બુધાન થિયેટરમાં ૧૬મીઅે ‘મ્યુઝિયમ અોફ હોપ’નો પ્રારંભ

અમદાવાદઃ નાટ્ય અને રંગમંચ કળા તથા ફિલ્મ ક્ષેત્રની ૧૮ વર્ષની સફળ સુદીર્ઘ સફર બાદ હવે બુધાન થિયેટર વિમુક્ત છારા સમુદાયના ઇતિહાસ અને સંસ્કૃતિનું જતન કરવા એક નવતર મ્યુઝિયમની સ્થાપના કરનાર છે. આ મ્યુઝિયમ નવતર અને સંવાદમૂલક રીતે કળાકૃતિઓ, છારા જાતિની સમૃદ્ધ સંસ્કૃતિ, રીત-રિવાજો, ઇતિહાસ અને ગાથાનું હૂબહૂ નિદર્શન રજૂ કરશે. આ મ્યુઝિયમનું નવતર નામાભિધાન ‘મ્યુઝિયમ ઓફ હોપ’  રાખવામાં આવ્યું છે.આ ‘મ્યુઝિયમ ઓફ હોપ’ છારા જાતિના સંઘર્ષ અને અનુજીવનની ગાથા રજૂ કરશે. ‘મ્યુઝિયમ ઓફ હોપ’ એક એવું મ્યુઝિયમ છે, જે માત્ર નિદર્શન કે પ્રદર્શન કરીને અટકી જતું નથી. આ એક પારસ્પરિક પ્રભાવક વિભાવના છે, જે વિશ્વ અને સમુદાયને પૂર્વાગ્રહ, અધિકારવાદ અને હઠાગ્રહવાદ સામે ઝઝૂમીને અસ્તિત્વને ટકાવી રાખવાની છારા સમુદાયની સદી જૂની સંઘર્ષયાત્રા અને તેની સમૃદ્ધ વિરાસતથી વાકેફ કરશે.ભારત પર શાસન કરનાર બ્રિટિશરોએ છારા સમુદાયના સભ્યોને અપરાધીઓ તરીકે વર્ગીકૃત કર્યા હતા. ૧૯૫૨માં છારા સમુદાયને અપરાધીઓની યાદીમાં વિધિવત્ રીતે વિમુક્ત કરવા છતાં તેમના પર લાગેલું અપરાધીનું કલંક હજુ ભૂંસી શકાયું નથી અને તેમને હજુ પણ આ કાળી ટીલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ, તેમની ચીલાચાલુ બીબાઢાળ છાપ ચાલુ રહેવાથી છારા સમુદાયના સભ્યો સમાજની મુખ્ય ધારાથી વધુ વિમુખ બની ગયા હતા. પ્રતિષ્ઠિત ભાષાવિદ્ અને અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક ગણેશ દેવી તેમજ સુખ્યાત બાંગ્લા લેખિકા અને મેગ્સેસે એવોર્ડ વિજેતા શ્રીમતી મહાશ્વેતા દેવી દ્વારા બુધાન થિયેટરની સ્થાપના કરવામાં આવી છે. આ થિયેટર પ્રતિભાઓ દ્વારા સામુદાયિક વિકાસ અને સામાજિક પરિવર્તન માટે થિયેટરના માધ્યમનો ઉપયોગ કરવાની એક શૈલી અખત્યાર કરવામાં આવી છે.બુધાન થિયેટરે હવે ‘મ્યુઝિયમ ઓફ હોપ’ની પહેલ કરી છે. આ મ્યુઝિયમનું પાંચ દાયકા પૂર્વે નિર્મિત પ્રાચીન છારા હાઉસમાં છારા યુવાનો દ્વારા છારાનગરમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે. સમુદાયના સભ્યોઅે ઐતિહાસિક કલાકૃતિની ચીજવસ્તુઓનું દાન આપીને આ મ્યુઝિયમની રચનામાં અહમ પ્રદાન આપ્યું છે. સમુદાય અને તેના ઇતિહાસ અંગેની ઘણી અજાણી હકીકતો આ ‘મ્યુઝિયમ ઓફ હોપ’માં ઉજાગર થશે.મ્યુઝિયમમાં ડિજિટલ વિભાગ પણ છે કે જેમાં છારાનગરના લોકોની વાતો અને કહાણીઓ તેમની જ બોલીમાં અને અંગ્રેજીમાં સાંભળી શકાશે. તેમાં સમુદાય દ્વારા અનુસરવામાં આવતા અનન્ય રીત-રિવાજ અને વિધિઓ તેમજ વેશભૂષાનું પણ નિદર્શન જોવા મળશે. જેમ કે લગ્ન દરમિયાનની વિધિ કે સભ્યના મૃત્યુ દરમિયાન કેટલીક ખાસ વિધિઓ કરવાની હોય છે અને આ મ્યુઝિયમ પ્રથમ વખત આ પ્રકારની વિધિનું નિદર્શન કરશે.છારા સમુદાયના નેતાઓ અને શુભચિંતકો દ્વારા ૧૬ ઓગસ્ટના રોજ સવારે ૧૦-૦૦ કલાકે આ મ્યુઝિયમનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવશે અને સવારે ૧૦.૩૦ કલાકથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.સરનામુંઃ મ્યુઝિયમ ઓફ હોપ,  બુધાન થિયેટર, સિંગલ ચાલી, છારાનગર, કુબેરનગર, અમદાવાદ-૩૮૨૩૪૦
 

You might also like