બીફ વિવાદથી ભાજપની શાખને નુકસાન : પારિકર

પણજી : સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે સ્વીકાર્યું છે કે બીફ વિવાદથી ભાજપને મોટું નુકસાન થયું છે. એક ટીવી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે બીફ વિવાદથી ભાજપની શાખ અને દેશની છબીને નુકસાન પહોંચ્યું છે. સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે વધુમાં જણાવ્યું હતું કે ગૌમાંસના ઉપયોગ જેવી બાબત સંવેદનશીલ છે અને ગૌમાંસ ખાવું એ એક વ્યકિતગત અભિપ્રાય છે.

ગૌમાંસના ઉપયોગ પર સમગ્ર ભારતમાં પ્રતિબંધ મૂકવાની માગણીના મુદ્દે પારિકરે જણાવ્યું હતું કે ગૌમાંસ ખાવા અંગે વ્યકિત વ્યકિતએ અલગ મત હોય છે. વહીવટદાર કે સરકાર તરીકે કોઇ એક જૂથને સંતોષ આપી શકાય નહીં. આ એક વ્યકિતગત અભિપ્રાય છે. પારિકરે વધુમાં જણાવ્યું હતું કે જો આવતી કાલે સમગ્ર દુનિયા શાકાહારી બની જશે તો શાકભાજીના ભાવ એટલા બધા વધી જશે કે લોકોને તે પરવડશે નહીં અને લોકોને ખાવા માટે ખોરાક નહીં મળે.

મનોહર પારિકરે વધુમાં જણાવ્યું હતું કે હું બાળપણથી આરએસએસ સાથે સંકળાયેલો છું અને હું તમને ખાતરી આપું છું કે દાદરી હત્યાકાંડને આરએસએસ સાથે કોઇ જ નિસબત નથી. સંરક્ષણ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય લશ્કરમાંમહિલાઓને લડાયક ભૂમિકા સોંપવા પર ગંભીરતાથી વિચારી રહ્યું છે. મહિલાઓને કેવા પ્રકારની લડાયક ભૂમિકા સોંપી શકાય તે અંગે વિચારણા ચાલી રહી છે.

You might also like