦ થી પ સુધી ખુલ્લી રહેશે. આ રજાનો અમલ રાખવા પાછળનો હેતુ એ છે કે, કર્મચારીઓની ઉત્પાદકતા વધે. એટલું જ નહીં કર્મચારીઓને વધુ રજાના લાભ પણ મળી શકે. રાજય સરકારમાં બીજા અને ચોથા શનિવારની રજા હોય છે. કેન્દ્ર સરકારમાં પાંચ દિવસનું અઠવાડિયુ હોય છે દર શનિ અને રવિની રજા હોય છે. હવે બેંકના ગ્રાહકોએ પણ શનિવારની રજાથી અનુકૂળ થવું પડશે.

You might also like