બીઆરટીએસમાં આઇટીનાં ધાંધિયાંથી તંત્ર ખફા

અમદાવાદઃ અમદાવાદમાં ઝડપ, સ્વચ્છતા અને નિ‌યમિતતા માટે વખણાતી બીઆરટીએસ બસ સર્વિસમાં સ્માર્ટ કાર્ડ સહિતની આઇટી સર્વિસનો કોન્ટ્રેકટ લેનાર કંપનીના ધાંધિયાથી ઉતારુઓ હેરાન પરેશાન છે. બીજી તરફ મ્યુનિસિિપલ કોર્પોરેશન પણ ખફા થયું છે.

બીઆરટીએસમાં આઇટી સર્વિસનો રૂ.૭૦ કરોડનો માતબર કોન્ટ્રેકટ દિલ્હીથી વાયમ જીએમવીને અપાયો છે. આ કંપની પાસે પોતાનો સોફટવેર ન હોઇ વિદેશની કંપની જીએમવી પાસેથી મેળવી રહી છે, પરંતુ તેમાં પણ જીએમવીને સમયયર સોફટવેરના નાણાંની ચૂકવણી કરાતી ન હોઇ સ્માર્ટકાર્ડ સહિતની કામગીરી કથળી છે.

આ કારણે બીઆરટીએસ તેમજ ઇ ગવર્નન્સનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર કે. એલ. બચાણીએ આઇટી કંપનીના દિલ્હીના ઉચ્ચ અધિકારીઓને અમદાવાદ બોલાવ્યા હતા. તંત્રએ આઇટીનાં ધાંધિયાં અંગે નારાજગી વ્યકત કરીને આ કંપનીનો હજુ એક વર્ષનો કોન્ટ્રેકટ બાકી હોવા છતાં તેને રદ કરી દેવાની ચીમકી આપી હતી.

ઓગસ્ટ ર૦૧૬ સુધીનો કોન્ટ્રેકટ રદ કરી દેવાની ચીમકીથી દિલ્હીથી આ કંપનીના ઉચ્ચ અધિકારીઓને એસીરૂમમાં પરસેવો છૂટી ગયો હતો અને તાત્કાલિક વિદ્યાર્થીઓ માટે એક હજાર સ્માર્ટ કાર્ડની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.

 

 

You might also like