બુટલેગરને માર મારવાની ફરિયાદમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તપાસ કરશે

અમદાવાદઃ અમદાવાદના ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ સામે બુટલેગરને માર મારવાની ફરિયાદમાં મેજિસ્ટ્રેટ ખુદ તપાસ કરશે.  

તારીખ 10 જુલાઇના રોજ ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધમાં મેટ્રો પોલિટિન કોર્ટના મેજિસ્ટેટે ખુદ બુટલેગરને ઢોર માર માર્યાની ફરિયાદ નોધતાં સમગ્ર કોર્ટ સંકુલમાં આ મુદ્દાને લઇને ચકચાર મચી હતી. કોર્ટમાં હાજર થયેલા બુટલેગરને કોર્ટે કોઇપણ પ્રકારનો માર નહીં મારવાની શરતે ખોખરા પોલીસને મેડિકલ રિપોર્ટ કરાવીને સોંપ્યો હતો. છતાંય પોલીસે બુટલેગરને માર મારતાં ખુદ મેજિસ્ટ્રેટે ફરિયાદ નોંધી હતી.

તારીખ 5મી જુલાઇના રોજ પીસીબીએ ખોખરા વિસ્તારમાંથી 192 બોટલ વિદેશી દારૂ સાથે એક વિપુલ નામના રાજસ્થાની યુવકની ધરપકડ કરી હતી.ખોખરા પોલીસે વિપુલની પૂછપરછ કરતાં  આ દારૂ ખોખરામાં મદ્રાસી મંદિર પાસે રહેતા નરેન્દ્ર મેહેન્દ્રસિંહ બારડને આપવાનું જણાવતાં પોલીસ નરેન્દ્રની ધરપકડ કરવા માટે શોધખોળ કરતી હતી. દરમિયાનમાં નરેન્દ્ર મેટ્રોપોલિટિન કોર્ટ નંબર 7માં હાજર થયો હતો અને પોલીસે માર મારશે તેવી દહેશત વ્યકત કરી હતી.

કોર્ટે ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ચૌહાણને બોલાવ્યા હતા. લેખિતમાં નરેન્દ્રને માર નહીં મારવાના મુદ્દે પીઆઇએ બાંયધરી આપી હતી. પોલીસ સ્ટેશનમાં લઇ જતા પહેલાં નરેન્દ્રનો એલજી હોસ્પિટલમાં મેડિકલ રિપોર્ટ કરાવ્યો હતો. નરેન્દ્રના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે સમક્ષ તેને રજૂ કરાયો હતો. નરેન્દ્રએ કોર્ટ સમક્ષ માર મારવાની ફરિયાદ કરતા મેજિસ્ટ્રેટે તેનાં કપડાં ઉતારીને તેના શરીર ઉપર ઇજા થઇ છે કે કેમ તેનું નિરીક્ષણ કર્યુ હતું ઇજાઓ દેખાતાં મેજિસ્ટ્રેટે નરેન્દ્રની ફરિયાદ જાતે જ લખી હતી અને તેને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જ્યા તેની સારવાર દરમિયાન તેના હાથમાં ફ્રેકચર આવતાં કોર્ટે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. 

મેડિકલ રિપોર્ટ આવી જતાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ચૌહાણ અને એક કોન્સ્ટેબલ વિરુદ્ધમાં કોર્ટ ઇન્કવાયરી થશે તેવો આદેશ મેજિસ્ટ્રેટે આપ્યો છે.અને મેડિકલ ઓફિસરોને નોટિસ ઇસ્યુ કરીને તપાસ માટે બોલાવ્યા છે. 

 

You might also like