બાકી ઉઘરાણી વસૂલવા કાપડ બજારનાં એસોસિયેશનો મેદાનમાં

અમદાવાદઃ એક બાજુ કાપડ બજારમાં મંદી જોવા મળી રહી છે. વેપારીઓને અપાયેલા વાયદા મુજબ ચુકવણાં થતાં નથી અને તેના કારણે તેની અસર સમગ્ર માર્કેટ ઉપર પડી રહી છે. આગામી તહેવારોની સિઝન પર્વે બજારને વધુ આર્થિક ભીંસમાં આવતું બચાવવા માટે કાપડ બજાર અને ગાર્મેન્ટ્સ બજારના એસોસિયેશનો મેદાનમાં આવ્યાં છે.સ્થાનિક કાપડ બજારના એસોસિયેશને લવાદ કમિટી વધુ એક્ટિવ કરી છે. ગુજરાત ગાર્મેન્ટ્સ એસોસિયેશને સભ્યોના બાકી નીકળતાં લેણાં અંગેના વિવિધ કેસ માટે લવાદ કમિટી સમક્ષ મૂક્યા છે તથા લવાદ કમિટી દ્વારા નાણાંની વસૂલાતનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે તેમ કરવામાં કસૂરવાર ઠરે તો અન્ય દંડાત્મક કાર્યવાહી કરવાનું શસ્ત્ર પણ ઉગામવામાં આવી રહ્યું છે.બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કાપડ બજાર હાલ આર્થિક ભીંસમાં સપડાયું છે. એક બાજુ તહેવારો આવી રહ્યા છે તો બીજી બાજુ પેમેન્ટ્સ સલવાયાં છે. આવા સંજોગોમાં બજારમાં નાણાકીય રોટેશન વધે, વર્ષો જૂના બાકી લેણાંના પેન્ડિંગ કેસ ઝડપથી ઉકેલાય તે હેતુથી કાપડ બજારનાં વિવિધ એસોસિયેશન આગળ આવ્યાં છે. આ અંગે મસ્કતી માર્કેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતે જણાવ્યું કે બજારમાં નાણાકીય ભીડ અનુભવાઇ રહી છે ત્યારે લેભાગુ વેપારીઓ દ્વારા જે નીતિરીતિ અપનાવાઇ રહી છે તેની સામે મહાજન મેદાનમાં આવ્યું છે. આવા વેપારી પાસેથી મહાજને લવાદ કમિટી દ્વારા ઝડપી ઉકેલ માટે કવાયત હાથ ધરી છે.
You might also like