બિહારની ચૂંટણીમાં જનતા પરિવારનું ગઠબંધન નહીં ઠગબંધન : ગીરીરાજ

વડોદરા : સમગ્ર દેશની પ્રજા તથા રાજકારણીઓની નજર બિહાર વિધાનસભાની યોજાનારી ચૂંટણીઓ ઉપર છે ત્યારે આ ચૂંટણીમાં જનતા પરિવારનું ગઠબંધન નહીં પરંતુ ઠગબંધન હોવાનું ગીરીરાજસિંહે જણાવ્યું હતું. આ ચૂંટણીમાં તમામ પ્રકારના તકવાદીઓ ભેગા થયા છે. બિહારની પ્રજા આ ગઠબંધનની નીતિરીતિથી પરિચીત છે ત્યારે આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદીની પોલિટિકલ સુનામી જનતા પરિવારના સુપડાસાફ કરી નાંખશે તેમ કેન્દ્રના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી તથા બિહારના નેતા ગીરીરાજસિંહે આજે પત્રકારો સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતું.

વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્ર મંત્રી ગીરીરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, બિહારની ચૂંટણીમાં ગઠબંધનમાંથી દૂર થઇ જવાનું સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહે જે પગલું ભર્યું છે તે સમજદારી પૂર્વકનું પગલું છે. વિરોધ પક્ષો કહે છે કે, એનડીએમાં મુખ્યમંત્રી બનવા માટેની લાઇન લાગી છે ત્યારે વિપક્ષે સમજવું જોઇએ કે, એનડીએના તમામ નેતા મુખ્યમંત્રી બનવા માટે સક્ષમ છે. જે એનડીએ માટે આનંદની વાત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુપીએ સરકારની લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગો માટેની બેધારી નીતિ હતી. જેને નરેન્દ્ર મોદીની સરકારે વધુ સરળ બનાવી છે. કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે સર્કિટ હાઉસ ખાતે નાના- મોટા ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. બેઠકમાં તેમણે ઉદ્યોગકારોના પ્રશ્નો સાંભળ્યા હતા અને કેન્દ્ર સરકાર તમામ મદદ કરશે તેવી હૈયાધારણ આપી હતી.

 

કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે કોઠી ચાર રસ્તા ખાતે આવેલ ખાદી ગ્રામોદ્યોગની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ખાદીને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટીબધ્ધ હોવાનું તેમણે કર્મચારીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

You might also like