'બાહુબલિ' જેવી ફિલ્મ ગુજરાતમાં બની શકે?

‘બાહુબલિ’ની ચર્ચા ચારે કોર થઈ રહી છે. કોઈ ફિલ્મના દિગ્દર્શક એસ. રાજામૌલિના વિઝનને વખાણી રહ્યું છે, તો કોઈ ફિલ્મમાં વપરાયેલ વિઝ્યુઅલ ઇફેક્ટને. જે હોય તે, પરંતુ પડદા પર રાજામૌલિની અથાગ મહેનત ચોક્કસ દેખાઈ આવે છે. ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી વિઝ્યુઅલ ઇફેક્ટની કમાલે પણ સારી એવી ચર્ચા જગાવી છે. જોકે મહત્ત્વનાં દૃશ્યોનું શૂટિંગ કેવી રીતે થયું અને ઇફેક્ટ કેવી રીતે આપવામાં આવી તેની શૉ-રીલ કે મૅકિંગ હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી. તેમ છતાં ગુજરાતના કેટલાક VFX આર્ટિસ્ટ ફિલ્મ નિહાળ્યા બાદ કયા દૃશ્યનું શૂટિંગ કેવી રીતે થયું હશે અને ટેક્નોલોજીની માહિતી આપી રહ્યા છે.

VFX આર્ટિસ્ટ અને કમ્પોઝિટર મયૂર સિદ્ધપુરા કહે છે, ‘VFX એટલે જે વસ્તુ કે પરિસ્થિતિ વાસ્તવમાં અશક્ય છે તેની અનુભૂતિ કરાવવાની કળા. અસ્તિત્વ ન હોય તેનો આભાસ કરાવવા VFX ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ‘બાહુબલિ’ની વાત કરીએ તો ફિલ્મમાં દર્શાવાયેલો ઊંચો જલપર્વત અને મહાકાય ધોધ હકીકતમાં શક્ય જ નથી અને જો આવો ધોધ હોય તો ત્યાં જઈ શૂટિંગ કરવું પણ અત્યંત મુશ્કેલીભર્યું હોય છે. તેથી આવા સીન્સ માટે VFXની મદદ લેવામાં આવે છે. જુદાં-જુદાં સ્પેશિયલ ઇફેક્ટ સોફ્ટવેરના આધારે ફિનિશિંગ આપી ફિલ્મ તૈયાર કરવામાં આવે છે.

કલાકારોએ માત્ર સેટ પર ગ્રીન સ્ક્રીન આગળ ઊભા રહી અભિનય કરવાનો હોય છે. બાકીનું કામ  VFX આર્ટિસ્ટ કરે છે. સૌથી પહેલાં તો દિગ્દર્શકને જોઈએ તેવા લોકેશનનું બૅકગ્રાઉન્ડ, વસ્તુ, પ્રાણીઓની વિઝ્યુઅલ ઇફેક્ટ કરવામાં આવે છે. જેને મેટ પેઇન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે શૂટિંગ ફૂટેજ અને મેટ પેઇન્ટિંગનું સંકલન કરવામાં આવે છે જેને કમ્પોઝિંગ કહેવામાં આવે છે.’

ફિલ્મનું શૂટિંગ અને VFXનું નિર્માણ બંને સાથે જ ચાલતાં રહે છે. અંતમાં કમ્પોઝિંગ સમયે બંને કામને એક ફ્લોર પર લાવવામાં આવે છે અને કલર કરેક્શન કરી એડિટ કરવામાં આવે છે. ઇફેક્ટ તૈયાર કરવાની પ્રક્રિયા લાંબી તેમજ ખર્ચાળ હોય છે. જેટલો વધુ સમય ફિનિશિંગમાં આપવામાં આવે, દૃશ્યો તેટલાં વધુ વાસ્તવિક લાગે છે. ‘બાહુબલિ’માં ફિલ્માવાયેલા યુદ્ધનાં દૃશ્યોમાં લાખો સૈનિકોનું સૈન્ય લડતું દેખાય છે, પરંતુ હકીકતમાં આવા દૃશ્યમાં ૭૦૦ જેટલા સૈનિકો જ લડતા હોય છે. આ લડાઈના ફૂટેજમાંથી સૈનિકોને કોપી કરી બૅકગ્રાઉન્ડમાં ઉપરાછાપરી ઉમેરી લાખો સૈનિકો લડી રહ્યા હોય તેવો આભાસ જન્માવવામાં આવે છે. આ ઇફેક્ટને ક્રાઉડ સિમ્યુલેશન કહેવાય છે.

