બિહારમાં પ્રથમ ચરણના મતદાન માટે પ્રચારનો અંત

પટણા : બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન માટે હાઈવોલ્ટેજ ચૂંટણી પ્રચારનો આજે અંત આવી ગયો હતો. હવે પ્રથમ તબક્કામાં સોમવારના દિવસે ૪૯ બેઠકો ઉપર મતદાન થશે. આની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ અને સંબંધિતો દ્વારા કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૫૪ મહિલા ઉમેદવાર સહિત ૫૮૩ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થનાર છે. જે જિલ્લામાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાનાર છે તેમાં સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, ભાગલપુર, બાંકા, મુંગેર, લખીસરાય, શૈખપુરા, નવાડા અને જમુઈનો સમાવેશ થાય છે. બિહારમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. ૧૦ જિલ્લાને આવરી લઇને પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે.

મતગણતરીની પ્રક્રિયા ૮મી નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. રાજ્યના ચૂંટણી પંચના જણાવ્યા મુજબ નક્સલવાદી પ્રભાવિત જિલ્લાઓમાં મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલશે જ્યારે કેટાલક ક્ષેત્રોમાં સાંજે ચાર વાગ્યા સુધી અને કેટલાક ક્ષેત્રોમાં પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે. તમામ પાર્ટીઓ અને નેતાઓ કમરકસી ચુક્યા છે. તમામ પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી છે.ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ અમિત શાહ શ્રેણીબદ્ધ રેલીઓ યોજી ચુક્યા છે. એનડીએની તરફેણમાં મતદાન કરવા લોકોને અપીલ કરી ચુક્યા છે.

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પણ મહાગઠબંધનની તરફેણમાં મતદાન કરવા લોકોને અપીલ કરી ચુક્યા છે. આ તબક્કામાં જે મોટા ઉમેદવારના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં હિન્દુસ્તાની અવામી મોરચાના પ્રદેશ અધ્યક્ષ શકુની ચૌધરી, લોકજનશક્તિ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પશુપતિકુમાર, ભાજપના રેણુ કુશવાહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સદાનંદ સિંહ, જેડીયુના વિજય ચૌધરી, સીપીએમના રામદેવ વર્માનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા માટે એનડીએ તરફથી મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં ભાજપના ૨૭, એલજેપીના ૧૩, આરએલએસપીના ૬, એચએએમના ૩ ઉમેદવાર મેદાનમાં છે જ્યારે મહાગઠબંધન તરફથી જેડીયુના ૨૪, આરજેડીના ૧૭, કોંગ્રેસના આઠ ઉમેદવાર મેદાનમા છે. આ તબક્કામાં કુલ ૧.૩૫ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ ૪૯ બેઠકો પૈકી જેડીયુની પાસે ૨૯ બેઠકો છે જ્યારે ભાજપ પાસે ૧૩ બેઠક છે. આરજેડીની પાસે ચાર, ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ, સીપીએમની પાસે એક-એક બેઠક છે.

બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠક માટે ૧૨મી ઓક્ટોબરથી લઇને ૫મી નવેમ્બર વચ્ચે પાંચ તબક્કામાં મતદાન યોજાનાર છે. મતગણતરી ૮મી નવેમ્બરના દિવસે યોજાશે.

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચારનો આજે અંત આવ્યો હતો. પ્રચારના છેલ્લા દિવસે નીતીશકુમાર અને લાલૂ યાદવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે, મોદી બિહારમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોય તે રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

નવાડામાં ચૂંટણી રેલીને સંબોધતા નીતીશકુમારે કહ્યું હતું કે, ભાજપ પાસે બિહારમાં કોઈ નેતા નથી. આજ કારણસર વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવામાં આવી રહી છે. આજે પણ તેમની પાસે મુખ્યમંત્રી પદ માટે કોઇ ઉમેદવાર નથી. તેઓ કહી રહ્યા છે કે, અમે મોદીના નેતૃત્વ હેટળ ચૂંટણી લડી રહ્યા છીએ.

 

નીતીશ કુમારે કહ્યું હતું કે, જે રીતે મોદી બિહારમાં ચૂંટણી રેલી યોજી રહ્યા છે કે તેવું લાગે છે કે, ભાજપમાં નેતાઓની કમી દેખાઈ રહી છે.  નીતીશે એમ પણ કહ્યું હતું કે, હવે મોદીના નામ ઉપર ભાજપ પંચાયતી ચૂંટણી પણ લડી શકે છે.

You might also like