બીએડનો અભ્યાસક્રમ એક વર્ષના બદલે બે વર્ષ કરાયો

અમદાવાદ: રાજ્યમાં અત્યાર સુધી બીએડનો અભ્યાસક્રમ એક વર્ષનો હતો. જો કે હવે આ અભ્યાસક્રમની સમય મર્યાદા વધારીને બે વર્ષ કરી દેવામાં આવી છે જેના કારણએ આગામી વર્ષોમાં રાજ્યમાં શિક્ષકોની ઘટ પડે તેવી શક્યતા સર્જાઈ છે. કારણ કે ચાલુ વર્ષે ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને બીએડમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ હવે ૨૦૧૭-૧૮માં પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરશે. એટલે કે આગામી વર્ષે બીએડ કરીને બહાર પડશે નહીં જેના કારણે પહેલેથી શિક્ષકોની ઘટ સહન કરી રહેલ શાળાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.પ્રાપ્ત થતી માહિતી મુજબ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (એનસીઆઈઈ) દ્વારા શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટે બીએડના અભ્યાસક્રમની મુદ્દત એક વર્ષથી વધારીને બે વર્ષ કરી દીધી છે જેના કારણએ ચાલુ વર્ષે બીએડમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ ૨૦૧૭-૧૮માં પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરશે. એટલે કે આગામી વર્ષે રાજ્યમાં એક પણ બીએડ કરેલ વિદ્યાર્થી બહાર પડશે નહીં. આવી સ્થિતિમાં ખાનગી શાળાઓએ શિક્ષકો શોધવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા રહેલી છે. સામાન્યરીતે ખાનગી શાળાઓ દર વર્ષે બહાર પડતા બીએડ વિદ્યાર્થીઓને કોન્ટ્રાક્ટ બેજ પર ભરતી કરતી હોય છે. જો કે, આગામી વર્ષે જો કોઇ બીએડ કરેલ વિદ્યાર્થી બહાર નહીં પડે તો આવી ખાનગી શાળાઓને શિક્ષક મળવા મુશ્કેલ બનશે. સાથે જ સારા શિક્ષકોની પણ ડિમાન્ડ વધશે.બીજી બાજુ રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પહલેથી અછત જોવા મળી રહી છે ત્યારે રાજ્યના  શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી શિક્ષકોની ભરતી પણ એક વર્ષ માટે ખોરવાઈ જાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં શિક્ષકોની અછતનો સામનો કરી રહેલ શાળાઓને શિક્ષકો મળવાનો ઇન્તજાર વધુ એક વર્ષ માટે લંબાય તેવી શક્યાતોને નકારી શકાતી નથી. આ ઉપરાંત બીએડ કોલેજોના આચાર્યોના જણાવ્યા મુજબ બીએડનો અભ્યાસક્રમ બે વર્ષનો કરી દેવાતા વિદ્યાર્થીઓના ધસારો પણ ઘટ્યો છે જેના કારણે ચાલુ વર્ષે અનેક બીએડ કોલેજોમાં ૫૦ ટકા જેટલી બેઠકો ખાલી રહેવા પામી છે. એક સમય જ્યાં બીએડમાં પ્રવેશ માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળતું હતું ત્યારે ચાલુ વર્ષે બીએડ કોલેજોએ વિદ્યાર્થીઓ શોધવા માટે જાહેરાતો આપવાની ફરજ પડી હતી.

You might also like