અમદાવાદના એક પ્રોડક્શન હાઉસમાં VFX આર્ટિસ્ટ તરીકે કાર્ય કરતા હાર્દિક ઠુંબર કહે છેે, ‘ફિલ્મમાં જે ધોધનાં દૃશ્યો જોવા મળે છે તેના માટે ૧૦૮ દિવસનો સમય લાગ્યો હતો તેવી વાત છે. પાણી તેમજ ધોધને લગતી ઇફેક્ટ માટે રિયલ ફ્લો નામનું સોફ્ટવેર ઉપયોગમાં લેવામાં આવે છે. આટલો મહાકાય ધોધ બતાવવા માટે સૌપ્રથમ એક નાના એવા સામાન્ય ધોધનું શૂટિંગ કરવામાં આવે છે. બાદમાં તેને રિયલ ફ્લો જેવા સોફ્ટવેરમાં એક્સટેન્ડ કરવામાં આવે છે અને જોઈએ તેટલું કદ આપવામાં આવે છે. એક્સટેન્ડ કર્યા બાદ ફિનિશિંગ અને ઇફેક્ટ જેટલી ચોક્કસ રીતે આપવામાં આવે તેટલો ધોધ વધુ વાસ્તવિક લાગે છે. ધોધમાંથી ઊડતાં પાણીના છાંટાની ઇફેક્ટની પાર્ટિકલ ઇફેક્ટ કહેવામાં આવે છે. રેતી, પાણીના કણ વગેરે જેવાં તત્ત્વો ઉમેરવા ૩ડ્ઢજ-સ્છઠ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે.’

અમદાવાદમાં રહેતા ગેઇમ અને કન્સેપ્ટ ડેવલોપર નિશાંત ગોસ્વામી કહે છે,  ‘બાહુબલિ’માં ઉપયોગ કરાયેલી VFXઇફેક્ટની ક્વોલિટી હોલીવૂડની ફિલ્મો કરતાં પણ એક કદમ આગળ હતી. ઘણું સંશોધન કર્યા બાદ ફિલ્મ બનાવી હોય તેવું લાગ્યું. દરેક દૃશ્ય વાસ્તવિક લાગે તેવો મહત્તમ પ્રયાસ કરાયો છે.’

ફિલ્મના નિર્માણ માટે ૨૫૦ કરોડનો અધધ ખર્ચ કરાયો હતો તે વાત જગજાહેર છે, પરંતુ દિગ્દર્શક રાજામૌલિની માવજત અને VFX ટેક્નિકે સોનામાં સુગંધ ભેળવી છે, જેના કારણે ફિલ્મની સરખામણી હોલીવૂડની ફિલ્મો સાથે થઈ રહી છે.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આવી ફિલ્મ શક્ય છે કે નહીં, તે અંગે જાણીતા દિગ્દર્શક અને ગુજરાતી ભાષામાં અર્બન કક્ષાની સફળ ફિલ્મો આપનાર અભિષેક જૈન કહે છે, ‘ફિલ્મના નિર્માણ કરતાં દિગ્દર્શકનું વિઝન વધુ સરાહનીય છે. ગુજરાતીમાં આવી ફિલ્મ આવડા મોટા સ્કેલ પર નિર્માણ કરવી મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. સૌથી મોટો પ્રશ્ન બજેટનો છે. જો બજેટ મળી જાય તો એટલા પ્રેક્ષકો મળવા જોઈએ કે પૂરતું વળતર મળે. એટલું ચોક્કસ કહીશ કે ફિલ્મે સંદેશો ફેલાવ્યો છે કે પ્રાદેશિક ફિલ્મો નાની નથી હોતી.’

