બિહારમાં NDA સપાટો બોલાવે તેવો દાવો

પટણા : બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે જુદા જુદા ચેનલો દ્વારા પોલના તારણો જારી કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પહેલાના પોલ સર્વેમાં હવે જી મિડિયા ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભાજપના નેતૃત્વમાં  એનડીએની શાનદાર જીત થશે.

 આ સર્વે મુજબ ભાજપ અને તેના સાથી પક્ષો મહાગઠબંધન ઉપર જોરદાર લીડ મેળવી લેશે. મહાગઠબંધનમાં જે રાજકીય પક્ષો છે તેમાં રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યુનાઇટેડ, કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરનો સમાવેશ થાય છે. બિહાર વિધાનસભાની ચૂંટણી માટે જીતન રામ માંઝીની પાર્ટી અને રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી, કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી ભાજપ સાથે હાથ મિલાવી ચુકી છે.

એનડીએના ભાગરુપે આ તમામ રાજકીય પક્ષો રહેલા છે. ચૂંટણી પહેલાના સર્વેમાં સંકેત આપવામાં આવ્યો છે કે, એનડીએ માટે ૫૦.૮ ટકા લોકો મતદાન કરે તેવી શક્યતા છે. જ્યારે મહાગઠબંધન માટે ૪૨.૫ ટકા લોકો મત આપી શકે છે જ્યારે અન્યો માટે ૬.૭ ટકા લોકો મત આપી શકે છે.

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, મોદીના નેતૃત્વમાં એનડીએ ૧૪૦ વિધાનસભા બેઠક જીતી શકે છે જ્યારે મહાગઠબંધન ૭૦ બેઠક જીતી શકે છે. બાકીની ૩૩ બેઠકોમાં નજીકની સ્પર્ધા રહી શકે છે.  વિજેતા કોણ રહેશે તે અંગે વાત કરવી મુશ્કેલી દેખાઈ રહી છે પરંતુ ભાજપની તરફેણમાં મોજુ દેખાઈ રહ્યું છે.

મુસ્લિમ વસતી પણ ભાજપ તરફ આકર્ષિત થઇ રહી છે. ૪૧.૨ ટકા મુસ્લિમ વસતી એનડીએ તરફ આકર્ષિત દેખાઈ રહી છે જ્યારે ૫૨.૪ ટકા લઘુમતિ વસતી નીતીશકુમારના નેતૃત્વમાં મહાગઠબંધન તરફ આકર્ષિત દેખાઈ રહી છે. ચૂંટણી સર્વેમાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપના નેતૃત્વમાં ગઠબંધનની તરફેણમાં મોટાભાગના હિન્દુ લોકો મત આપી શકે છે. ૫૨.૬ ટકા હિન્દુ એનડીએની તરફેણમાં મત આપી શકે છે જ્યારે ૪૦.૮ ટકા મતદારો મહાગઠબંધનની તરફેણમાં મત આપી શકે છે. અન્યોને છ ટકા મત મળી શકે છે. યાદવની મતની વાત કરવામાં આવે તો પણ સ્થિતિ ખુબ જ ગળાકાપ રહી શકે છે. 

ભાજપના નેતૃત્વમાં ગઠબંદન ૪૭.૮ ટકા યાદવ મત મેળવી શકે છે. જ્યારે મહાગઠબંધનને ૪૭.૫ ટકા મળી શકે છે. અન્યોને યાદવ મત ૪.૭ ટકા મળી શકે છે. મહિલા મતદારોની વાત કરવામાં આવે તો મોદીના નેતૃત્વમાં એનડીએની તરફેણમાં ઝુકાવ વધારે દેખાઈ રહ્યો છે. ૫૨ ટકા મહિલા એનડીએની સાથે દેખાઈ રહી છે. ૪૦.૫ ટકા મહિલા નીતીશકુમારના ગઠબંધનની સાથે છે જ્યારે ૭.૫ ટકા અન્યોની સાથે છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી પાંચ તબક્કામાં યોજાનાર છે જેમાં ૧૨મી ઓક્ટોબરી લઇને પાંચમી નવેમ્બર દરમિયાન મતદાન થશે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ અને મુખ્યમંત્રી નીતીશખુમારના નેતૃત્વમાં મહાગઠબંધન વચ્ચે મુખ્ય સ્પર્ધા જામનાર છે. બિહારમાં ૨૪૩ બેઠકો માટે ૧૨, ૧૬, ૨૮મી ઓક્ટોબરના દિવસે મતદાન થશે જ્યારે પહેલી અને પાંચમી નવેમ્બરના દિવસે બાકીના બે તબક્કામાં મતદાન થશે. બિહાર વિધાનસભાની અવધિ ૨૯મી નવેમ્બરના દિવસે પૂર્ણ થનાર છે. બિહારમાં ૬.૬૮ કરોડ મતદારો છે જે પૈકી ૨.૦૪ કરોડ મતદારોની વય ૧૮-૨૯ વર્ષની વયની છે.

You might also like