બિહારનો ચૂંટણી જંગઃ મોદી વિરુદ્ધ નીતિશકુમાર

સપ્ટેમ્બરની નવમી તારીખે બપોરે દોઢ વાગે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાંમાં છ ટકાના વધારાની જાહેરાત કરી. એ પછી પાંચ જ મિનિટમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે પણ રાજ્યના કર્મચારીઓ માટે એટલા જ વધારાની જાહેરાત કરી. બરાબર અડધા કલાક પછી મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદીએ બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી અને બાર ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધીમાં પાંચ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવાના આયોજનની વિગતો આપી. આ જાહેરાતની ક્ષણથી જ બિહારમાં ચૂંટણીની આચારસંહિતાના અમલની શરૂઆત થઈ જતી હતી.કેન્દ્ર અને રાજ્યના સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંમાં વધારાની જાહેરાત થોડી મિનિટોના અંતરને કારણે આચારસંહિતાના અવરોધમાંથી બચી ગઈ.

બિહાર વિધાનસભાનો ચૂંટણી જંગ તેના બંને મુખ્ય પ્રતિસ્પર્ધીઓ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન અને નીતિશકુમારના મહાગઠબંધન વચ્ચે કેવો તીવ્ર કસોકસનો અને પ્રતિષ્ઠાપૂર્ણ છે એ આ ઘટનામાં એકબીજાના પગેરાંને દાબવાની તત્પરતા અને ત્વરિતતામાં જોઈ શકાય છે. ચૂંટણી વ્યૂહરચનામાં પણ એકબીજાને મ્હાત કરવામાં આવી જ રીતરસમ અજમાવાઈ રહી છે. ભાજપ અને મોદી-અમિત શાહની સ્ટ્રેટેજીને અનુસરીને આ વખતે નીતિશકુમાર પણ આધુનિક ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. બિહારની ચૂંટણી જાતિગત સમીકરણોને લક્ષમાં લીધા વિના લડી જ ન શકાય એ વાસ્તવિકતાને અનુસરીને બંને પ્રતિસ્પર્ધીઓ ચૂંટણી શતરંજની બાજી ગોઠવી રહ્યા હોવા છતાં જાહેરમાં બંને પ્રતિસ્પર્ધીઓ વિકાસ અને સુશાસનના મુદ્દે ચૂંટણી લડી રહ્યા હોવાનો દેખાવ કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફક જ નીતિશકુમારે પણ વિકાસનાં વિરાટ વચનોની સ્પર્ધા માંડી છે. આગવી મતબેંકોના મતવિભાજનને અટકાવવા માટે કોંગ્રેસ અને લાલુપ્રસાદ સાથે ‘ઝેરનાં પારખાં’ જેવું મહાગઠબંધન રચવા છતાં મોદી મેજિકને બેઅસર કરવામાં સંશય જણાતાં મોદીની જ ડીએનએવાળી ટીકાને બિહારના સ્વાભિમાન સાથે જોડીને નીતિશકુમારે વિકાસના મુદ્દા સાથે બિહારી અસ્મિતાના મુદ્દાનું મિશ્રણ તૈયાર કર્યું છે. સ્વાભિમાનનું રાજકારણ હંમેશાં ‘અપમાન’ને સામે રાખીને ખેલી શકાય છે. નીતિશકુમારે પોતાની વ્યક્તિગત ટીકાને બિહારના અપમાનનું રૂપ આપવા અને તેની સાર્વજનિક અપીલ ઊભી કરવા બિહારીઓનાં નખ, વાળ અને લોહીના લાખો સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે મોદીને મોકલવાનો પેંતરો પણ અજમાવી જોયો.

અલબત્ત, આ પેંતરાથી બિહારનાં લોકોમાં મોદી વિરુદ્ધ તેઓ જે જુવાળ ઊભો કરવા ઇચ્છતા હતા એવો જુવાળ કે ઉન્માદ સર્જી શકાયો નહીં. બલ્કે ત્યાર પછીની મોદીની રેલીઓ પણ એટલી જ વિશાળ અને સફળ રહી. સ્વાભિમાન અને અસ્મિતાનું રાજકારણ સફળ જ થાય એવું બનતું નથી. ભાજપના નેતાઓ જાણે છે કે, બિહારમાં અત્યારે વર્તમાન સરકાર સામે ‘એન્ટિ ઈન્કમ્બન્સી’નું પરિબળ પણ તેની ભૂમિકા ભજવી રહ્યું છે. નીતિશકુમારના દિમાગમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી વ્યૂહરચનાની આભા એટલી હદે છવાયેલી છે કે, અનેક બાબતોમાં તેઓ મોદીનું અનુસરણ કરી રહ્યા છે.

મોદીની માફક જ તેમણે બિહારમાં અનેક મત સર્વેક્ષણો કરાવ્યાં છે. તેનાં બધાં તારણો તેમને અનુકૂળ નથી આવ્યાં બલ્કે મિશ્ર પરિણામો દર્શાવનારાં રહ્યાં છે. આવા એક સર્વેક્ષણમાં એવું જણાયું છે કે, તેમના જનતાદળ (યુ)ના ૨૮ ધારાસભ્યોની હાર નિશ્ચિત છે. આ તારણ જાણ્યા પછી નીતિશકુમાર તેમાંના ૨૨ ધારાસભ્યોની ટિકિટ કાપવાનું નક્કી કરીને બેઠા છે. બિલકુલ મોદીની ‘નો રિપીટ’ થિયરીની માફક. બાકીના છને અભયદાન આપવાનું કારણ એ છે કે, એ બધા પક્ષના જૂના નેતાઓ છે અને તમામ સંજોગોમાં નીતિશકુમારની પડખે રહ્યા છે. 