ફિલ્મમાં બતાવાયેલાં કેટલાંક હથિયારો પણ VFXની જ કમાલ છે. શૂટિંગ સમયે ગ્રીન સ્ક્રીન પર સફેદ અથવા કાળા ડૉટ્સ રાખવામાં આવે છે. હથિયારો કે અન્ય ઇફેક્ટ માટે આ ડૉટ્સના આધારે જે-તે હથિયારની ગતિ નક્કી કરવામાં આવે છે. સામ્રાજ્યનાં દૃશ્યો, યુદ્ધભૂમિ, સૈન્ય વગેરેનો અમુક અંતર સુધીનો ભાગ શૂટ કરવામાં આવ્યો છે. થોડા અંતર બાદ ગ્રીન સ્ક્રીન રાખી દેવામાં આવી છે. મતલબ કે તે બાદનાં દ્રશ્યો તૈયાર કરવા એ VFX ટીમની જવાબદારી છે. દિગ્દર્શકની માગ મુજબ બૅકગ્રાઉન્ડ અને અન્ય ઇફેક્ટ તૈયાર કરવામાં આવી છે. જેના માટે હજારો સ્કેચ તૈયાર કરાયાં હતાં અને અંતે તેને ઇફેક્ટનું સ્વરૃપ અપાયું હતું.

આશ્ચર્યજનક વાત એ છે કે, થોડા સમય પહેલાં રિલીઝ થયેલી હોલીવૂડ ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ’ અને ‘બાહુબલિ’ની સ્પેશિયલ ઇફેક્ટ ટીમ એક જ હતી. લગભગ ૭૦૦થી વધુ જુનિયર આર્ટિસ્ટે આ ફિલ્મમાં કામ કર્યું છે અને VFX માટે પણ ફિલ્મના કુલ બજેટનો અડધોઅડધ કહી શકાય તેટલો ખર્ચ કરાયો છે.

એનિમેશન પ્રોસેસવિઝ્યુઅલ ઈફેક્ટ આપવાની પ્રક્રિયા એનિમેશન પ્રોસેસ તરીકે ઓળખાય છે. તેમાં સૌપ્રથમ થ્રી-ડી મોડેલિંગ આવે છે, ‘બાહુબલિ’માં આવતા સાંઢ તેનું ઉદાહરણ છે. સાંઢનું આભાસી દૃશ્ય તૈયાર કર્યા બાદ થ્રી-ડી ટેક્સચરિંગ કરાય છે. પૂતળા જેવા દેખાતા સાંઢના થ્રી-ડી દૃશ્યમાં રંગ, શિંગડાં તેમજ તેને અસલી સાંઢ તરીકે દર્શાવી શકાય તેવા તત્ત્વો ઉમેરાય છે. બાદમાં થ્રી-ડી રિગિંગ દ્વારા બોન-સ્ટ્રક્ટર એટલે કે તેના હાડકાંનું માળખું ઉમેરવામાં આવે છે. જેથી તેનાં અંગો વળી શકે અને હલનચલન કરી શકે. અંતિમ તબક્કામાં આ સાંઢના એનિમેશનને શૂટિંગ કરાયેલા ફૂટેજ અથવા તેના બૅકગ્રાઉન્ડમાં મૂકી કમ્પોઝિંગ કરીને હકીકતમાં આવું પ્રાણી હોવાનો આભાસ ઊભો કરવામાં આવે છે.

ફિલ્મમાં ઘણું શીખવા મળ્યું. ગુજરાતમાં ઘણા કુશળ VFX આર્ટિસ્ટ છે. મુંબઈના સંખ્યાબંધ પ્રોડક્શન હાઉસમાં પણ ગુજરાતી VFX આર્ટિસ્ટ કામ કરે છે. તેમને જો તક મળે તો ગુજરાતમાં પણ આ પ્રકારના VFXનું ભવિષ્ય રહેલું છે: મયૂર સિદ્ધપુરા, VFX આર્ટિસ્ટ

ફિલ્મના નિર્માણ કરતાં દિગ્દર્શકનું વિઝન વધુ સરાહનીય છે. એટલું ચોક્કસ કહીશ કે, ફિલ્મે સંદેશો ફેલાવ્યો છે કે, પ્રાદેશિક ફિલ્મો નાની નથી હોતી. ગુજરાતીમાં આવી ફિલ્મ આવડા મોટા સ્કેલ પર નિર્માણ કરવી મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી: અભિષેક જૈન, જાણીતા દિગ્દર્શક

ચિંતન રાવલ

You might also like