બાળ દીક્ષાના ગેઝેટનો વિવાદઃ જૈનાચાર્યે સુપ્રીમમાંથી પિટિશન પાછી ખેંચી

અમદાવાદઃ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ બાળ દીક્ષા માટે લાગુ પડતો નથી તેવી ખોટી માહિતી રજૂ કરવાના કેસમાં જૈનાચાર્ય અને ડોક્ટર સહિત 6 વ્યકિતઓ વિરુદ્ધમાં ફરિયાદ થઇ હતી. આ કેસમાં જૈનાચાર્ય કીર્તિયશસુરિશ્વરજી મહારાજે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે તથા કેસને ટ્રાન્સફર કરવા માટે પિટિશન કરી હતી. જે પિટિશન જૈનાચાર્યના વકીલે પરત ખેંચતા સુપ્રીમે બન્ને પિટિશન ડિસમિસ કરી છે 

2010માં મેટ્રો-પોલિટિન કોર્ટમાં જૈનાચાર્ય કીર્તિયશસુરિશ્વરજી, ડોક્ટર રમેશ વોરા, હીરાના વેપારી હિમાંશુ રાજા, બિલ્ડર ભરત શાહ, શાંતિલાલ ઝવેરી, હીરાના વેપાર ચેતન મહેતા વિરુદ્ધમાં કેન્દ્ર સરકારનું ખોટું ગેઝેટ બતાવીને જૈન સમાજમાં ખોટી માહિતી રજૂ કરી હોવાની ફરિયાદ જસ્મિન શાહે કરી હતી. કોર્ટે પાંચ સાથીઓને તપાસ્યા બાદ 6 વ્યક્તિઓ વિરુદ્ધમાં સમન્સ ઇસ્યુ કર્યા હતા.

જેમાં અમદાવાદના ડોક્ટર રમેશ વોરા અને મુંબઇના બિલ્ડરના ભરત શાહ કોર્ટમાં હાજર થયા હતા. જૈનાચાર્ય કીર્તિયશસુરિશ્વરજી સહિત 6 વ્યકિતઓએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન ફાઇલ કરી હતી. અને ફરિયાદ રદ કરવાની દાદ માગી હતી. જેના જવાબમાં ફરિયાદીના વકીલ નીતિન ગાંધીએ આ ગેઝેટ ખોટું બનાવીને લોકોને ભ્રમિત કરાયા હોવાની દલીલો કરી હતી.

જેમાં કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળીને ગત નવેમ્બર મહિનામાં સુનવણી પૂર્ણ કરી હતી. હાઇકોર્ટે ક્વોશિંગ પિટિશન ફગાવી દીધી હતી. આ કેસમાં ફરિયાદી જસ્મિન શાહની મેટ્રો કોર્ટમાં ઊલટતપાસ ચાલી રહી છે ત્યારે ગઇકાલે કેસમાં સંડોવાયેલા 4 વ્યક્તિઓ કોર્ટમાં હાજર થયા હતા. જૈનાચાર્ય તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે તેઓ બિહારમાં છે તેથી હાજર રહી શક્યા નથી.

You might also like