ભાજપની છાવણી આ વખતે બિહારમાં સત્તા કબજે કરવા કૃતસંકલ્પ છે. ભાજપની પ્રચાર ઝુંબેશ બિહારમાં ઘણા સમય પહેલાં શરૂ થઈ ચૂકી છે. લગભગ એક મહિનાથી બિહારના તમામ ૨૪૩ મતવિસ્તારોમાં ૨૪૩ વીડિયો વાન જેને ભાજપે પરિવર્તન રથ એવું નામ આપ્યું છે એ પ્રત્યેક ગામોમાં ફરી રહ્યા છે. ભાજપને રાજ્યના એનડીએના સાથી પક્ષો રામવિલાસ પાસવાનના લોક જનશક્તિ પાર્ટી, ઉપેન્દ્ર કુશવાહાનો પક્ષ તેમજ જિતનરામ માંઝીના નવરચિત હિન્દુસ્તાન અવામ મોરચા (હમ) વચ્ચે બેઠકોની ફાળવણીના મુદ્દે કોઈ મોટી સમસ્યા સર્જાઈ નથી.

જે નીતિશકુમારે અગાઉની ચૂંટણીમાં પોતાના લાભ માટે પછાત વર્ગોની ૨૦-૨૨ જાતિઓને અલગ તારવીને તેને મહાદલિતનું નામ આપી એક અલાયદી મતબેંક ઊભી કરી હતી એ મતબેંક આ વખતે તેમના હાથમાંથી સરકી ગઈ છે. માંઝી મહાદલિત જાતિના છે અને નીતિશકુમારે તેમને પદભ્રષ્ટ કરતા મહાદલિતો અપમાનિત થયાની લાગણી અનુભવે છે. આ મહાદલિત જાતિઓના મત લગભગ પંદર ટકા થવા જાય છે. મતલબ યાદવોની મતબેંક સમકક્ષ આ મતબેંક છે. તેમાંની ત્રણ જાતિઓ રવિદાસ, મુસહર અને પાસવાનના મતો જ ૭૦ ટકા જેટલા છે. માંઝી મુસહર જાતિના છે.

મુલાયમસિંહ યાદવ મહાગઠબંધનથી અલગ થયા છે. નેતાજીનું આ પગલું ભાજપની ‘ડિઝાઇન’ પ્રમાણેનું હોવાનું માનવામાં આવે છે. તેઓ શરદ પવારની એનસીપી સાથે મળીને તમામ બેઠકો લડશે. બિહારમાં ભલે તેમની સમાજવાદી પાર્ટીનો પ્રભાવ કે જનાધાર ન હોય, નીતિશકુમારની બાજી બગાડવા માટે તો પર્યાપ્ત છે. ચૂંટણીના વિજય કરતાં બીજાના પરાજયમાં રસ હોય એવું અન્ય પરિબળ અસદુદ્દીન ઓવૈસીનું છે. તેઓ સીમાંચલના ચાર જિલ્લાઓમાં ૨૫ મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ઉમેદવારો ઊભા રાખશે.

યાદવ અને મુસ્લિમ મળીને ૩૦ ટકાની મતબેંક પર વર્ચસ્વના આધારે પંદર વર્ષ બિહારમાં રાજ કરનાર લાલુપ્રસાદની આ મતબેંકો હવે અકબંધ રહી નથી. તેમના પક્ષનો બ્રાહ્મણ ચહેરો મનાતા રઘુનાથ ઝા હવે સમાજવાદી પાર્ટીમાં છે. પપ્પુ યાદવે લાલુપ્રસાદથી અલગ થઈને જન અધિકાર મોરચો નામના રાજકીય પક્ષની રચના કરી છે. પપ્પુ યાદવને પડદા પાછળ ભાજપનું સમર્થન હોવાનું મનાય છે. આ જ પપ્પુ યાદવે મધેપુરામાંથી જદયુના દિગ્ગજ શરદ યાદવને હરાવ્યા હતા.

બિહારમાં ૧૮થી ૨૫ વર્ષની વયના મતદારોની સંખ્યા વીસ ટકા જેટલી છે. આ મતદારો જાતિગત આધારને બદલે વિકાસ જેવા મુદ્દાને લક્ષમાં રાખીને મતદાન કરે તો તેના મતો બિહારની રાજનીતિની દિશા બદલી શકે છે. મોદી રાજ્યમાં કુલ ૩૨ રેલીઓ સંબોધિત કરવાના છે. તેમાંથી માત્ર પાંચ યોજાઈ છે. ૨૭ બાકી છે. બિહારની ચૂંટણી નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર વચ્ચેનો જ જંગ છે. ૨૦૧૦ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નીતિશકુમાર સાથે હતા ત્યારે નીતિશકુમારે મોદીને બિહારમાં પ્રચાર માટે નહીં મોકલવાની શરત મૂકી હતી, પોતાની મુસ્લિમ મતબેંક સાચવવા. આ ચૂંટણીમાં વિજય દ્વારા ભાજપ અને પ્રકારાંતરે મોદી બિહારમાં શાનદાર પ્રવેશ ઇચ્છે છે. બિહારમાં મોદી ભાજપનો ચહેરો છે, એ માત્ર મુખ્યપ્રધાનપદના દાવેદારો વચ્ચેના સંઘર્ષને કારણે જ નહીં, સૌથી મોટું કારણ તો આ છે. 

 

You might also like