બિહારમાં આજે રાહુલ ગાંધીનો હુંકારઃ ચંપારણ્યમાં રેલી

પટણાઃ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે બિહારના ચંપારણ્યમાં એક ચૂંટણી રેલીને સંબોધીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. બિહારના પશ્ચિમી ચંપારણ્યમાં આજે બપોર બાદ રાહુલ ગાંધીની એક રેલી યોજાશે અને આ રેલીમાં સંપૂર્ણપણે વન મેન શો જોવા મળશે, કારણ કે મહાગઠબંધનમાં કોંગ્રેસના સાથી નીતીશકુમાર અને લાલુપ્રસાદ યાદવ આ રેલીમાં હાજરી આપશે નહીં.

લાલુ અને નીતીશની રાહુલની રેલીમાં ગેરહાજરી અંગે બિહારના કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બંને ટિકિટની વિતરણની કામગીરીમાં વ્યસ્ત છે અને તેથી રેલીમાં ભાગ લઈ શકશે નહીં. તેનો કોઈ રાજકીય અર્થ કાઢવો જોઈએ નહીં. જદયુ તરફથી રાહુલની રેલીમાં કે.સી. ત્યાગી અને લાલુપ્રસાદ યાદવ તરફથી તેમના પુત્ર તેજસ્વી યાદવ ભાગ લેશે.

એવું કહેવાય છે કે લાલુ યાદવ સાથે રાહુલ ગાંધીના સંબંધો સારા નથી અને તેથી લાલુ યાદવ રાહુલની રેલીમાં હાજરી આપશે નહીં. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જોકે કોંગ્રેસ જદયુ અને રાજદનું મહાગઠબંધન રચવામાં આવ્યું છે અને ત્રણેય સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.

You might also like