બાંગ્લાદેશ શ્રેણીમાં આંગળીમાં ફેક્ચર હોવાથી વોર્નર નહીં રમે

સિડની : બાંગ્લાદેશ સામે આગામી મહિને રમાનારી બે ટેસ્ટ મેચોની ટીમમાંથી ઓપનિંગ બેટ્સમેન ડેવીડ વોર્નર બહાર થઈ ગયો છે. ઈજાના પરિણામ સ્વરૂપે તે આ ટેસ્ટ શ્રેણીમાં રમનાર નથી. વોર્નર એકબાજુ આ મેચમાં રમનાર નથી ત્યારે બીજીબાજુ તેના ઓપનિંગ સાથે ક્રિસ રોજર્સ નિવૃત્ત થઈ ચુક્યો છે. આવી સ્થિતિમાં નવા કેપ્ટન સ્ટીવ સ્મિથ સામે ઓપનિંગને લઈને નવી સમસ્યા ઉભી થઈ છે. ૨૮ વર્ષીય ખેલાડીએ કહ્યું છે કે, તે ન્યુઝિલેન્ડ સામે આગામી શ્રેણીમાં રમવા માટે તૈયાર છે.

 નવેમ્બર મહિનામાં આ શ્રેણી રમાશે, જેમાં એડિલેડ ઓવલ ખાતે હજુ સુધીની પ્રથમ ડે નાઈટ ટેસ્ટ મેચ પણ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના હોવાર્ડે કહ્યું છે કે, ડેવિડ વોર્નરને હાલ પુરતા આરામની જરૂર છે. તેની આંગળીમાં ફેક્ચર છે. ઓલરાઉન્ડર સેન વોટ્સન નિવૃત્ત થઈ ચુક્યો છે. ફિલીપ હ્યુઝનું મોત થઈ ચુક્યું છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા પાસે આવા અનુભવી ઓપનર બેટ્સમેન દેખાઈ રહ્યા નથી.

 

ઓપનિંગમાં ઓસ્ટ્રેલિયા પાસે હવે એડી કોવાન, બેન ક્રોફ્ટ અને જોઈ બર્ન જેવા ખેલાડીઓ છે, જેમને કુશળતા સાબિત કરવાની ઘણી તક બાકી છે. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ ક્લાર્ક, હેડિન, વોટ્સન અને રોજર્સ નિવૃત્ત થઈ ચુક્યા છે. બાંગ્લાદેશ સામે વોર્મઅપ મેચ રમાનાર છે. ત્યારબાદ ટેસ્ટ મેચ રમાશે. બાંગ્લાદેશ સામે જે બે ટેસ્ટ મેચ રમાશે તેમાં પ્રથમ ટેસ્ટ ચિતાગોન્ગ ખાતે ૯મી ઓક્ટોબરથી રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ ૧૭મી ઓક્ટોબરથી મિરપુર ખાતે રમાશે.

You might also like