બિહાર ચૂંટણીઃ NDAના ઉમેદવાર પર ફાયરિંગ, ૧ વાગ્યા સુધીમાં ૩૯ ટકા મતદાન 

પટણાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે સવારે ૧૨ જિલ્લાની ૪૯ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. બિહારના ભાગલપુર, બાંકા, જમુઈ, મુંગેર, લખીસરાઈ, ખગડિયા, શેખપુરા, નવાદા, બેગુસરાઈ, સમ‌િસ્તપુર જિલ્લાની ૪૯ બેઠકોનું મતદાન જારી છે. સવારે ૦૧.૦૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૩૯ ટકાથી વધુ મતદાન નોંધાયું છે. સોમવારે બપોરે ૦૧.૦૦ વાગ્યા સુધી ૩૯ ટકા મતદાન થયું છે. આ દરમિયાન જમુઇમાં એલજેપી (એનડીએ)ના ઉમેદવાર વિજય સિંહ પર મહેશ્વરી ગામમાં હુમલો થયો હોવાના સમાચાર છે. હુમલાવરોએ એલજેપી ઉમેદવાર પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ વિજય સિંહ માંડ-માંડ બચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

અનેક જગ્યાએ ઇવીએમ મશીન ખરાબ હોવાથી મતદાન શરૂ થઇ શક્યું ન હતું. જમુઇમાં મહાગઠબંધન અને એનડીએના સમર્થકો વચ્ચે હિંસક મારાઝૂડ થતાં ચાર લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

આજે પ્રથમ તબક્કાના મતદાન માટે જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નકસલ પ્રભાવિત વિસ્તારોમાં ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા મતદાનની પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પડોશી રાજ્ય સાથેની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે.

આજે સવારે જ્યારે વોટિંગ શરૂ થયું ત્યારે મતદાન મથકો પર દરેક મત ક્ષેત્રમાં લાંબી કતારો જોવા મળી હતી. પ્રથમ એક કલાકમાં છ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે નવ વાગ્યા સુધીમાં ૧૩ ટકા અને ૧૦ વાગ્યા સુધીમાં ૨૦ ટકાથી વધુ જ્યારે ૧૨ વાગ્યા સુધીમાં ૩૨ ટકા અને ૦૧ઃ૦૦ વાગ્યા સુધીમાં ૩૯ ટકા મતદાન નોંધાયું છે.

મતદાન શરૂ થયું ત્યારે કેટલાક સ્થળોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ખરાબીના કારણે મતદાન શરૂ થઈ શક્યું ન હતું. હજુ પણ આ લખાઈ રહ્યું છે ત્યારે ઈવીએમની ખરાબીના કારણે વોટિંગ કેટલાક સ્થળોએ શરૂ થઈ શક્યું નથી. બીજી બાજુ બાંકાના ૪૦ મતદાન મથકોમાં ઈવીએમમાં ખામી ઊભી થતા મતદાન શરૂ થઈ શક્યું નથી. જમુઈમાં પણ કેટલાક સ્થળોએ ઈવીએમમાં ફોલ્ટને કારણે મતદાન શરૂ થયું ન હતું, પરંતુ હવે ફોલ્ટ દૂર કર્યા બાદ શરૂ થયું છે.

આજે બિહારમાં જે ૫૯ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી ૩૩ બેઠકો પર લાલુ યાદવ અને નીતીશકુમારના મહાગઠબંધનનો કબજો છે. ભાજપના સાંસદ ગિરિરાજસિંહ પણ પોતાનો વોટ આપવા વહેલી સવારે પહોંચી ગયા હતા. તેમને લઈને એક વિવાદ ઊભો થયો છે.

ગિરિરાજસિંહ જ્યારે બડહૈયામાં સવારે મતદાન કરવા ગયા તે પહેલા તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જ્યારે તેઓ વોટ આપવા લાગ્યા ત્યારે મીડિયાના ફોટોગ્રાફરો તેમની પાછળ પાછળ મતદાન કેન્દ્રમાં પહોંચ્યા હતા. નિયમો અનુસાર મતદાન કેન્દ્રોમાં કેમેરા લઈ જવાની મનાઈ છે. ગિરિરાજસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખત મહાગઠબંધનના સૂપડા સાફ થઈ જશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સવારે ટ્વિટ કરીને બિહારના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બિહારના લોકોને મારી અપીલ છે કે તેઓ વધુ ને વધુ સંખ્યામાં મતદાન કરે. આજે યોજાઈ રહેલા ૪૯ બેઠકોના મતદાનમાં ૧૨ બેઠકો મહત્ત્વની છે જેમાં કેટલાક મહારથીઓના ભાવિનો ફેંસલો થશે. 

તારાપુરની બેઠક પરથી શકુ‌િન ચૌધરીના ભાવિનો ફેંસલો થશે કે જેઓ આ વિસ્તારના કદાવર નેતા છે. ખડકીયાની બેઠક પર બાહુબ‌િલ રણવીર યાદવના પત્ની પૂનમ યાદવ ચૂંટણી લડી રહ્યા છે અને તેમનું પણ ભાવિ આજે મતપેટીમાં સીલ થશે. એલજેપીના પ્રિન્સ રાજનું ભાવિ પણ આજે મતપેટીમાં સીલ થશે.

આજે ૪૯ બેઠકો પૈકી જમુઈમાં ૨૩.૫૦ ટકા, લખીસરાઈમાં ૨૧.૫૯ ટકા, બાંકામાં ૨૧.૬૭ ટકા, બેગુસરાઈમાં ૨૧.૦૮ ટકા, સમ‌િસ્તપુરમાં ૧૯.૮૯ ટકા મતદાન સવારે ૧૦ વાગ્યા સુધી નોંધાયું હતું. આજના પ્રથમ તબક્કામાં કુલ ૧૩,૨૧૨ મતદાન કેન્દ્રો પર ૧.૩૫ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

You might also like